લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) સાથે સંકળાયેલા રીટા ટ્રસ્ટની પીપુલ સેન્ટર સાથે ભાગીદારીમાં દિવાળીની ઊજવણીનો આરંભ પ્રાચીન મહાકાવ્ય રામાયણના સંજીવની વૃક્ષ આધારિત બાળનાટક સાથે કરવામાં આવ્યો હતો. આ નાટક સતત 6 વર્ષથી ભજવાઈ રહ્યું છે.
હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોતે આ વિચારસર્જન કર્યું હતું અને છેક 2015માં દિવાળી વૃક્ષ પર બાળકો માટે પુસ્તક લખ્યું હતું. સૌપ્રથમ વખત 2018માં પીપુલ સેન્ટર થીએટરમાં આ નાટક ભજવાયું હતું અને તે પછી સતત ભજવાય છે. સંજીવની વૃક્ષ માટે તેઓ શંકુ આકારના ખાડી કે તમાલપત્રના વૃક્ષનો ઉપયોગ કરે છે. સીતા માતા જ્યારે જંગલમાં એકલાં હતાં ત્યારે રાજા રાવણ તેમનું અપહરણ કરી જાય છે. તેમના પતિ રામ તેમને શોધવા આકાશપાતાળ એક કરી નાખે છે અને સમુદ્ર પાર કરીને તેમને બચાવે છે. સીતાજીને મુક્ત કરાવવાના યુદ્ધમાં રામના ભાઈ લક્ષ્મણનું જીવન સંજીવની વૃક્ષની વનસ્પતિના ઉપયોગથી બચે છે.
નાટકના દિગ્દર્શક અને કોરીઓગ્રાફર શરણ કૌરે 6થી 16 વયજૂથના 20થી વધુ બાળકોને નાટક ભજવવાં તાલીમ આપી હતી જેમણે અનેક નૃત્યો પરફોર્મ કર્યાં હતાં. સંગીતકારોની ટીમ સાથે અનિલ ભનોતે હિન્દુ મંત્રો અને ભજનો, શીખ શબદો ગાયા હતા અને અંતમાં સુફીઆના સ્ટાઈલની ભજન કવ્વાલી સાથે નાટકનું સમાપન કર્યું હતું.
પીપુલ સેન્ટરના સ્ટાફે નાટ્યનિર્માણમાં ભારે જહેમત ઉઠાવી હતી. ડાયરેક્ટર ડો. સંતોષ ભનોતની સજ્જતા અને ટીમની મહેનત થકી નાટકનું ફૂલ હાઉસ થયું હતું. બાળકો માટે આ કથાનો બોધપાઠ એ છે કે નિર્દોષ અને નબળા લોકોના અપહરણને કદી સહી લેવાતું નથી.