લંડનઃ વર્ષોથી રશમોરમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાયે આ વિસ્તારમાં તેમના પ્રથમ મંદિર પ્રોજેક્ટને સાકાર કરવા માટે આર્થિક સહયોગ આપવા એશિયન સમાજને અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર રશમોરમાં ગુરખાઓ સહિત ૬૧૩૧ નેપાળવંશી વસે છે.
નેપાલીસ હિન્દુ ફોરમ-યુકેના ચેરમેન અને શિવ મંદિર ઓલ્ડરશોટના ફાઉન્ડર ટ્રસ્ટી તથા લંડનના પ્રતિનિધિ મેજર (રિટાયર્ડ) સૂર્ય ઉપાધ્યાયે ગુજરાત સમાચાર - Asian Voice સાથેની વાતચીતમાં એશિયન સમુદાયને સહયોગ માટે અનુરોધ કરતા કહ્યું હતું કે હાલમાં અમને મળેલા દાનનો આંકડો ૧.૩૫ હજાર પાઉન્ડના આંકડાને વટાવી ગયો છે, તેમજ અમારા સમુદાયના લોકોએ ૯૦ હજાર પાઉન્ડના દાન માટે વચન પણ મળ્યા છે, પરંતુ મંદિર પ્રોજેક્ટનું સ્વપ્ન સાકાર કરવા માટે અમને હજુ તમારી મદદની જરૂર છે. આ મંદિર પ્રોજેક્ટને રશમોર બરો કાઉન્સિલ અને ઓલ્ડરશોટ મેમ્બર ઓફ પાર્લામેન્ટનું પણ સમર્થન છે.
સંસ્થાએ મંદિર પ્રોજેક્ટ માટે ભંડોળ એકઠું કરવા અત્રે નેપાળના ધાર્મિક પ્રવચનકાર પંડિત દિનબંધુ પોખરિયલની પારાયણનું પણ આયોજન
કર્યું છે.
પંડિત દિનબંધુ ૪થી ૬ જાન્યુઆરી સવારના ૧૦-૦૦થી બપોરના ૧-૦૦ વાગ્યા અને બપોરે ૨-૦૦થી ૫-૦૦ વાગ્યા દરમિયાન ઓડ ફેલોસ હોલ (ક્વીન્સ રોડ, ઓલ્ડરશોટ, GU113JU) ખાતે ભાગવત મહાપુરાણનું પઠન કરશે. બાદમાં દરરોજ ૬-૦૦ વાગ્યાથી કીર્તન થશે.