લંડનઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર યુકે (SRMD UK) દ્વારા આયોજિત SRMD લંડન યુથ ફેસ્ટિવલ 2023માં એકતા, રચનાત્મક અસર અને સામૂહિક કોમ્યુનિટી ઊર્જાની ઉજવણી કરાઈ હતી. યુકેમાં આ પ્રકારના પ્રથમ ફેસ્ટિવલમાં વિવિધ પશ્ચાદભૂ દેશવિદેશથી 350 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમનામાં ઐક્યની ભાવના સર્જાઈ હતી અને રચનાત્મક બદલાવના ઉદ્દીપક બની રહેવા તેઓ સશક્ત બન્યા હતા. વિઝડમ, વેલનેસ, સર્વિસ, કલ્ચર અને સ્પોર્ટ્સના ક્ષેત્રોમાં 25 ઈવેન્ટ્સ સાથે ફેસ્ટિવલે પરિવર્તનકારી અનુભવ કરાવ્યો હતો જેનાથી સર્જકતાનું પ્રાગટ્ય અને સહાનુભૂતિની અંતરસ્થિતિ ઉભી થવા સાથે યુવાનોને પરિવર્તનકાર તરીકે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરવા પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. આયોજકોએ પર્યાવરણને ઓછામાં ઓછી નુકસાનકારી અસર થાય તેવાં પગલાં લીધા હતા.
ગ્લોબલ યુથ સ્પીકર અને SRMD Yoga ના વડા આત્મર્પિત શ્રદ્ધાજી દ્વારા તમારી જાતને ખુલ્લી કરોના વિષય પરના સત્ર સાથે ‘તમારી જાતને ઓળખો’ ટેગલાઈનને તાદૃશ્ય બનાવતા ફેસ્ટિવલનો આરંભ થયો હતો.
SRMD UK ના ટ્રસ્ટી અને SRMD લંડન યુથ ફેસ્ટિવલના આયોજક મંથન તાસવાલાએ કહ્યું હતું કે,‘ SRMD ના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી પાસેથી પ્રાપ્ત માર્ગદર્શન અને યુવાનો માટે તેમના શક્તિશાળી સ્વપ્ન થકી અમારું ધ્યેય યુવાનો એકબીજા સાથે જોડાય, સહકાર સાધી શકે અને પ્રેરણા મેળવી શકે તેવા ગતિશીલ અને સુરક્ષિત સ્થળની રચના કરવાનું છે. આ ફેસ્ટિવલ અને ભાવિ કાર્યક્રમો થકી અમે બહેતર વિશ્વ માટે સક્રિય યોગદાન આપી શકે તેવા દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ નેતાઓની કોમ્યુનિટી વિકસાવવાની મહેચ્છા રાખીએ છીએ.’
આ ફેસ્ટિવલમાં યથાસ્થિતિને પડકારનારી સ્ત્રીઓ દ્વારા ગઠિત ‘ચેન્જમેકર્સ પેનલ’ શિરમોર બની રહી હતી. આ પેનલમાં પરોપકારી અને સેરેન્ડિપિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી વર્ષા સહેગલ, QPR F.C. ખાતે કોચિંગ આસિસ્ટન્ટ હેડ મનિષા ટેઈલર MBE અને બાર્ક્લેઝ ખાતે ESG સ્ટ્રેટેજી, હોલસેલ લેન્ડિંગના વડા હીરલ શાહનો સમાવેશ થયો હતો. તેમની અરસપરસ ચર્ચાને ઓડિયન્સને જકડી રાખ્યું હતું
40 ટીમોની જીવંત સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ
સમૂહભાવનાને નિખારવા તથા શારીરિક અને માનસિક આરોગ્યને વધારવા ફેસ્ટિવલમાં જીવંત સ્પોર્ટ ટુવર્નામેન્ટ્સનું આયોજન કરાયું હતું જેમાં, 40થી વધુ ટીમોએ ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન અને નેટબોલની રમતોમાં ભાગ લીધો હતો. આ વીકએન્ડમાં 200થી વધુ પાર્ટિસિપેન્ટ્સે આગ પર ચાલીને પદાર્થ પર મનના વિજય પર ધ્યાન કેન્દ્રિત કરી ભય પર પણ વિજય હાંસલ કર્યો હતો.
સોશિયલ ઈમ્પેક્ટ હેકાથોનમાં 45 પાર્ટિસિપેન્ટ 8 ટીમમાં વહેંચાયેલા હતા અને આજના યુવાનો સમક્ષ ત્રણ ચાવીરૂપ પડકારોનો ઉકેલ શોધવા તેમણે અરસપરસ મળીને કામ કર્યું હતું. 3 ટીમને 6 જજીસની પેનલ સમક્ષ પોતાના ઉકેલ રજૂ કરવા પસંદ કરાઈ હતી. જજીસ પેનલમાં મિલેનિયમ માઈન્ડ પોડકાસ્ટના પ્રેઝન્ટર અને એક્ઝિક્યુટિવ કોચ શિવાની પાઉ, પ્રતિષ્ઠિત સાઈકિયાટ્રિસ્ટ અને BAPIO ના પૂર્વ ચેરમેન પ્રોફેસર જેએસ બામરાહ CBE, કેન્ટ એન્ડ મેડવે પેરિનેટલ મેન્ટલ હેલ્થ સર્વિસના અગ્ર સામાજિક કર્મશીલ પ્રિતી જોશી, એન્ટ્રેપ્રીન્યોર, ફિલાન્થ્રોપિસ્ટ અને રેજસ્કી હોમ્સ ગ્રૂપના સ્થાપક તેજિન્દર સેખોન, RefillAbell!ના સહસ્થાપક સમીર કાસમ અને ઓલિઓ ખાતે ચીફ ઓફ સ્ટાફ રોહન શેઠનો સમાવેશ થયો હતો.