ભારતની બહાર સૌપ્રથમ ગ્લોબલ લોહાણા કન્વેન્શન ભારતસ્થિત સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ (LMP) દ્વારા લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગ્ડમ (LCUK)ની સહભાગિતા અને યજમાનપદે યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લેસ્ટરમાં નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટરમાં ૨૪થી ૨૬ એપ્રિલ ૨૦૧૫ દરમિયાન યોજાયો હતો. આ ઉપરાંત, ૨૭ એપ્રિલે લોહાણા કોમ્યુિનટી નોર્થ લંડન દ્વારા તેમના લંડનસ્થિત ધામેચા લોહાણા સેન્ટરમાં નેટવર્કિંગ અને અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો હતો. અા કન્વેન્શનમાં ભારત, ઈસ્ટ આફ્રિકા, દુબાઈ, યુએસએ અને કેનેડાથી ૧૫૩ જેટલા ડેલીગેટ્સ તેમજ યુકેના પાટનગર લંડન સહિત શહેરો, નગરોમાંથી સ્થાનિક લોહાણા સંસ્થાઅોના ૩૫૦ જેટલા સભ્યો કન્વેન્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતથી અાવનાર વધુ ૧૦૩ ડેલીગેટ્સને યુ.કે.ના વીઝા નહિ મળતાં અાવી શકયા ન હતા.
લોહાણાઅોની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ(LMP)ના મૂળ છેક ૧૯૦૦થી નંખાયેલા છે. LMP સંગઠનતંત્રમાં ઉપપ્રમુખોનું નોમિનેશન યુકે, યુએસએ, કેનેડા, આફ્રિકા, મિડલ ઈસ્ટ અને ફાર ઈસ્ટ દેશો જેવાં દરિયાપારના મુખ્ય પ્રદેશોમાંથી કરવામાં આવે છે. ૨૦૧૫ ગ્લોબલ કન્વેન્શન LMP દ્વારા સાતમુ તેમજ યુકેમાં રહેતા ૮૦૦૦થી વધુ લોહાણા પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા ૨૧ પ્રાદેશિક લોહાણા ઓર્ગેનિઝેશન્સની પેરન્ટ સંસ્થા LCUKના સહકાર સાથે દરિયાપારનું અા સૌપ્રથમ અધિવેશન હતું.
લોહાણા કોમ્યુિનટી અોફ યુ.કે.ના પ્રમુખ શ્રી હેમુભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, 'વિશ્વવ્યાપી લોહાણા મહાપરિષદનું યજમાન પદ સ્વીકારવાનો નિર્ણય લેવાયો ત્યારે અમે અને અમારા ટ્રસ્ટીમંડળે અા પડકાર ઝીલી લીધો સાથે સાથે તમામ સંસ્થાઅોએ પણ હકારાત્મક સહયોગ અાપ્યો. કાર્યશક્તિની ક્ષમતા હોવા છતાં અમને માર્ગદર્શનની જરૂરત હતી એ મહાપરિષદના પ્રમુખશ્રી યોગેશભાઇ લાખાણીએ અાપ્યો. ગત ફેબ્રુઅારીમાં તેઅો એમના દીકરા જય લાખાણી સાથે અત્રે અાવ્યા અને "રેડ મેપ" તૈયાર કરી અાપ્યો. તેમના સતત સહકાર અને માર્ગદર્શનથી લોહાણા મહાપરિષદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦૫ વર્ષ પછી યુ.કે.માં વિશ્વભરની લોહાણા સંસ્થાઅોના પ્રતિનિધિઅો એકત્ર થઇ શક્યા છીએ. એમની સાથે અાવેલા સમિતિના સાત સભ્યો રાજીવભાઇ રવાણી, શશીકાન્તભાઇ કાનાણી, શિલ્પનભાઇ કારીઅા, યમેશભાઇ ઠકરાર, જય લાખાણી, જયેશ સોનેતા કાર્યક્રમને અાખરી અોપ અાપવામાં મદદરૂપ બન્યા. અા ઉપરાંત ગ્લોબલ લોહાણા કન્વેન્શનના કન્વીનર હિમાંશુ ઠક્કર અને ગ્લોબલ લોહાણા કન્વેન્શનના કો અાર્ડિનેટર અને શ્રી લોહાણા મહાજન-લેસ્ટરના ઉપપ્રમુખ ચેતનભાઇ અમલાણીનો પણ સહ્દય અાભાર વ્યક્ત કર્યો. અા કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા ઉદારતા દાખવી અાર્થિક સહયોગ અાપનાર "લાડુમા" ચેરિટેબલ ટ્રસ્ટના સર્વશ્રી ખોડિદાસભાઇ ધામેચા, શાંતિભાઇ તથા પ્રદીપભાઇ ધામેચા, દુર્લભભાઇ લાખાણી, કકીરા સૂગરવાળા મયૂરભાઇ, લોર્ડ ડોલર પોપટ, સુભાષભાઇ ઠકરાર, નાગ્રેચા બ્રધર્સ, નીતિબેન મહેશભાઇ ઘીવાલા, પિયુષભાઇ ચોટાઇ, ભગવાનભાઇ લાખાણી ઇત્યાદિનો સહદય અાભાર વ્યક્ત વ્યક્ત કર્યો.
