પુરી: અયોધ્યા રામમંદિર પહેલાં ઓડિશાની નવીન પટનાયક સરકારે પુરીમાં શ્રી મંદિર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હવે પુરીમાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના 7 દિવસ પહેલા ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જગન્નાથ મંદિર કોરિડોર ઉદ્ઘાટન કાર્યક્રમ 15થી 17 જાન્યુઆરી વચ્ચે નિર્ધારિત છે. આ માટે ચાર ધામ સહિત 1000થી વધુ મંદિરોમાં આમંત્રણ મોકલાયા છે. વિશ્વભરના મુખ્ય હિંદુ મંદિરો અને નેપાળના રાજાને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટમાં 943 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઓડિશામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ પટનાયક સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટમાં સાત મીટરનો ગ્રીન બફર ઝોન તથા 10 મીટરનું પગપાળા મુસાફરો માટેનું ક્ષેત્ર છે, જેનો ઉપયોગ મંદિરની પરિક્રમા માટે કરવામાં આવશે.
નવી સુવિધાઓથી સજ્જ હશે
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 12મી સદીના જગન્નાથ મંદિરની આસપાસના કોરિડોરને આધુનિક તીર્થસ્થળમાં રૂપાંતરિત કરવાનો છે. આ કોરિડોર પર હવે એક સમયે 6,000 શ્રદ્ધાળુઓ માટે ઊભા રહેવાની જગ્યા હશે. આ ઉપરાંત તેમના સામાનની સ્ક્રિનીંગની સુવિધા, 4 હજાર જેટલા પરિવારોનો સામાન રાખવા માટેના કબાટ, પીવાના પાણી સહિતની અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. શૌચાલયની સગવડ, હાથ/પગ ધોવાની સગવડ, આરામ માટે પેવેલિયન, હાઇટેક કાર પાર્કિંગ, પોલીસ અને ફાયર બ્રિગેડ અને ઈમર્જન્સી પરિસ્થિતિઓ માટે ગાડીઓની સુવિધા વગેરે સામેલ છે.
નેપાળના રાજાને પણ આમંત્રણ
મંદિરના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું કે અમે ઓડિશામાં 857 મંદિરોને આમંત્રણ આપી રહ્યા છીએ. જ્યારે વૈષ્ણો દેવી, કામાખ્યા મંદિર અને શિરડી સાંઈ મંદિરો સહિત 180 મુખ્ય ભારતીય મંદિરોને પણ 15 જાન્યુઆરીથી શરૂ થનારા ત્રણ દિવસીય ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.
હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ચાર પવિત્ર ધામ અને અન્ય ચાર નાના ધામોને પણ આમંત્રિત કરવામાં આવશે. જગન્નાથ મંદિરમાં વિશેષ અધિકાર ધરાવતા નેપાળના રાજાને પણ અમે આમંત્રણ મોકલી રહ્યા છીએ. અન્ય દેશોના મુખ્ય હિંદુ મંદિરોમાં પણ આમંત્રણો મોકલવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઢોલના તાલે 24 કલાક ભજન અને કીર્તન કરવામાં આવશે.