રોબિન્સવિલઃ અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના ઓકટોબર મહિનામાં ઉદ્ઘાટન પ્રસંગે છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સ્પિરેશન્સ’ (પ્રેરણાનો મહોત્સવ) અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમ ‘યોર્સ ફેઇથફુલી, સાધુ કેશવજીવનદાસ’ ઉજવાયો હતો.
ઉલ્લેખનીય છે કે મહંતસ્વામી મહારાજે અનેક લોકોના સુખ–દુ:ખમાં સહભાગી થઈ તેમને માર્ગદર્શન આપવા માટે, આધ્યાત્મિક મૂલ્યોના પ્રવર્તન અને સંસ્કૃતિના રક્ષણ માટે સેંકડો પત્રો લખ્યા છે. પૂ. યોગનંદનદાસ સ્વામીએ મહંતસ્વામી મહારાજના પત્રો થકી અસંખ્ય લોકોને કેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિ માટે નીપ્રેરણા મળી છે તે વિષયક વક્તવ્ય આપ્યું હતું.
અનેક ભક્તોએ પોતાના જીવનના અનેક ઉતાર-ચઢાવમાં કેવી રીતે મહંતસ્વામી મહારાજના પત્રોએ માર્ગદર્શન અને હૂંફ મેળવ્યા છે તેની સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી. આવી અનેક સ્વાનુભૂતિઓમાં મહંતસ્વામી મહારાજે કેવી રીતે તેઓના જીવનમાં ઊંડાણપૂર્વક રસ લઈ, અત્યંત કાળજીપૂર્વક તેઓને માર્ગ ચીંધ્યો તેની હૃદયસ્પર્શી રજૂઆતો થઈ હતી. મહંતસ્વામી મહારાજની આવી નિ:સ્વાર્થ કાળજી અસંખ્ય લોકોના હૃદયમાં દિવ્ય પ્રેરણાઓનો પ્રકાશ પાથરતી રહી છે.
ભારત અને અનેક દેશોના માંધાતાઓ તેમજ અનેક આધ્યાત્મિક વિભૂતિઓના મહંતસ્વામી મહારાજ અંગે તેઓના સ્વાનુભાવોની વીડિયો માધ્યમથી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાયરસ સબાવાલાએ કહ્યું, ‘એક પણ શબ્દ બોલ્યા વિના પણ, મહંતસ્વામી મહારાજની દિવ્ય આભા જ ઘણું કહી જાય છે. તેમની એક દૃષ્ટિમાત્ર તમને પ્રેમ અને ભક્તિથી તરબોળ કરી દેવા પૂરતી છે.’ આ પછી 2001ની સાલની એક સ્મૃતિ રજૂ કરાઇ હતી, જેમાં એક કાર્યક્રમમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજની વિરલ નમ્રતા અને સર્વેમાં દિવ્યતા જોવાની દૃષ્ટિના દર્શન સૌને થયા હતા.
પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજની અગાધ નમ્રતા વિશે જણાવ્યું, ‘મહંતસ્વામી મહારાજ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ બિરાજે છે, પરંતુ તેમની જીવનભાવના નિરંતર અન્યમાં શ્રેષ્ઠ જોવાની રહી છે, સૌને પ્રેરણાસભર શબ્દો દ્વારા જીવનમાં આગળ લઈ જવાની, સૌ માટે ઘસાઈ છૂટવાની રહી છે.’
બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ પુષ્પહારોથી મહંતસ્વામી મહારાજનું અભિવાદન કરી પોતાની પ્રાર્થનાઓ રજૂ કરી હતી. મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં સંસ્થાના વરિષ્ઠ સંતોના જીવનમાંથી મળતી પ્રેરણાઓનું સ્મરણ કર્યું હતું. સ્વામિનારાયણ અક્ષરધામ વિશે તેમણે જણાવ્યું, ‘મુલાકાતીઓ અહીં આવીને જે દિવ્યતા, શાંતિ અને ભવ્યતાનો અનુભવ કરે છે તે પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પનું ફળ છે. પ્રતિદિન 15 મિનિટ અંર્તદૃષ્ટિ કરવી, જે આપણને પ્રાપ્ત થતી આધ્યાત્મિક પ્રેરણાઓને આપણાં જીવનમાં દૃઢ કરવામાં મદદ કરશે.’
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જન્મદિને તેઓના દિવ્ય જીવનમાંથી હજારોએ પ્રેમ, નમ્રતા અને સેવાના માર્ગે જીવનને ઊર્ધ્વગામી બનાવવાની પ્રેરણાઓ પ્રાપ્ત કરી હતી.