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી યોગેશભાઇ લાખાણીએ લોહાણાઅોની અા માતૃસંસ્થાનો ઇતિહાસ રજૂ કરતાં કહ્યું કે, “પરિષદનો ઇતિહાસ ૧૦૫ વર્ષ જૂનો છે. અાપણા વડવાઅો જ્ઞાતિનો પાયો નાખી ગયા છે એના ઉપર ચણતર કરી અાપણે જે કંઇ સારું થાય એ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. મૂળ જામખંભાળીયાના લોહાણા સમાજના વડવા શેઠ શ્રી કાનજીભાઇ અોધવજી હિંડોચાના અથાગ પ્રયાસથી લોહાણા કોમનું એકીકરણ થઇ શક્યું છે. એમનુંં મંતવ્ય હતું કે જ્ઞાતિ વિખરાયેલી રહે એ નહિ ચાલે, એમાં એકતા લાવવી જ ઘટે. તેઅો વચનબધ્ધ થા કે જયાં સુધી જ્ઞાતિ એકસૂત્ર નહિ બને ત્યાં સધી હું પગમાં જૂતા નહિ પહરેુ અને માથે પાઘડી નહિ બાંધું, તેઅો ગામે ગામ ફર્યા અને સૌને ભેગા કરી ૧૯૦૪માં સૌ લોહાણાઅોને એક મંચ પર લાવ્યા. એ પછી પાંચ મહાપરિષદ (૧૯૧૦માં મુંબઇ, ૧૯૧૨માં રાજકોટ, ૧૯૧૪માં કરાંચી, ૧૯૧૬માં ભાવનગર અને ૧૯૧૯માં માંડવી ખાતે પરિષદ)ભરાયા બાદ તમામ કાર્યપ્રવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું. ભારતની અાઝાદી બાદ ફરી ૧૯૫૦માં લોહાણા સામાજીક અગ્રણી શ્રી છગનલાલ કરમશી પારેખ (છગનબાપા) કલકત્તાથી સક્રિય બન્યા અને ફરી મહાપરિષદ જીવંત બની. ૧૯૫૨માં રાજરત્ન શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાના પ્રમુખપદ હેઠળ મહાપરિષદ સક્રિય બની. ૨૦૧૩માં અમદાવાદ ખાતે વિશ્વ લોહાણા મહાપરિષદ યોજાઇ હતી.
