લેસ્ટરઃ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને ઉજવતો ‘હોલિકાદહન’ ઉત્સવ સૌપ્રથમ વખત લેસ્ટર પાર્કમાં ઉજવાશે. રંગોના ઉત્સવ તરીકે પણ ઉજવાતો આ તહેવાર આ વીકએન્ડ પર રુશી મીડના રુશી ફિલ્ડ્સ ખાતે ઉજવવામાં આવનાર છે. હોલિકાદહન રવિવાર 24 માર્ચે છે. વિધિનો આરંભનો સમય 4.30pmનો છે અને સમાપન 8.30pm કલાકે થશે. હિન્દુઓ માટે હોળીનો તહેવાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર વસંતના આગમન અને શિયાળાના અંતનું પ્રતીક છે.
પોતાના ભત્રીજા પ્રહલ્લાદની હત્યાનો પ્રયાસ કરનારી દુષ્ટ હોલિકાના દહનને દર્શાવવા હોળી પ્રગટાવવામાં આવશે. લોકકથા અનુસાર પ્રહલ્લાદનો બચાવ થયો હતો જે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને દર્શાવે છે. રુશી મીડના મેલ્ટન રોડ પરના શ્રી હનુમાનજી મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિધિઓ અને આહુતિઓ પણ ઓફર કરવામાં આવશે. ધાણી, શ્રીફળ અને ચણાને હોળીમાં પધરાવવામાં આવશે તેમ મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,‘સ્થાનિક સમુદાયને આનંદ, મિત્રતા અને વસંતના સૌંદર્યને વધાવવા એક સ્થળે લાવવાનું મહત્ત્વનું છે.’
લેસ્ટરના ઘણા વિસ્તારોમાં આ પ્રકારના પરંપરાગત કાર્યક્રમો યોજાશે પરંતુ, રુશી ફિલ્ડ્સને ‘સંપૂર્ણ સ્થળ’ ગણાવતા મિ. પટેલે જણાવ્યું હતું કે અમે સમગ્ર કોમ્યુનિટી આનંદ કરી શકે તેવા ભવ્ય ઉત્સવમાં તમામ વયના લોકોને આવકારવા ઉત્સુક છીએ. રુશી ફિલ્ડ્સ અમારા મંદિરની પાસે જ છે અને ઉત્સવનો આનંદ માણવા લોકોને સુરક્ષિત વાતાવરણ પુરુ પાડે છે.’
રુશી મીડ એકેડેમી ખાતે પાર્કિંગની સુવિધા મર્યાદિત હોવાથી આયોજકો લોકોને ચાલીને આવવા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.