૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે પછી ૧૯૫૩માં યોગીજી મહારાજના આશીર્વાદ સાથે લંડન આવેલા ડાહ્યાભાઈ મેઘાણી તેમની સાથે જોડાયા હતા. ઈસલિંગ્ટનમાં નાનું ચર્ચ ખરીદવામાં આવ્યું અને ચર્ચની જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું ત્યારે ૧૯૭૦માં યોગીજી મહારાજ ૧૨ સ્વામીઓ સાથે લંડનની મુલાકાતે આવ્યા હતા. લંડનમાં રોકાણ દરમિયાન તેમણે કહ્યું કે હરિભક્તોની સંખ્યામાં વધારો થશે. તેમણે આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં અહીં વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થશે.
૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક અને સ્રોત સમાનBAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનના સ્વરૂપે તેમનું સ્વપ્ન સાકાર થયું. પશ્ચિમ જગતમાં દ્રઢનિશ્ચય તથા સમર્પણથી સભર ઈતિહાસ સાથેનું આ પ્રકારનું આ પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર બન્યું. તેના ઉદઘાટન સાથે ભગવાન સ્વામીનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ અને મહાકાવ્ય સમા પ્રયાસોની સફરનો અંત આવ્યો.
લંડન મંદિર અને નીસડન ટેમ્પલ તરીકે જાણીતું આ મંદિર છેલ્લાં ૨૫ વર્ષથી શાંતિ, સંવાદિતા અને કોમ્યુનિટી સર્વિસના સુભગ સમન્વયનું કેન્દ્ર બન્યું છે. તેની સ્થાપત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સમાજના તમામ વર્ગના અને દુનિયાના જુદાજુદા દેશોના અસંખ્ય ભક્તો અને મુલાકાતીઓએ વીતેલા વર્ષોમાં મંદિરની મુલાકાત લઈને મંદિરના આધ્યાત્મિક સૌંદર્યથી પ્રેરણા મેળવી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિરના પ્રેરણાસ્રોત અને સર્જક હતા.
લોકલ કોમ્યુનિટીની સેવા કરવી તે હિંદુઓના સ્વભાવનો અખંડ ભાગ છે. તેથી મંદિર માત્ર પૂજાનું સ્થળ નહીં પણ કોમ્યુનિટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બન્યું છે. આ એક એવું સ્થળ છે જ્યાં ભક્તો તેમજ લોકલ કોમ્યુનિટીના સભ્યો સમાજની સેવા કરવા સાથે મળીને કામ કરે છે. મંદિર દ્વારા તમામ વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તેમાં વિવિધ વયજૂથના લોકો માટે અઠવાડિક સભા (વીક્લી એસેમ્બલીઝ) - પારિવારિક મૂલ્યો, વ્યસનનોવિરોધ, સામાજિક સંવાદિતા અને ઈન્ટરફેઈથ હાર્મનીને પ્રોત્સાહન આપતી સભાઓ – સોશિયલ મીડિયા, માનસિક સ્વાસ્થ્ય, ધમકી, અત્યાચાર જેવા વિષયો વિશે જાગૃતિ કેળવવા માટે પેરેન્ટિંગ સેમિનાર – બાળકો અને યુવાનોને માર્ગદર્શન, મદદ, સપોર્ટ અને હકારાત્મક પ્રેરણા પૂરી પાડવા માટે એજ્યુકેશન સેમિનાર અને યુથ એક્ટિવિટી - ભાષા, આર્ટ, મ્યુઝિક, કૂકિંગ અને યોગ ક્લાસીસ – લોકનૃત્યો, મ્યુઝિકલ પર્ફોર્મન્સિસ અને તહેવારોની ઉજવણી - સ્પોર્ટ્સ કાર્યક્રમો અને ટુર્નામેન્ટ્સ – તંદુરસ્ત જીવનશૈલી માટે હેલ્થઅવેરનેસના કાર્યક્રમો - બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન, NSPCC, એજ કન્સર્ન, ડાયાબિટીસ યુકે, બર્નાર્ડોસ જેવી નેશનલ ચેરિટીઝ માટે અત્યંત જરૂરી ફંડ એકત્ર કરવામાં મદદરૂપ થવા માટે વાર્ષિક 10k ચેલેન્જ વગેરેનો સમાવેશ થાય છે.
