લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) ક્વીન્સબરી ચેપ્ટર દ્વારા 4 નવેમ્બર 2023ના દિવસે વિજયાદશમીના પવિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી અગ્રણીઓ, સ્થાનિક કાઉન્સિલર્સ અને HSS (UK)ના વરિષ્ઠ નેતાઓ આશરે 270 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઈવેન્ટના ચીફ ગેસ્ટ કાઉન્સિલર અમીત જોગીઆએ સ્થાનિક કોમ્યુનિટીઓમાં યોગદાન આપી શકે અને સેવા કરી શકે તે માટે યુવાવર્ગમાં સારા સંસ્કાર વિકસાવવાના HSS (UK)ના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે વ્યક્તિ દ્વારા તેની વિવિધ ક્ષમતાઓ થકી કોમ્યુનિટીની સેવા કરવાના તેમજ સમાજની સમગ્રતયા પરિસ્થિતિને સુધારવા અને તફાવત સર્જવામાં ભૂમિકા ભજવવાના મહત્ત્વ વિશે ભારપૂર્વક જણાવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ કોમ્યુનિટીઓ સાથે સંપર્કો સાધવા, શિક્ષકોના યોગદાનની કદર તેમજ કોમ્યુનિટીનું ઋણ ઉતારવા HSSના સભ્યોને તાલીમ આપવાના HSS (UK)ના કાર્યોની પ્રશંસા કરી હતી.
HSS (UK)ના સત્ય શાખા સહ કાર્યવાહ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે,‘દિલધડક પરફોર્ન્સીસ સિવાય પણ વિજયાદશમી અશુભ પર શુભના શાશ્વત વિજયનો મજબૂત સંદેશો આપે છે. તે આપણા દૈનિક જીવનમાં સાંસ્કૃતિક અને ધાર્મિક સીમાઓથી પર રહીને સત્ય, ન્યાય અને કરૂણા જેવાં મૂલ્યોને જાળવવાનું સ્મરણ કરાવે છે.’
આ ઈવેન્ટમાં ક્વીન્સબરી ચેપ્ટરના સાપ્તાહિક સત્રોમાં હાજરી આપતા તમામ વયના સભ્યો દ્વારા દર્શાવાયેલી શારીરિક પ્રવૃત્તિઓની સુંદર રજૂઆતો કરાઈ હતી જેમાં, યોગ, ભારતીય માર્શલ આર્ટ નિ-યુદ્ધ અને વિવિધ ડ્રિલ મૂવમેન્ટ્સનો સમાવેશ થયો હતો. એક સાથે કરાતી ડ્રિલ મૂવમેન્ટ્સથી ઓડિયન્સ મંત્રમુગ્ધ બની ગયું હતું જેનાથી અનુશાસન અને કૌશલ્યનું પ્રદર્શન થયું હતું.