લંડનઃ પ્રજાપિતા બહ્માકુમારી સંસ્થાનાં પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું નિધન થયું છે. 104 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં 27 માર્ચે સવારે 2 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં તેમનાં અંતિમ સંસ્કાર થયાં હતાં. તેમને સમગ્ર વિશ્વમાંથી વેબકાસ્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તે સમયે ધ્યાનની સાથે તેમની સાથે સંકળાયેલા સંભારણાનું પણ સ્મરણ કરાયું હતું.
લંડનસ્થિત કેન્દ્ર દ્વારા પણ તેમને ૨૯મી માર્ચ રવિવારે આયોજીત કાર્યક્રમમાં વેબકાસ્ટથી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. રાજયોગિની દાદી જાનકી 140 દેશોમાં ફેલાયેલી આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થાનું સંચાલન કરતાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. દાદી જાનકીએ ઈશ્વરીય સેવાઓ માટે પશ્ચિમી દેશોને પસંદ કર્યા હતા.