યોગેશભાઇએ કહ્યું કે, 'ભારત બહાર પરિષદ યોજવા અમે કેનેડામાં સમાજના અગ્રણીઅોને મળ્યા પણ વિચાર ફલિત ના થયો, અાફ્રિકામાં પણ ૩૩મો સ્પોર્ટસ ફેસ્ટીવલ જોવા અમે ૧૮ પ્રતિનિધિઅો સાથે ગયા હતા. ત્યાં દારેસલામથી શરૂ કરી અરષા, કિસુમુ, નકુરુ, જિંજા, કંપાલા, ઝાંઝીબાર ગયા હતા. ત્યાં પ્રતિનિધિઅોને મળ્યા પણ શક્ય ન બન્યું. ૧૯૮૩માં પૂર્વ પ્રમુખ હંસરાજ ખેરાણી અહીં અાવ્યા હતા પરંતુ ત્યારે એ શક્ય ન બન્યું. અધિવેશણ ભરવું એ કાંઇ નાની સૂની વાત નથી. ભારત બહાર અધિવેશન ભરવાની વાત ચાલતી હતી એ દરમિયાન બે વર્ષ અગાઉ લોર્ડ ડોલર પોપટના નેજા હેઠળ એક મિટીંગ થઇ ત્યારે મેં લેસ્ટરનો "નીતિબેન ઘીવાલા સેન્ટર"નો હોલ જોયો, અહીં સક્રિય જ્ઞાતિજનોને કામ કરતા જોયા ત્યારે મારા મનમાં વિચાર ઝબક્યો કે યુ.કે.માં મહાપરિષદ યોજવી જોઇએ. મારો વિચાર રજૂ કરતાં UKLCના પ્રમુખ હેમુભાઇ ચંદારાણા અને કોઅોર્ડિનેટર ચેતનભાઇ અમલાણીએ પડકાર ઝીલી લીધો. તેમણે કહ્યું કે, “મેં જોયું કે અાપણા મહાજન કામ બહુ જ સરસ કરે છે પણ યુવાનો સક્રિય નથી દેખાતા. અાપણે વડીલો માટે જે શબ્દ વાપરીએ છીએ કે "ઘરડો" એટલે કે વૃધ્ધ. એ ઘરડો એટલે "ઘરવડા". ઘરનો વડો પોતાના ઘર, કુટુંબ, સમાજ અને દેશ માટે, પોતાની સંસ્કૃિત માટે સતત જાગ્રત રહે છે. અાજે અાપણા યુવાનો પાછળ રહે છે કે નિષ્ક્રિય રહે છે એવું નથી પણ અાપણે એમને રસ લેતા કરતા નથી.”
જનરલ ઇલેકશન કેમ્પેઇનમાં વ્યસ્ત હોવા છતાં પરિષદમાં ખાસ ઉપસ્થિત શ્રી લોર્ડ ડોલર પોપટે એમનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું કે, 'એક લોહાણા તરીકે અને ખાસ કરીને લોહાણા સભ્ય હોવાનું મને ગર્વ છે. મને ત્રણ કારણસર લોહાણા તરીકેનું ગર્વ છે, જેમાં એક અાપના સમાજની એકતા અને ઉલ્લાસિત વૃત્તિ, બીજું બ્રિટીશ સમાજ સાથે એકીકૃત થઇ ગયા છીએ અને ત્રીજું સમાજના મજબૂત ટેકાથી અાપણી પરંપરા- સંસ્કારો જળવાઇ રહ્યા છે. અાપણા સમાજે સદીઓ પૂર્વે પૂ.જલારામ બાપા, પૂ.યોગીજી મહારાજ, શ્રી નાનજી કાલીદાસ મહેતા, શ્રી મૂળજીભાઈ માધવાણી સહિત મહાન વિભૂતિઅો અાપી છીએ. નવી વર્તમાન પેઢીમાં પણ આપણી પાસે દાનેશ્વર ધામેચા પરિવાર, રમેશભાઈ સચદેવ, મારા ગુરૂભાઇ પ્રવીણભાઈ કોટક, પરિમલભાઈ નથવાણી જેવાં ઘણાં સફળ બિઝનેસમેન અને પરોપકારી મહાનુભાવો છે. રીચ લીસ્ટમાં ૧૦૦એ ૧૫ લોહાણાઅો છે. રાજકારણ, મીડિયા અને ટોપ FTSE 100 કંપનીઓના બોર્ડ્સમાં પણ લોહાણા યુવાન-યુવતીઅો સ્થાન ધરાવે છે. મહારાણીએ નાઇટહૂડથી સન્માનિત કર્યા છે એ સર નીલેશભાઈ સામાણી જેવાં ઘણા પ્રોફેશનલ્સ પણ છે. યુકેમાં કેટલીક સૌથી મોટી ધાર્મિક સંસ્થાઓનું વડપણ અને સંચાલન પણ લોહાણા હસ્તક છે.
તેમણે જણાવ્યું હતું કે યુકેમાં આપણી સફળતા દેશના મૂલ્યો, આપણી સફળતા, કાયદાના શાસન, સહિષ્ણુતા અને ધાર્મિક સ્વાતંત્ર્યનું પરિણામ છે. યહુદી, ઈસ્માઈલી અને ઝોરોસ્ટ્રીઅન કોમ્યુનિટીઝની માફક જ એકતા અને એકમત મારફત લોહાણા કોમ્યુનિટીનું ભાવિ વધુ ગતિશીલ બનતું રહેશે તેની નોંધ પણ તેમણે લીધી હતી.
• તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ૨૧મી સદી સાથે સુસંગત બની રહેવા આપણે આધુનિક બનવાની સાથોસાથ ઘણાં રીતરિવાજ બદલવાની જરુર છે. ભારતીય લગ્નો અને અંતિમ સંસ્કારની વિધિઓ જરીપુરાણી થઈ હોવાથી તેની પણ સમીક્ષા થવી જોઈએ. આપણે સ્કૂલ ગવર્નર્સ, મેજિસ્ટ્રેટ્સ, કાઉન્સિલર્સ અને સાંસદ પણ બનીને સમાજ પ્રત્યે નાગરિક કર્તવ્યમાં વધુ સંકળાવાની જરુર છે.
• લોર્ડ પોપટે આપણા યુવાનોને સામુદાયિક કાર્યોમાં સામેલ કરવાની જરુરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. યુવાનો સમક્ષના પડકારો અલગ છે અને આપણે વડીલોએ પેઢીગત મતભેદો દૂર કરવા તેમની સાથે મળી કામ કરવાની જરુર છે. આપણે યુવાનોને તાલીમ આપવા માટે તેમને સામુદાયિક અને પરોપકારના કાર્યોમાં સાથે રાખવાની જરુર છે અને આપણે તેમને અધિકારો પણ આપવા જોઈએ. વૃદ્ધ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જેના માટે આપણે પ્રમાણમાં પૂરતાં તૈયાર નથી તેવી પરિસ્થિતિમાં સમાજમાં વૃદ્ધ વડીલોને પણ યોગ્ય સ્થાન આપણે આપવું જ જોઈએ. આપણે આગવાં વૃદ્ધાશ્રમો અને વૃદ્ધસંભાળ કાર્યક્રમો તૈયાર કરવા જોઈએ. ગ્લોબલ લોહાણા કન્વેન્શને સમગ્ર વિશ્વમાં કોમ્યુનિટીની વધતી જરુરિયાતોનું અને ૨૧મી સદીના નવા પડકારોને કેવી રીતે પહોંચી વળીશું તે અંગે વિચારવું જ રહ્યું.
શ્રી પ્રદીપભાઈ ધામેચાએ એમના મંતવ્યમાં કહ્યું કે, “LCUK અને શ્રી લોહાણા મહાપરિષદે ભેગા મળી અા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે. અાવા ભગીરથ કાર્યો માટે ફાયનાન્સીયલ ટેકા માટે ચેક દેવો સહેલો છે પણ કામ કરવું બહુ અઘરું છે. એ માટે સક્રિય તમામ કમિટી સભ્યોને અભિનંદન. લોર્ડ ડોલર પોપટે દર્શાવેલા મુદ્દાઅોને ટેકો અાપતાં પ્રદીપભાઇએ જણાવ્યું કે, " અાપણી નવી પેઢી સાંસ્કૃિતક ઓળખ ભૂલી રહી છે. આપણે ભારત સાથેના સંપર્કો કે કડીઓ ગુમાવવા ન જોઈએ. આપણો ઈતિહાસ અને ભાષા, બન્ને મોટી સંપત્તિ છે, જેને આપણી ઓળખની સુરક્ષા માટે આપણે સમજવા, જાળવવા અને ઉપયોગ કરવાની જરૂર છે. સાંસ્કૃતિક મૂલ્યો પણ જાળવવાં જોઈએ અને અહીં મહાજનો તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાંનું તેમણે જણાવ્યું હતું. અાપણે રીચ લીસ્ટમાં કોની પાસે કેટલી મિલકત છે એ જોઇએ છીએ પણ તેની પાસે અાપણા સાંસ્કૃિતક વારસાની મિલકત કેટલી છે એ જોઇએ છીએ ખરા? અાપણે ભલે કહેતા હોઇએ કે અાપણે રીચ છીએ. ‘નાણા તમને ધનવાન બનાવે છે પરંતુ, મજબૂત પરિવાર અને સાંસ્કૃતિક મૂલ્યો જ તમને સાચા અર્થમાં સંપત્તિવાન બનાવે છે. અાપણે અાપણી અોળખ જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. અાપણા યુવાનોને લોહાણા કયાંથી અાવ્યા એ ઇતિહાસની ખબર નથી. અાપણી સંસ્કૃિતની કિંમત સમજાવવી જોઇએ. યુવાનોને વધુ રસ લેતા કરવા જોઇએ. સમય અાવ્યે બીજાને જવાબદારી સોંપવી જોઇએ. વડીલોએ યુવાનોને માર્ગદર્શન અાપી તૈયાર કરવા જોઇએ. લોહાણા મહાજન એ માવતર છે. અોલ લોહાણા મહાજન LCUKને સહકાર અાપે તો લંડન, બર્મિંગહામ, લેસ્ટર, કોવેન્ટ્રી સહિત યુ.કે.ભરમાંથી સહકાર મળે તો અાવી પરિષદો યોજવી જોઇએ.
પ્રદીપભાઈએ વિનંતી કરી હતી કે જો આપણે એક અવાજ બની રહેવું હોય અને તમામ મહાજનો વચ્ચે સહકારના ઉપયોગ થકી વિશેષ હાંસલ કરવું હોય તો સ્થાનિક યુકે મહાજનોએ મુખ્ય સંસ્થા LCUKને સક્રિયપણે સપોર્ટ આપવો જોઈએ. LMPએ પણ ભારતમાં તેમના પ્રોજેક્ટ અને અનુભવો તેમજ થેલેસેમિયા જેવાં વિવિધ મુદ્દાઓ પર તેમણે કરેલા સંશોધન વિશે હિસ્સેદારી કરવી જોઈએ.
અાગામી જુલાઇમાં અમદાવાદ ખાતે શ્રી લોહાણા મહાપરિષદના નવા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળનાર છે એ પ્રવિણભાઇ કોટકે અતિથિવિશેષ પદેથી જણાવ્યું કે, “લોહાણા મહાપરિષદ યોજવા માટે ઘણા શ્રેષ્ઠીઅોએ પ્રયાસ કર્યા છે, મહાપરિષદ યોજવા માટે પૈસાની જરૂરિયાત છે પરંતુ શ્રી હેમુભાઇએ જે મિશન અને વીઝન સાથે કાર્ય ઉપાડયું એ માટે ધન્યવાદ. સમાજમાં લોકોને બાગ ગમે છે પણ ઘણાને અાગ લગાડવાની ટેવ પડી હોય છે. અાપણા સમાજને યુવાન, કર્મનિષ્ઠ અને ફરજપરસ્ત નેતા તરીકે શ્રી યોગેશભાઇ લાખાણી મળ્યા એ અાપણું સદભાગ્ય છે. યોગેશભાઇને મેં અમદાવાદમાં નજીકથી કામ કરતા જોયા છે. જાણીતા ધારાસભ્ય સ્વ. શીશીકાન્તભાઇ લાખાણીના કાયદાશાસ્ત્રી દીકરા યોગેશભાઇને વકીલાતના રોજના ૧૦,૦૦૦ મળે એમ છે. એમના ઘરે મળવા લોકોની લાઇનો લાગે પણ યોગેશભાઇએ જલારામબાપાની જેમ સેવાનો ભેખ લીધો છે. યોગેશભાઇને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશના હોદ્ધા માટે અોફર અાવી પણ તેમણે અોફર નકારી કાઢતાં કહ્યું પહેલાં મારો સમાજ. અાપણા રઘુકૂળનો કોઇ વિદ્યાર્થી ભણી શકે એવી સ્થિતિમાં ના હોત તો એના માટે અાર્થિક સહાય કરી રહ્યા છે. યોગેશભાઇને ફરી પાંચ વર્ષ સમાજને અાપવા વિનંતી કરી પણ કૌટુંબિક જવાબદારીને કારણે તેઅોને નિવૃત્તિ લેવી પડે એમ છે. ૫, જુલાઇએ અમદાવાદમાં ૧૬૦૦૦ જેટલા લોહાણા મહાજન સભ્યોની ઉપસ્થિતમાં મારો શપથવિધિ યોજાશે એમાં પૂ. મોરારીબાપુ પણ પધારશે.” યુ.કેથી પણ સૌ સભ્યો પધારે એવી શ્રી કોટકે અાશા વ્યક્ત કરી હતી. કોટકના મંતવ્ય પછી યોગેશભાઇએ એક ગૌરવપ્રદ સમાચાર જાહેર કરતાં કહ્યું કે, “અમદાવાદમાં અાપણું એક ભવ્ય લોહાણા મહાજન સેન્ટર બને એવી ઇચ્છા મેં પ્રવિણભાઇ કોટકને કરેલી અને એમની પ્રસિડેન્ટશીપ હેઠળ એ અંગે વિચાર કરે એમ કહેલું. પરંતુ પ્રવિણભાઇએ પ્રમુખપદ સંભાળે પહેલાં જ ભવ્ય મહાજન સેન્ટર માટે જગ્યા શોધી કાઢી અને એનું ખાતમૂહુર્ત પણ થઇ ચણતરકામ શરૂ થઇ ગયું છે.”
