લંડનમાં દિવાળીમાં નીસડન ટેમ્પલ દ્વારા ફેલિક્સ પ્રોજેક્ટના સહયોગથી ફૂડ વિતરણ કરાયું

Wednesday 02nd December 2020 05:04 EST
 
 

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા લંડનમાં ગઈ ૯થી ૧૩ નવેમ્બર દરમિયાન ભૂખમરો અને કુપોષણના જોખમમાં રહેલી કમ્યુનિટીના લોકોને ૪૦,૦૦૦ મીલ્સ પૂરા પાડવાની કામગીરી ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથે મળીને હાથ ધરવામાં આવી હતી. ફેલિક્સ પ્રોજેક્ટ વેચી ન શકાય તેવું તાજું અને પૌષ્ટિક ભોજન એકત્ર કરે છે. તેઓ વધારાનું ભોજન ચેરિટી અને સ્કૂલોને આપે છે જેથી તે લંડનમાં ભૂખ અને કુપોષણના જોખમમાં રહેલા લોકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડી શકે.

સહયોગની આ પ્રવૃત્તિના સમયે યોગાનુયોગ પ્રકાશપર્વ અને દુનિયામાં વસતા હિંદુઓના મહત્ત્વના દિવસો એવી દિવાળીનો તહેવાર હતો. દિવાળીના સમયે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને ભગવાનનો આભાર માનવા માટે તેમને ધરાવાય છે. ઉત્સવોના ભાગરૂપે ભક્તો તે આરોગે છે. નીસડન ટેમ્પલ તહેવારના સંદેશાના ભાગરૂપે ૫૦,૦૦૦ જેટલા ઘરો સુધી પહોંચ્યુ હતું અને જરૂરતમંદોને મદદ કરવાના આ અભિયાન વિશે વધુ જાગ્રતિ ફેલાવી હતી.

દિવાળીની પરંપરા અને ચેરિટીની સદભાવનાને જાળવી રાખતાં આ પાર્ટનરશીપ ખાસ કરીને હાલ ચાલી રહેલી મહામારીના પરિણામે વિપરિત સંજોગોનો સામનો કરી રહેલા ઘણાં લોકો અને પરિવારોને અત્યંત જરૂરી એવું ભોજન પૂરું પાડશે. આ વર્ષે અગાઉ પણ મહામારી દરમિયાન હોલિસ્ટિક આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત નીસડન ટેમ્પલ દ્વારા ફેલિક્સ પ્રોજેક્ટને ફૂડ પહોંચાડવામાં આવ્યું હતું.

પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી નીસડન ટેમ્પલ તેની બહુવિધ ચેરિટી પ્રવૃત્તિઓમાં દર વર્ષે હોમલેસ અને જરૂરતમંદો માટે ફૂડ અને કપડાં એકત્ર કરે છે. ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથેના તેના સહયોગથી આ કાર્ય વધુ પ્રમાણમાં થશે અને લંડનમાં જેમને ખરેખર જરૂર છે તેવા લોકો સુધી ફૂડ પહોંચાડી શકાશે.

નીસડન ટેમ્પલના હેડ સાધુ સ્વામી યોગવિવેકદાસે જણાવ્યું હતું કે ઘણાં લોકો માટે વર્ષનો આ સૌથી કપરો સમય છે અને હાલ ચાલી રહેલી મહામારીની અસરને લીધે તેમની સામેના પડકારો વધી ગયા છે. ફેલિક્સ પ્રોજેક્ટ દ્વારા થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીને મદદરૂપ થવામાં અને લંડનમાં જરૂરતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં અમને આનંદ થાય છે. આ કામગીરીથી દિવાળીના ઉત્સાહ અને મૂલ્યોને અમે પહોંચાડીએ છીએ.

ફેલિક્સ પ્રોજેક્ટના સીઈઓ માર્ક કર્ટિને જણાવ્યું કે નીસડન ટેમ્પલ સાથે સહયોગ કરવામાં અને તેમની મદદ મેળવવામાં અમને આનંદ થાય છે. અમે અમારી સામેના આ પડકારભર્યા સમયમાં લંડનમાં શક્ય તેટલી વધુ કમ્યુનિટી સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. આપના સહયોગ બદલ આભાર. ભવિષ્યમાં પણ આપની સાથે કાર્ય કરવા માટે અમે ઉત્સુક છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter