યુરોપના પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર BAPS નીસડન મંદિરની રજતજયંતીની ભવ્ય ઉજવણી

Tuesday 25th August 2020 13:21 EDT
 
 

૨૦ ઓગસ્ટ ૧૯૯૫ના પાવન દિવસે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ઉદઘાટન કર્યું તે સાથે જ હજારો હરિભક્તો અને શુભેચ્છકોની પ્રતીક્ષાનો અંત આવ્યો હતો અને તેમની ભક્તિ આરાધના સફળ થઈ હતી. યુરોપમાં આ પ્રકારનું આ પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર છે. નીસડન મંદિર શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે. તેની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની રજતજયંતીની ઉજવણી નિમિત્તે પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી સૌને માટે ૧૨થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમાં મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમો તેમજ પ. પૂ.પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમનો સમાવેશ થાય છે.

૩૩ દેશોનાં હરિભક્તોએ લીધો ‘વિશ્વશાંતિ મહાપૂજા’નો લાભ

BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂ. બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે યુકે સ્થિત લંડન ખાતેના BAPSસ્વામીનારાયણ મંદિર, નીસડનનું રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ૨૨ ઓગસ્ટે ગણેશચતુર્થીના શુભદિવસે નીસડન મંદિર દ્વારા વર્તમાન કોરોના મહામારીને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ઓનલાઈન વિશ્વશાંતિ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનના સ્થાનિક સમય અનુસાર બપોરે ૩થી સાંજે ૫-૩૦ સુધીની અંદાજિત અઢી કલાક સુધી યોજાયેલી વિશ્વશાંતિ મહાપૂજામાં કોરોના સંકટમાંથી ઝડપથી વિશ્વ મુક્ત થાય તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી. જેમાં જપાભિષેક અને સહજાનંદ નામાવલી પણ થઈ હતી. આ ઓનલાઈન મહાપૂજાનો લાભ માત્ર લંડનવાસીઓ જ નહીં, પરંતુ વિશ્વના ૩૩ દેશોના ૩૧,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તો-શ્રદ્ધાળુઓએ લીધો હતો.

વીડિયો કોન્ફરન્સ દ્વારા કીર્તનોનું પ્રસારણ

૨૩ ઓગસ્ટે પૂ. મહંત સ્વામી મહારાજની પૂજા દરમિયાન નીસડન મંદિરના સાધુ - સંતોએ ભક્તિભાવથી સભર કિર્તનો રજૂ કર્યા હતા. આ લાઈવ પરફોર્મન્સનું વીડિયો કોન્ફરન્સની સુવિધા સાથે નેનપૂર ખાતે પ્રસારણ કરાયું હતું. સ્વામીઓએ ખાસ આ પ્રસંગને અનુરૂપ પસંદ કરેલા કિર્તનો તેમના સ્વરમાં રજૂ કર્યા હતા. ૨૩ ઓગસ્ટે જ તે પછી સવારે ૯.૩૦થી બપોરે ૧૨ દરમિયાન પાટોત્સવ ઉજવાયો હતો. સંતો નીસડન મંદિરમાં ભગવાનની પવિત્ર મૂર્તિઓ પર અભિષેક સહિત પૂજા કરી હતી. પૂ. મહંત સ્વામીએ રિમોટ ફેસિલીટી દ્વારા ભારતથી લંડનમાં મૂર્તિઓને અભિષેક કર્યો હતો અને બપોરે પાટોત્સવ આરતી પણ ઉતારી હતી. તેનું વેબકાસ્ટ પર જીવંત પ્રસારણ કરાયું હતું.

પૂ.મહંત સ્વામીએ રજત જયંતી પ્રસંગે વિશ્વભરમાં કોરોના મહામારીમાંથી સૌને ઝડપથી મુક્તિ મળે તે માટે પણ પ્રાર્થના કરી હતી.

