ઇતિહાસમાં પહેલીવાર લંડનમાં વસવાટ કરતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા અશરા મુબારકના માતમ માટે આંતરરાષ્ટ્રીય જમાતનું આયોજન કરાયું છે. અશરા મુબારક ઇસ્લામિક મહિના મુહર્રમના પ્રથમ 10 દિવસ છે જે દરમિયાન મુસ્લિમો મોહમ્મદ પયગમ્બરના પૌત્ર ઇમામ હુસૈનની શહાદત યાદ કરીને માતમ મનાવે છે. ઇસ્લામિક નવા વર્ષના પ્રારંભના 10 દિવસ દરમિયાન અશરા મુબારક મનાવવામાં આવે છે જે દરમિયાન કરબલામાં સર્જાયેલી કરૂણાંતિકા અને ઇમામ હુસૈન, તેમના પરિવાર અને સાથીઓની શહાદતને યાદ કરાય છે. જમાતના પ્રથમ સંબોધનમાં હીઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિને હતાશા અને ક્યારેય આશા નહીં ગુમાવવાના મહત્વ પર શિક્ષણ આપ્યું હતું. તેમણે હતાશા દૂર કરવા અને હકારાત્મક માનસિકતા કેળવવા સંખ્યાબંધ સૂચનો આપ્યાં હતાં. તેમના બીજા સંબોધનમાં હીઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિને સાચી સંપત્તિ, ઉદારતા અને કંગાળ બનવાના ભયસ્થાનોના અર્થ સમજાવ્યા હતા. અર્થશાસ્ત્રના કેટલાક પાયાના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં તેમણે હાજર શ્રોતાગણને સમાજના ઉત્થાન માટે યોગદાન આપવાની અપીલ કરી હતી. હીઝ હોલીનેસે ભારપુર્વક જણાવ્યું હતું કે, સાચા અર્થમાં હતાશામાંથી મુક્ત થવા માટે અન્યના પાપોની માફી માગવી જોઇએ. આ રાહત હતાશા અને સમકાલિન જીવનની નિરાશાની મોટી દવા છે. અશરા મુબારકના પર્વ દરમિયાન હીઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિનના સંદેશા અદ્દભૂત શિક્ષણ યાત્રા બની રહી છે જે સમાજ અને માનવતાના મૂલ્યોનું શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં સંપુર્ણ યોગદાન આપે છે. અશરા મુબારકનું સમાપન હુસૈની મસ્જિદ, મોહમ્મદી પાર્ક કોમ્પલેક્સ અને મુફદ્દલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 7 ઓગસ્ટ 2022ના રવિવારના રોજ થશે.