૨૪ એપ્રિલ શુક્રવારે સવારે મંચ પર બિરાજમાન અગ્રગણ્ય મહાનુભાવોના વક્તવ્યો બાદ બપોરના સત્રમાં શ્રી પ્રદીપભાઇ ધામેચાના નેતૃત્વ (ચેરમેનપદ) હેઠળ ભારતમાં વતનના શહેર-નગરોમાં જન્મ સંબંધિત (Nativity), ઓસીઆઈ (OCI) અને નોન રેસિડન્ટ લોહાણા (NRL)ને લગતા મુદ્દાઓ વિષે ચર્ચા થઇ હતી. વિષય નિષ્ણાત શ્રી રાજીવ રવાણીએ જણાવ્યું કે, લોહાણા મહાપરિષદ સાથે પરામર્શ અને મસલતો કરીને LCUK નોન રેસિડન્ટ લોહાણા (NRL)ને OCI અને વતન સંબંધિત અનેક મુદ્દાઓ વિશે સહન કરવી પડતી મુશ્કેલીઓના વિવિધ મુદ્દાઓના નિરાકરણ લાવવાના આવશ્યક પગલાં ભરશે, યુકેમાં રહેતા બિનનિવાસી લોહાણા દ્વારા વિના અવરોધે આવશ્યક ફોર્માલિટિઝ પૂર્ણ કરી શકાય તે માટે ભારતસ્થિત તેમના વતનના શહેરોમાં સંપર્ક કરવા યોગ્ય ભરોસાપાત્ર વ્યક્તિઓની પેનલનું સૂચન પણ કરશે, જેના પરિણામે તેઓ OCI (ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા) હોવાનું ગૌરવ ધરાવવા સાથે તેના લાભ પણ મેળવી શકે.
એ બાબતે પણ સંમતિ સધાઈ હતી કે સંબંધિત મુદ્દાઓ ભારતમાં સર્વોચ્ચ સત્તાના સ્તરે તેમજ યુકેમાં ભારતીય રાજદૂત સમક્ષ હાથ ધરવામાં આવે, જેથી બિનનિવાસી લોહાણાઓને સારા વ્યવહાર સાથે આ બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે.
અા ઉપરાંત "એક્સપ્લોરીંગ વુમન્સ ઇકોનોમીક-સોશ્યલ એમ્પાવરમેન્ટ નેશનલી એન્ડ ઇન્ટરનેશનલી" વિષયક ચર્ચા થઇ હતી. શ્રીમતી ઉર્મિલાબેન ઠક્કર અને અગ્રણી મહિલા કાર્યકરો દ્વારા વર્તમાન યુગમાં પારિવારિક જીવન, રાજકારણ, સમાજસેવા, બિઝનેસ, કોમ્યુનિટી સેવા અને કોર્પોરેટ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રોમાં લોહાણા કોમ્યુનિટીની સ્ત્રીઓની સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી. ઓડિયન્સમાં ઉપસ્થિત ઘણી મહિલા પ્રતિનિધિ પોતાના મંતવ્ય અને અભિપ્રાય વ્યક્ત કરવા આગળ આવી હતી. આ તમામ પ્રતિનિધિએ એક સૂરે જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ બાબતોમાં સ્ત્રીઓ માટે સમાનતાનો મુદ્દો મહત્ત્વપૂર્ણ છે.