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન

અનેક વિશેષતા ધરાવતા નીસડન મંદિરને વર્ષ-૨૦૦૦માં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. તેમાં જણાવાયું છે કે ‘ભારત બહારનું સૌથી મોટું હિંદુ મંદિર. લંડનનું નીસડનસ્થિત સ્વામિનારાયણ મંદિર, ભારત બહાર વિદેશનું સૌથી મોટું મંદિર છે. તેનું નિર્માણ વિશ્વવંદનીય સંતવિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામીની પ્રેરણાથી થયું. મંદિરના નિર્માણમાં ૨,૮૨૮ ટન બલ્ગેરિયન લાઇમસ્ટોન અને ૨,૦૦૦ ટન ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરાયો છે. લાઈમસ્ટોન અને માર્બલને સૌપ્રથમ ભારત લાવીને ૧,૫૨૬ શિલ્પકારોની ટીમે તેનાં ઉપર બેનમૂન નકશીકામ કર્યું હતું. આ મંદિરનું નિર્માણ ૧૨ મિલિયન પાઉન્ડના ખર્ચે થયું છે.’

ઈંગ્લેન્ડનું બેસ્ટ એન્વાયર્નમેન્ટલ બિલ્ડિંગ

આ વિશ્વ-વિખ્યાત મંદિરની ગણતરી ‘દુનિયાના શ્રેષ્ઠ બિલ્ડિંગ’માં થાય છે. ઈંગ્લેન્ડમાં ‘બેસ્ટ એન્વાયર્નમેન્ટલ બિલ્ડિંગ’નો એવોર્ડ, ‘મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ બિલ્ડિંગ’નો એવોર્ડ પણ આ મંદિરને મળ્યો છે. ઈંગ્લેન્ડનાં લોકોએ ઇન્ટરનેટ ઉપર વોટિંગ કરીને જાહેર કર્યું કે આ વિસ્તારમાં અમારું મનપસંદ બિલ્ડિંગ હોય તો તે છે ‘નીસડન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર’. એક વિશ્વવિખ્યાત મેગેઝિન દ્વારા તેની ગણતરી ‘સેવન વન્ડર્સ ઓફ લંડન’માં થઈ છે.

એટલું જ નહીં, ‘મોસ્ટ સેલિબ્રેટેડ સ્પિરિચ્યુઅલ બિલ્ડિંગ ઓફ ઇંગ્લેન્ડ’ તરીકે પણ આ મંદિર જાણીતું છે. એથી પણ વિશેષ કે લંડનમાં જ્યારે વર્ષ-૨૦૧૨માં ઓલિમ્પિકસનું આયોજન થયું હતું તે સમયે ‘ઓલિમ્પિક સોવેનિયર મેડલ’ બનાવવા માટે ઓલિમ્પિક કમિટીએ ઇંગ્લેન્ડની છબી માટે ઇંગ્લેન્ડના ૧૦ નામાંકિત બિલ્ડિંગને સિલેક્ટ કર્યા, તેમાં BAPS સ્વામીનારાયણ મંદિરની પણ પસંદગી થઇ હતી.

સામાજિક સેવા ક્ષેત્રે મોખરેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS નીસડન મંદિરની રજત જયંતીએ ટ્વિટ કર્યું,‘ આ મંદિરે સૌને સાથે જોડ્યા, માનવતાના કાર્યો માટે પ્રેરિત કર્યા’. નીસડન મંદિરની રજત જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાતનાં પોતાનાં સંસ્મરણોને ટ્વિટના માધ્યમથી વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું ,‘ નીસડન મંદિરની રજત જયંતી ઉજવાઈ રહી છે. આ મંદિર સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે રહ્યું છે. મંદિરે સૌને એકબીજા સાથે જોડ્યા છે અને તેમને માનવતાના કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડી છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો ત્યારે મને આ મંદિરની મુલાકાત લેવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ @NeasdenTemple દ્વારા ટ્વિટર પર પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો હતો કે Thank you to Hon. Prime Minister Modi for remembering us on this day. (માનનીય વડા પ્રધાન મોદીજી આજના દિવસે અમને યાદ કરવા બદલ આપનો આભાર).

BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ-૨૦૦૩ની પોતાની મુલાકાતનાં સંસ્મરણોને ટ્વિટરના માધ્યમે વ્યક્ત કરીને આ મંદિરના રજતજયંતી પર્વને વિશ્વપટલ ઉપર લઈ ગયા છે.

