અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ભવ્ય મૂર્તિ લંડનથી 31 કલરના રંગબેરંગી 40 હજાર ડાયમંડમાંથી દિવ્યા ગોવિંદભાઈ હિરાણી દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવી છે. આ મૂર્તિને હીરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ ખાતે 15 ડિસેમ્બરના રોજ પ્રસાદી સ્થાનમાં દર્શનાર્થે મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, લંડનના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા કુમકુમ મંદિરમાં દર શનિવારે અને રવિવાર સત્સંગ સભા યોજાય છે. આ સભામાં આવનાર દિવ્યા પોતે વિકલાંગ હોવા છતાં પણ બે મહિના સુધી દરરોજ ચાર કલાકનો એટલે કે, 240 કલાકનો સમય કાઢીને તેમણે આ મૂર્તિ તૈયાર કરી છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી 100 વર્ષ જીવન જીવ્યા છે અને 80 વર્ષ સાધુ જીવન જીવ્યા છે. તેઓશ્રી આઠથી વધુ વખત લંડન પધારેલા છે અને અનેક યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોનું સિંચન કર્યું છે.
દિવ્યા હિરાણીએ જણાવ્યું હતું કે, મેં મારી જિંદગીમાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા સાધુગુણયુક્ત સંત જોયા નથી. તેઓ લંડન આવતાં ત્યારે હું તેમના દૂરથી દર્શન કરતી હતી. છતાં પણ મને દિવ્ય શાંતિની અનુભૂતિ થતી હતી. તેથી મેં આ મૂર્તિ તૈયાર કરી છે. જેથી મારી જેમ બીજા અનેકને તેમના દર્શનનો લાભ પ્રાપ્ત થાય.