પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો જાણીતો છે એટલો જ જાણીતો તેમનો મણિયારો રાસ છે. નવરાત્રિ મહેર સમાજની વિશાળ વસ્તી ધરાવતા પોરબંદરમાં મણિયારો રાસ યોજાયો હતો તો અહીં લેસ્ટરમાં મહેર પરિવારોએ પણ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.
બ્રિટનમાં રાસગરબાના કાર્યક્રમો તો અનેક યોજાય છે, પરંતુ મહેર સમાજના રાસગરબાની વિશેષતા એ હતી કે માત્ર સભ્યો માટે યોજાયેલા આ રાસગરબામાં સહુ કોઇ માત્રને માત્ર પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. ફોટોગ્રાફ પર નજર ફેરવશો તો ભાઇઓ બગલાની પાંખ જેવા સફેદ વસ્ત્રોમાં જ્યારે બહેનો સુવર્ણ આભૂષણો સાથે લાલ વસ્ત્રોમાં સજ્જ જોવા મળશે.
પોરબંદરની વાત કરીએ તો, અહીં મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત નવરાત્રિ ગરબામાં પાંચમે નોરતે બુંગીયો ઢોલ વાગ્યો અને મહેર મુછાળાઓએ મણિયારો રાસ લીધો હતો. ચોયણી, આંગણી, ખમીશ, પાઘડી પહેરીને પાંચ હાથ પૂરા મહેર મુછાળાઓએ રાસોત્સવમાં એવો જોમદાર રાસ રમ્યા હતા કે રાસ જોનારાને પણ શૂરાતન ચડી ગયું હતું.
આગવી લોકપ્રિયતા
ગુજરાતમાં ગરબા તો જાણીતા છે જ પરંતુ દરેક જિલ્લા અને તેની જાતિ પ્રમાણે પણ અલગ અલગ ગરબા અને તેનો પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. આ જ રીતે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરમાં રમાતો મણિયારો રાસ દેશવિદેશમાં આગવી ખ્યાતિ ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજના લોકો પરંપરાગત ચોયણી અને કેડિયું પહેરીને આ શૌર્ય રાસ રમ્યા હતા. દેશ વિદેશમાં વસતા ગુજરાતી મહેર સમાજ વતી પોરબંદર મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા 9 દિવસ નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન થયું હતું. જેમાં પાંચમા નોરતે મહેર પુરુષો તથા બાળકોએ પારંપરિક પોશાક પહેરીને મણિયારા રાસની રમઝટ બોલાવી હતી.
ઐતિહાસિક મહત્ત્વ
મહેર એ ખમીરવંતી જાતિ ગણાય છે. પ્રાચીન સમયમાં મહેર જ્ઞાતિ પોતાના વતન માટે યુદ્ધે ચડી હતી અને આ ખમીરવંતી જ્ઞાતિએ જીતની પાઘડી પહેરી હતી. એ વખતે જીતના ઉત્સવમાં બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. જેના કારણે પુરુષોને યુદ્ધમાં લડવાનો જુસ્સો મળે છે. યુદ્ધ બાદ આ વિજ્યોત્સવ મનાવવામાં આવતો હોય છે. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રી તથા રાષ્ટ્રીય પર્વમાં મહેર જ્ઞાતિના યુવાનો પરંપરાગત પોષક પેહરીને રમે છે. મણિયારો રાસ રમવા શરણાઈ, ઢોલ અને પેટીવાજુ જેવા સંગીત વાદ્ય હોવા અનિવાર્ય છે.
દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે મણિયારો
પોરબંદરની મહેર જ્ઞાતિ દ્વારા રમવામાં આવતો આ મણિયારો રાસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. મહેર જ્ઞાતિના યુવાનો આખી પૃથ્વીના પટ પર આ રાસનું પ્રદર્શન કરી આવ્યા છે. પરંપરાગત ગરબા રમવા માટે મણિયારા રાસને પ્રાથમિકતા આપવામાં આવે છે.