અમદાવાદ: અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં શનિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો છે. 9 દિવસ ચાલનારા અક્ષરધામ મહોત્સવના પ્રથમ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ એવા શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. આ જ દિવસે સાંજે ‘હિન્દુ સનાતન ધર્મ દિવસ’ નામના પ્રેરણાદાયી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
પ.પૂ. મહંત સ્વામી મહારાજના આગમન બાદ સંસ્થાના વરિષ્ઠ સંતોએ વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના સાથે ‘પ્રાસાદ પ્રવેશ વિધિ’ની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે અક્ષરધામના ગર્ભ ગૃહમાં પધરાવેલ શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેમજ તેઓની આધ્યાત્મિક યાત્રાને અંજલિ અર્પતા અભિષેક પણ કર્યો હતો.
‘હિન્દુ સનાતન ધર્મ દિવસ’ નામના પ્રેરણાદાયી કાર્યક્રમમાં શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી, સ્વામી મુકુન્દાનંદજી, ડો. ટોની નાદર, જેફરી આર્મસ્ટ્રોંગ (કવિન્દ્રઋષિ) અને આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક શાંતિના વિદ્વાન પદ્મભૂષણ વેદ નંદા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ તમામ મહાનુભાવોએ સનાતન ધર્મના વિવિધ પાસાઓ પર સંબોધન કર્યું હતું. તેમજ હિંદુ ધર્મના ‘વિવિધતામાં એકતા’ અને ‘સર્વ ધર્મ સમભાવ’ના સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો હતો.
185 એકરમાં ફેલાવો
ભારતથી હજારો માઈલ દૂર ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં સાકાર થયેલા વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એક ગુરુવાર - 5 ઓક્ટોબરે ભક્તો માટે ખુલ્લું મૂકાશે. 185 એકરમાં ફેલાયેલું આ મંદિર છે અમેરિકાનું સૌથી મોટું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ. આ ઉદ્દઘાટન સમારોહ લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે, જેમાં ઘણા અમેરિકન કોંગ્રેસમેન, સેનેટર્સ, જો બાઇડેન વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ રાજયના ગવર્નરો ભાગ લેશે.
ભગવાન સ્વામિનારાયણને સમર્પિત આ મહામંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું અને 5 ઓક્ટોબરે પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને મહાનુભાવોના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે. અક્ષરધામમાં સ્વયંસેવિકા તરીકે કામ કરતાં ન્યૂ જર્સીનાં સારિકા પટેલ કહે છે કે આ સ્મારક સ્થળ બધાને આશ્વાસન અને શાંતિ પ્રદાન કરશે.
પ્રેમ - સમર્પણ - કૌશલ્યનો પુરાવો
રોબિન્સવિલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર લગભગ 185એકરમાં ફેલાયેલું છે. તે 12,500થી વધુ સ્વયંસેવકોનો પ્રેમ, સમર્પણ અને કૌશલ્યનો પુરાવો છે જેઓ આ મંદિર બનાવવા માટે ભેગા થયા છે. ભારતના અન્ય અક્ષરધામ મંદિરોની જેમ, આ ધાર્મિક સંકુલ ભારતમાં સ્વયંસેવકોની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સ્વયંસેવક જેની પટેલે કહ્યું, ‘મારા ગુરુ અને તેમણે મારા માટે જે કર્યું તેના કારણે જ હું બધું છોડીને અહીં આવી શકી. તેઓ મારી પ્રેરણા હતા. તેમણે ખૂબ જ પ્રેરણાદાયક જીવન જીવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવા અને ફેલાવવા માટે અહીં એક સ્મારક, એક મહાન મંદિર બનાવવામાં આવ્યું છે.’
એક રસપ્રદ વાત એ છે કે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ મંદિર 100 એકરમાં ફેલાયેલું છે. આ સાથે જ અમેરિકાનું અક્ષરધામ મંદિર પણ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારત, યુકે, યુએસએ, કેનેડા, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં લગભગ 1,400 મંદિરોનું નિર્માણ કર્યું છે.