ન્યૂ જર્સીઃ રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રકતદાન અભિયાનનો આરંભ થયો છે. દસ સપ્તાહ સુધી ચાલનારો આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ ન્યૂ જર્સી સ્ટેટમાં અત્યાર સુધીમાં યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. અભિયાન દરમિયાન 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર રકત એકત્ર કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી થયું છે. આટલું રક્ત 18,000 જેટલા લોકોના જીવન બચાવવા સક્ષમ છે.
આ રકતદાન યજ્ઞમાં સામેલ થવા સ્થાનિક રોબિન્સવિલ કોમ્યુનિટી અને સમગ્ર ઉત્તર અમેરિકામાં રહેતા લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. યુએસએ ઉપરાંત કેનેડામાંથી પણ હજારો દાતાઓ આ અભિયાનમાં જોડાશે એવી આશા વ્યકત કરવામાં આવી છે. આ રીતે એકત્ર કરાયેલા રકતને સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓમાં પહોંચાડવામાં આવશે.
જીવનરક્ષાના આ ઉમદા કાર્યમાં બીએપીએસ ચેરિટીઝને મિલર-કીસ્ટોન બ્લડ સેન્ટર, ન્યૂ જર્સી બ્લડ સર્વિસ, આર. ડબ્લ્યુ. જે. બાર્નાબાસ હેલ્થ અને અમેરિકન રેડ ક્રોસનો ઉમળકાભેર સહયોગ સાંપડી રહ્યો છે. રોબિન્સવિલના મેયર ડેવ ફ્રાઈડે કાઉન્સિલ પ્રેસિડેન્ટ ડેબોરાહ બ્લેકલી અને કાઉન્સિલ વુમન ક્રિસ્ટીન સિઆસિઓ સાથે બ્લડ ડ્રાઈવનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે અક્ષરધામ દ્વારા આયોજિત આ રકતદાન અભિયાનને સ્થાનિક સમુદાય પ્રત્યે સેવાની એક ઉત્તમ તક તરીકે ઝડપી લેવા સૌને અનુરોધ કર્યો હતો.
કાઉન્સિલ પ્રેસિડેન્ટ બ્લેકલીએ જણાવ્યું કે રોબિન્સવિલમાં ઘણી વિવિધતા છે, જે અદ્ભૂત છે. જયારે એક સમુદાય તરીકે આપણે એકબીજાની નિકટ આવીએ છીએ ત્યારે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ, એકબીજાને સમજી શકીએ છીએ અને વધુ પ્રદાન કરી કરી શકીએ છીએ. હું આ કાર્ય કરવા માટે સૌ કોઇનો આભાર માનું છું.
બીએપીએસ ચેરિટીઝ 2006થી અત્યાર સુધીમાં માત્ર યુએસમાં જ લગભગ 500 જેટલાં રકતદાન કેમ્પેઇન યોજી ચૂકી છે. આ પ્રકારના અભૂતપૂર્વ પ્રયાસો દ્વારા આશરે 56,000 જિંદગીઓને નવજીવન આપી શકાયું છે. રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓમાં બીએપીએસ ચેરિટીઝ નિરંતર પ્રતિબદ્ધ છે. આવા વિરાટ રક્તદાન અભિયાનો અને તેનો વૈશ્વિક પ્રભાવ છેલ્લાં ચાર દાયકાઓથી અનુભવી શકાય છે.
સેટન હોલ યુનિવર્સિટીના પ્રિ-મેડ વિદ્યાર્થી અને યુનિવર્સિટી બ્લડ ઇનિશિયેટિવના પ્રમુખ સંસ્કૃતિ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતુંઃ બીએપીએસ સ્વયંસેવક તરીકે, હું અક્ષરધામ પ્રોજેક્ટને આવકારવા બદલ રોબિન્સવિલ અને મર્સર સમુદાય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. આ રક્તદાન અભિયાનનો આરંભ મેયર ડેવ ફ્રાઈડ અને રોબિન્સવિલ ટાઉનશીપ બીએપીએસ ચેરિટીઝ અને ન્યૂ જર્સીની રક્તદાન સંસ્થાઓની સામૂહિક શક્તિ અને કરુણા દર્શાવે છે.