લોકોમાં સંવાદિતા કેળવતું મંદિરઃ પીયૂષ ગોયલ

ઉત્કૃષ્ટ કળા કારીગરીને રજૂ કરતું આ મંદિર વિવિધ સંસ્કૃતિના લોકોમાં સંવાદિતા કેળવવામાં અને જીવનશૈલીને આધ્યાત્મિકતાથી ભરપૂર બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. ૨૦૧૭માં મને આ મંદિરમાં પૂજાઅર્ચના કરવાની તક સાંપડી હતી.

નીસડન મંદિર ગૌરવપૂર્ણ બ્રિટિશ સીમાચિહ્નઃ બોરિસ જહોન્સન

યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ઇન્સ્ટાગ્રામ પર નીસડન મંદિરની રજતજયંતી નિમિત્તે અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું,‘ નીસડન મંદિરને આજે ૨૫મા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આ મંદિર ગૌરવપૂર્ણ બ્રિટિશ સીમાચિહ્ન છે અને હિન્દુ સમુદાય દ્વારા યુ.કે.ને અપાયેલી મહાનતમ ભેટો પૈકી એક છે.’ યુકેના વડાપ્રધાન જહોન્સને ટ્વિટર પર ટ્વિટ કરીને પણ શુભેચ્છા પાઠવી હતી.

મંદિરની સામાજિક પ્રવૃત્તિઓ પ્રસંશનીય : પ્રિન્સ ઓફ વેલ્સ

ધ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા રજત જયંતી પ્રસંગે વિશેષ શુભકામના પાઠવતાં જણાવાયું,‘ પૂજ્ય મહંત સ્વામી અને સંતો સહુને જય સ્વામીનારાયણ. નીસડનના આ મંદિરની રજત જયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવતાં હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. આ મંદિરમાં હોળી, દિવાળી જેવા તહેવારોની ઉજવણી પ્રસંગે મને ચાર વખત ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો છે. જેમાં બે વખત તો મારી પત્ની સાથે અહીં આવ્યો હતો. ત્રણ વર્ષના ટૂંકાગાળામાં આવું ભવ્ય આધ્યાત્મિક સંદેશો આપતું મંદિર તૈયાર થઈ ગયું. તેનાથી હું પ્રભાવિત થયો હતો. મંદિરના સ્થાપક પ.પૂ.પ્રમુખસ્વામી સાથે ૧૯૯૭માં મારી મુલાકાત થઈ હતી. તેઓનો સાદગીપૂર્ણ, સરળ સ્વભાવ અને માનવતા પ્રત્યેની તીવ્ર લાગણીએ મને પ્રભાવિત કર્યો હતો. ૨૫ વર્ષથી આ મંદિર દ્વારા થઈ રહેલી સામાજિક પ્રવૃત્તિઓ આવકારદાયક છે. આજે સમગ્ર વિશ્વ COVID-19ની મહામારીનો ભોગ બન્યું છે ત્યારે BAPS સંસ્થા અને તેના સ્વયંસેવકો જે સેવાકાર્ય કરી રહ્યાં છે તે ભારતીય સંસ્કારોને આભારી છે. માનવતા માટેના પ્રમુખસ્વામીના આદર્શોને આગળ ધપાવવામાં હજારો લોકો જોડાયા છે, તેમને અભિનંદન સાથે આ જયંતીની ઉજવણી માટે શુભેચ્છા પાઠવું છું.’

વિવિધતામાં એકતા-શક્તિનું પ્રતીક : મેયર સાદિક ખાન

લંડનના મેયર સાદિક ખાને નીસડન મંદિરની ઉજવણી પ્રસંગે ટ્વિટ કરતાં જણાવ્યું,‘ આજે આપણે નીસડન મંદિરની ૨૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ. આ મંદિર ન કેવળ આપણા હિન્દુ સમુદાયની સેવા કરે છે, પરંતુ અસંખ્ય જુદા-જુદા ક્ષેત્રોને સાથે લાવે છે – તે જ વિવિધતામાં એકતા-શક્તિનું એક શક્તિશાળી પ્રતીક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter