લંડનઃ ‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા અને સ્વીકૃતિનું શક્તિશાળી પ્રતીક છે જે વિવિધ ધર્મો વચ્ચે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાની કોલેજની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યાં વિદ્વતાની સર્વોચ્ચ પીઠનું આધ્યાત્મિક વિચારધારા સાથે મિલન થાય છે. આ વિશ્વમાં જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા સર્વોપરી છે ત્યારે જિસસ કોલેજ ખાતે રામ કથા જેવા ઈવેન્ટ ધર્મો વચ્ચે પારસ્પરિક આદર અને સરાહનાની વૃદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.’
રામ કથાના સમાપનના દિવસે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિશેષ વાતચીતમાં ઉપરોક્ત મંતવ્યો લોર્ડ ડોલર પોપટે જણાવ્યા હતા. લોર્ડ ડોલર પોપટ અને તેમનો પરિવાર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે આયોજિત 9 દિવસની રામ કથાના મનોરથી (યજમાન) હતા. તેમણે ઉમેર્યું હતું કે,‘આ ઈવેન્ટ વૈશ્વિક વિદ્વતાપૂર્ણ વાતાવરણના સત્વનું મહત્ત્વ સમજાવે છે જ્યાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો વિભિન્ન પરિપ્રેક્ષ્યો સાથે જોડાય છે. રામ કથા જેવા ઈવેન્ટ યોજવા બાબતે યુકેના આવકારદાયી અભિગમે ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રતિ તેના આદરને વિશિષ્ટપણે ઉપસાવ્યો છે. આથી જ હું હંમેશાં કહું છું કે -મને બ્રિટિશ હોવાનો ગર્વ છે અને હિન્દુ હોવાનો ગર્વ છે. આ ખુલ્લાંપણું યુકેના બહુસાંસ્કૃતિક સ્વભાવ અને વિવિધ ધર્મો તેના સમાજમાં જે મૂલ્યો લાવે છે તેના સ્વીકાર અને કદરનું પ્રતિબિંબ પાડે છે.’
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘આવા કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવે છે અને અલગ અલગ ધાર્મિક સમુદાયો વચ્ચે સંવાદિતા અને સમજણની ભાવનાને પ્રોત્સાહન આપે છે. બાપુની કથા શાંતિ, સત્ય, પ્રેમ અને કરુણાના સાર્વત્રિક મૂલ્યોની આસપાસ કેન્દ્રિત છે. તેઓ વિવિધ ધાર્મિક ઉપદેશોમાંથી સમાનતા બહાર લાવે છે અને વિવિધ ધર્મો કેવી રીતે નૈતિકતા અને માનવતાના સમાન વિષયોના સહભાગી બની રહે છે તે દર્શાવે છે. પ્રવચનોમાં હાજરી આપવા તમામ ધર્મોના લોકોને આમંત્રિત કરવાનો બાપુનો અભિગમ આંતરધર્મીય સંવાદને વૃદ્ધિ આપવાની તેમની પ્રતિબદ્ધતા વિશે ઘણું કહી જાય છે.’
આ ઈવેન્ટના પ્રભાવ- અસર વિશે જણાવતા લોર્ડ પોપટે કહ્યું હતું કે,‘ આ ઈવેન્ટ નિશ્ચિતપણે વૈવિધ્યપૂર્ણ ઓડિયન્સમાં હિન્દુ સંસ્કૃતિ અને ફીલોસોફી વિશે જાગૃતિ પ્રસરાવશે. તેમાં ભાગ લેનારાઓને ધર્મો વચ્ચે સહભાગી મૂલ્યોને શોધવાની અને અર્થસભર સર્વધર્મી વાર્તાલાપમાં જોડાવાની તક સાંપડશે. આ ઈવેન્ટનો પ્રભાવ તેના સમયગાળાથી પણ આગળ વિસ્તરશે તેમજ આંતરધર્મીય સંવાદ અને સમજને આગળ વધારતા ભાવિ ઈવેન્ટ્સની પ્રેરણા આપશે.