અયોધ્યાઃ અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શ્રીરામલલાની પ્રતિમાની નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું કે મંદિરની ચાર દીવાલમાં 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે અને આ પથ્થર અયોધ્યા આવી ગયા છે, પરંતુ 200 શ્રમિકોની ઘટ છે તેથી નિર્માણકાર્યમાં મોડું થઈ રહ્યું છે. મિશ્રાએ કહ્યું કે રામમંદિરનું નિર્માણ હવે જૂન 2025માં નહીં, બલકે સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂરું થશે. તેમણે એમ પણ કહ્યું કે પ્રથમ મજલે કેટલાક પથ્થર નબળા અને પાતળા દેખાય છે, તેની જગ્યાએ મકરાણાના પથ્થર લગાડવામાં આવશે. બધી પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.