લંડનઃ શ્રી પ્રજાપતિ એસોસિએશન (SAP) યુકે દ્વારા લેસ્ટર ખાતે 24 જુલાઇના રોજ સમાજના વડીલો માટે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક કાળજી પર રજૂઆત અને ચર્ચા કરવાનો હતો. એસપીએ લેસ્ટર કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજિત આ સ્નેહ મિલનમાં સમગ્ર યુકેના 14 અલગ અલગ શહેરોમાંથી આવેલા સમાજના 500 કરતા વધુ વડીલો અને 100 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના યજમાન અને આયોજક એસપીએ યુકે સીનિયર્સ કમિટી ટીમ અને એસપીએની તમામ શાખાઓના સ્વયંસેવકો હતા, જેમણે આખો દિવસ તમામ પ્રકારની સરભરા કરી હતી. આ કાર્યક્રમમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો અને તમામ ભોજન તથા પીણાં સ્ટીલની પ્લેટ, કપ અને કટલરીમાં પીરસાયાં હતાં. પ્રસાદનું વિતરણ પ્લાસ્ટિક બેગના સ્થાને કાગળની બેગમાં કરાયુ હતું.
સવારના સત્રનો પ્રારંભ તમામ 14 શાખાઓમાથી હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા આરતી સાથે કરાયો હતો. ત્યારબાદ લ્યુટનના સીનિયર કમિટી સેક્રેટરી શ્રીમતી પુષ્પાબેન યોગેશભાઇ મિસ્ત્રીએ આવકાર સંબોધન આપ્યું હતું. પ્રેસ્ટનના ઇન્દિરાબેન ભાણાભાઇ લાડ, લ્યુટનના પુષ્પાબેન યોગેશભાઇ મિસ્ત્રી અને હંસાબેન પ્રવિણભાઇ મિસ્ત્રીએ સ્વાગત ગીત આપ આવ્યા સહુ પધાર્યાં રજૂ કર્યુ હતુ.
લેસ્ટર સિટી કાઉન્સિલના ઓડિટ સોશિયલ કેર એન્ડ સેફગાર્ડિંગના ડિવિઝનલ ડિરેક્ટર રૂથ લેકે સામાજિક કાળજી પર માહિતીપ્રદ રજૂઆત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં નેશનલ સોશિયલ કેર ફ્રેમવર્કના મહત્વના પાસા, કાળજી દ્વારા સુખાકારીને પ્રોત્સાહન, માહિતીના સ્ત્રોત, સામાજિક કાળજી માટેની યોગ્યતાની સમીક્ષા, હોમકેર-ડે સર્વિસિઝ - કેર હોમ્સ અને સપોર્ટેડ હાઉસિંગ જેવી વિવિધ પ્રકારની કાળજી અંગે રસપ્રદ માહિતી આપી હતી. તે ઉપરાંત તેમણે કુલ ચૂકવાતી રકમ પરની મર્યાદા સાથે વર્ષ 2023થી અમલમાં આવી રહેલા નવા બદલાવ સહિત વ્યક્તિ કેવી રીતે પોતાની સોશિયલ કેર માટે નાણા એકઠાં કરી શકે તેના મહત્વના મુદ્દા સમજાવ્યા હતા. બર્મિંગહામના પિયૂષભાઇ અંબાલાલ મિસ્ત્રીએ હાજર રહેલા વડીલો સારી રીતે સમજી શકે તે માટે રૂથ લેકના સંબોધનનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.
નીલાબેન કિરણભાઇ મિસ્ત્રીએ તેમના પિતા માટે કેર સર્વિસિઝની વ્યવસ્થા કરવા અને ત્યારબાદ તેમને કેવી રીતે કેર હોમમાં ખસેડવા અંગે નિર્ણય લીધો તે અંગેના વ્યક્તિગત અનુભવો રજૂ કર્યાં હતાં. તેમણે પોતાના સ્વજનો માટે કેર સર્વિસિઝની વ્યવસ્થા કરતા સમયે કેવી કાળજી લેવી અને તેની સાથે પોતાને થયેલા હકારાત્મક અને નકારાત્મક અનુભવો વર્ણવ્યા હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેમના પિતા કરસનભાઇ મિસ્ત્રી કાર્યક્રમમાં હાજર રહી શક્યાં નહોતા પરંતુ પોતાનું ઘર છોડીને નવા શહેર અને કેર હોમમાં જવાના તેમના હૃદયદ્રાવક અનુભવને રજૂ કર્યો હતો. જોકે હવે તેઓ નવા સ્થળમાં આનંદ સાથે અન્યોને પણ મદદ કરી રહ્યાં છે.
કાર્યક્રમમાં તાજેતરમાં જ જીવનયાત્રાના 100 વર્ષ પસાર કરનારા પ્રજાપતિ સમાજના ચાર સન્માનનિય વડીલોનું સન્માન કરાયું હતું. બર્મિંગહામના નરશીભાઇ ભુલાભાઇ મિસ્ત્રી, લેસ્ટરના ભાણીબેન મંગુભાઇ મિસ્ત્રી, બર્મિંગહામના ગોપાલભાઇ રામભાઇ મિસ્ત્રી અને લેસ્ટરના વિજયાબેન પરષોત્તમભાઇ મિસ્ત્રીને ટોકન ગિફ્ટ અર્પણ કરાઇ હતી.
કાર્યક્રમમાં હાજર રહેલા લોકો એકબીજા સાથે સામાજિક નાતો કેળવી શકે તે માટે ભોજનનો સમય બે કલાક રખાયો હતો. બપોરના ભોજન બાદ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં લંડનના ગ્રુપ દ્વારા બોલિવૂડ ડાન્સ માય નેમ ઇઝ એન્થની ગોન્સાલ્વિસ, લેસ્ટરના ગ્રુપ દ્વારા જગથી નિરાળુ મારુ પ્રજાપતિ કૂળ છે, સૌથી રઢિયાળો મારો કુંભાર સમાજ છે ગીત પર આધારિત નૃત્ય નાટિકા રજૂ કરાયાં હતાં. તે ઉપરાંત બ્રેડફર્ડના કલામિત્રો દ્વારા બોલિવૂડના ક્લાસિકલ ગીતો પર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ થયાં હતાં. ત્યારબાદ સીનિયર્સ કમિટી દ્વારા ગેમ ઓફ બિંગો રજૂ કરાઇ હતી અને અંતે રેફલ ડ્રો કરાયો હતો. કાર્યક્રમની પૂર્ણાહૂતિ બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીત દ્વારા કરાઇ હતી.
શ્રી પ્રજાપતિ એસોસિએશન-યુકેના પ્રમુખ કમલેશભાઇ સી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ એક અદ્દભૂત કાર્યક્રમ હતો અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કોરોના મહામારી જેવા પડકારો છતાં અમારો સમાજ પ્રગતિ કરતો રહે છે. અમે તમામ વયજૂથના લોકો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ.