લંડનઃ લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલ ટીમ દ્વારા 17 નવેમ્બર 2023ના રોજ સેન્ટ જ્હોન્સ વોટર્લુ ખાતે સેલિબ્રેટિંગ ચેન્જમેકર્સ, રેઈઝિંગ વોઈસીસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ વિશિષ્ટ ઈવેન્ટ દ્વારા વિશ્વમાં રચનાત્મક અને અસરકારક પરિવર્તન લાવનારી ફ્યુચર લીડર્સ, સત્ય સ્પેશિયલ સ્કૂલ, ક્વેસ્ટ ફોર લર્નિંગ અને CORD સહિતની સંસ્થાઓ અને વ્યક્તિત્વોને સાંકળી લેવામાં આવ્યા હતા. બાલુજી શ્રીવાસ્તવ OBEના વડપણ હેઠળ ઈનર વિઝન ઓરકેસ્ટ્રાના સંગીતકારોએ મંત્રમુગ્ધ કરી દેનારું પરફોર્મન્સ આપ્યું હતું.
લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલના સીઈઓ મિસિસ માધવી વાડેરાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ અમે એવાં વિશ્વનું સ્વપ્ન સેવીએ છીએ જ્યાં તમામ સ્ત્રીઓ અને બાળકોમાં શિક્ષણ, આત્મવિશ્વાસ પ્રવર્તે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને હાંસલ કરવામાં સ્થાનિક સિસ્ટમ્સનો સપોર્ટ મળતો હોય. તેઓને સશક્ત બનાવીને, તેઓ તેમની કોમ્યુનિટીઓમાં પરિવર્તનની દીવાંદાડી બની શકે અને લાઈફલાઈન્સની સાંકળની રચના થાય. અમે એવી ઉત્સાહવર્ધક ચેરિટીઝ અને બિનસરકારી સંસ્થાઓ (NGOs)ની રચના અને રોકાણો કરવા ઈચ્છીએ છીએ જેઓ અમારી કલ્પના-વિઝન સાથે સંલગ્ન હોય, સક્રિય ભાગીદાર તરીકે અમારી સાથે કામ કરે, નિપુણતા ટ્રાન્સફર કરે અને પ્રતિનિધિરૂપ પરિવર્તન પુરું પાડે. અમે માનીએ છીએ કે કોઈને એકલાં ઉભું રહેવું ન પડે. અમારા સંબંધો થકી અમે અમારા ચાવીરૂપ ઉદ્દેશોમાં નેટવર્ક્સની સ્થાપના અને વ્યાપકતાને સતત બનાવતા રહેવાનું ઈચ્છીએ છીએ.’
ચેન્જમેકર પદ્મશ્રી ડો. ક્ષમા મેત્રેએ લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલ દ્વારા ભંડોળ અપાયેલી મૂળભૂત સખાવતી સંસ્થાઓમાં એક ચિન્મય ઓર્ગેનાઈઝેશન ફોર રૂરલ ડેવલપમેન્ટ (CORD)ની સ્થાપનામાં તેમની નોંધપાત્ર કામગીરી વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ અમે દેશમાં સરકાર પહોંચી ન શકે તેવા અંતરિયાળ વિસ્તારમાં શરૂઆત કરી હતી. તે સમયે કેટલાંક ગામમાં વીજળી પણ ન હતી. અમને ત્યારે સમજાયું કે નીચેના કર્મચારીઓ જમીનસ્તરના લોકોને નહિ પરંતુ, માત્ર તેમના બોસીસને જ જવાબદાર હોઈ સરકાર અથવા અન્ય કોઈ સંસ્થા દ્વારા છૂટાછવાયાં એકાદ પ્રોજેક્ટથી કામ ચાલી શકે તેમ ન હતું. જ્યારે અમારી માન્યતા હંમેશાંથી એવી હતી કે જેઓ પોતાના જીવનનું ખુદ પરિવર્તન કરી શકે તેવા લોકો દ્વારા જ આ પ્રોગ્રામ્સ આગળ વધવા જોઈએ.’
ડોક્ટર દીદીના હુલામણાં નામથી જાણીતાં ડો. ક્ષમાએ જણાવ્યું હતું કે,‘ભારત ઘણો વૈવિધ્યપૂર્ણ દેશ છે. તેના ઘણા મુદ્દાઓ અને સમસ્યાઓ છે પરંતુ, કોઈ સાદો ઉકેલ નથી. કોઈ નિશ્ચિત ઉકેલ અથવા જમીની સ્તરનો ઉકેલ નથી. જોકે, લોકોનો સક્રિય સહકાર ઉકેલો લાવે છે. સક્રિય ભાગીદારી, તમામ મુદ્દાઓનું એકીકરણ, ટકાઉક્ષમતા, નાના યોગદાનો અને નેટવર્કિંગ સફળતાની ચાવીઓ છે. જ્યારે અરસપરસ સંપર્કો બનાવીએ છીએ ત્યારે સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. આપણે નસીબદાર છીએ કે ગ્રામીમ ભારતનો વહીવટ પંચાયતી રાજ દ્વારા કરાય છે. સંબંધિત તમામ લોકો આ વ્યવસ્થાતંત્રમાં સંકળાય છે.’
બીજા ચેન્જમેકર સેન્ટ જ્હોન્સના રેવ. કેનોન ગાઈલ્સ ગોડાર્ડે ચર્ચના ઈતિહાસ તેમજ તેની વર્તમાન કોમ્યુનિટી અને સસ્ટેનિબિલિટી કામગીરી વિશે જણાવ્યું હતું.
આ સમગ્ર સાંજ દરમિયાન ચેરિટીના એડમિનિસ્ટ્રેટર સામ મિત્શ્કે દ્વારા આયોજનમાં ટેબલ બિન્ગોની રમતમાં એકબીજા સામે સ્પર્ધા કરવા ટેબલ્સને આમંત્રિત કરાયા હતા. વિજેતા ટેબલ માટે વિશેષ ઈનામો જાહેર કરાયા હતા.