આ વિશેષ મહત્ત્વના ૨૫મા વર્ષની ઉજવણી કરવા માટે પ.પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી સૌને માટે સંખ્યાબંધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમો તેમજ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમનો સમાવેશ થાય છે.
આ ઉજવણીમાં મુખ્ય કાર્યક્રમ ગ્લોબલ ઓનલાઈન વિશ્વ શાંતિ મહાપૂજા છે. પારિવારિક સંવાદિતા અને વિશ્વ શાંતિ માટેની આ વેદિક વિધિ તા. ૨૨ ઓગસ્ટને શનિવારે યોજાશે. આ મહાપૂજાનું સંચાલન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના નિવાસી સંતો કરશે અને neasdentemple.orgપર તેનું વેબકાસ્ટ લાઈવ થશે.
આ મહાપૂજા દ્વારા યુકે, યુરોપના હજારો તેમજ બાકીના વિશ્વના લોકોને કોવિડ-૧૯ની મહામારીની અસર પામેલા લોકો માટે પ્રાર્થના કરવાની તક મળશે.
૨૩ ઓગસ્ટ, ૨૦૨૦ને રવિવારે સાંજે સંગીતમય શ્રદ્ધાંજલિ અને ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ સાથે આ વાર્ષિક ઉજવણીનું સમાપન થશે. આ અદભૂત અને વૈશ્વિક અનુભવમાં મંદિરના ઈતિહાસ અને તેના સર્જનની ગાથા રજૂ થશે. મંદિર દ્વારા અપાયેલી પ્રેરણાથી સમર્પિત થઈને સમાજની સેવા કરતા આદર્શ નાગરિકોની પેઢી તૈયાર થઈ છે.
મંદિરમાં દરેક વ્યક્તિ માટે આનંદપ્રમોદ, શીખવાનું અને અનુભવ કરવા માટે કંઈકને કંઈક હોવાથી ૨૫ વર્ષના ગાળામાં તમામ વયજૂથના લોકો માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. યુવાનો પર થયેલી મંદિરની ગાઢ અને હકારાત્મક અસર તેની સમાજ પ્રત્યેની ઉમદા સેવાનું જ્વલંત ઉદાહરણ છે. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનોને નૈતિકતા અને આધ્યાત્મિકતા સાથેના જીવન દ્વારા પોતાનું કલ્યાણ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રેરણાનું કેન્દ્રબિંદુ મંદિર છે. સમાજ અને દુનિયાના હિત માટે મોટા પ્રોગ્રામ અને પ્રોજેક્ટની યોજના ઘડવા અને તેનો અમલ કરવા માટે લોકોના પ્રભાવશાળી ગ્રૂપની રચના થઈ છે.
હાલના સમયગાળામાં યુવાનોની શક્તિ, ઉત્સાહ અને સમર્પણ સાથે નવી ઓનલાઈન પદ્ધતિ દ્વારા કોમ્યુનિટીની આધ્યાત્મિક જરૂરિયાતોને સતત પહોંચી વળવામાં મંદિર સફળ થયું છે. ૨૫મી વાર્ષિક ઉજવણીમાં યુવાનો કેન્દ્રસ્થાને છે. આ ઐતિહાસિક સફરનો હિસ્સો બનનારા હજારો પરિવારો સુધી મંદિરની અદભૂત સ્મૃતિઓ અને સંદેશા પહોંચાડવા માટે ભેગા મળીને કાર્ય કરવા યુવાનો સમર્થ બન્યા છે.