LMPઅને LCUK દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું હતું અને તમામ લોહાણા મહાજનો અને સંસ્થાઓના માળખા અને વહીવટમાં વધુ સ્ત્રીઓને સ્થાન આપવા સક્રિય બનવાની તૈયારી દર્શાવાઈ હતી.
૨૫ એપ્રિલ, શનિવારે શ્રી યમેશ ઠકરારની ચેરમેનશીપ હેઠળ જમીન અને પ્રોપર્ટીના ટ્રાન્સફર અને વારસાઈ માટેની પ્રક્રિયા અને કાર્યપ્રણાલી સંબંધિત મુદ્દાઅોની ચર્ચા થી હતી. LMPની સાથે મળી અને તેની સલાહમસલતો સાથે LCUKએ બિનનિવાસી લોહાણાઓ (NRL)ને તેમની ભારતસ્થિત પ્રોપર્ટી અંગે વારસાઈના તેમજ વડીલોપાર્જિત મિલકતો અને ભારતીય ટેક્સના પાસાઓ સહિતના મુદ્દાઓ ઉકેલવા મદદ કરવી જોઈએ.
જેમાં વિષયનિષ્ણાત શ્રી સંદીપ લાખાણીની ઉપસ્થિતિમાં એ બાબતે પણ સંમતિ સધાઈ હતી કે ભારતના મુખ્ય શહેરોમાં સક્ષમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સોલિસિટર્સની યાદી LMPની વેબસાઈટ પર મૂકવામાં આવે. બિનનિવાસી લોહાણાઓ આ નિષ્ણાતો પાસેથી પોતાની વિવિધ પ્રકારની મિલકતોની ખરીદી/ ટ્રાન્સફર/ બક્ષિસ/ પ્રોપર્ટીઝના વારસા/ RBI / FEMA તેમજ ટેક્સ સંબંધિત બાબતો, ઈત્યાદિ માટે વ્યાવસાયિક ધોરણે માર્ગદર્શન મેળવી શકે.
ડેલિગેટ્સની વિનંતીના આધારે એ બાબતે પણ સંમતિ સધાઈ હતી કે LCUKએ LMPની સાથે મળી ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો અને ટેક્સ દરખાસ્તો વિશે માહિતી મેળવવા અલાયદા કાર્યક્રમનું આયોજન કરવું કરવું જોઈએ અને ભારતથી નિષ્ણાતોને આમંત્રિત કરવા જોઈએ, જેમની પાસેથી યુકેસ્થિત બિનનિવાસી લોહાણાઓ વ્યાવસાયિક ધોરણે સલાહ મેળવી શકે.
• હાયર એજ્યુકેશન- સામાજિક અને વૈવાહિક સંબંધો પર અસર:
LMP અને LCUK દ્વારા ભારપૂર્વક ભલામણ કરાઈ હતી કે તમામ બાળકો- છોકરા અને છોકરી બન્નેને શિક્ષણ આપવું જ જોઈએ. જોકે, માત્ર શિક્ષણથી જ આપણા સામાજિક અને વૈવાહિક જીવનની અપેક્ષાઓ સંતોષાતી નથી. આથી, પારિવારિક મૂલ્યો, સંસ્કૃતિ અને કોમ્યુનિટીની સહભાગિતા વિશે વ્યાપક જાગૃતિ કેળવવાની ભાવના આત્મસાત થાય તે આવશ્યક છે.
એવી પણ સહમતિ સધાઈ હતી કે ગુજરાતી ભાષાને સમાન મહત્ત્વ અપાવું જોઈએ અને તેનો ઉપયોગ બોલવા, વાંચવા અને લખવાના હેતુસર રોજ કરાવો જોઈએ. ઉપરોક્ત પગલાં અમલમાં મૂકાય તેની ચોકસાઈ રાખવી તે બન્ને પેરન્ટ્સની ફરજ હોવાનું પણ અનુભવાયું હતું.
૨૬ એપ્રિલ, રવિવારે સવારે રસપ્રદ અને મહત્વના સત્રમાં ‘સંપત્તિવાન લોહાણા કેટલા તંદુરસ્ત છે’ વિષયને મેડિકલ ટુરિઝમ અને થેલેસેમિયા જાગૃતિના પરિપ્રેક્ષ્યમાં નિહાળવામાં આવ્યો.
ચર્ચાનો મુખ્ય વિષય થેલેસેમિયા રહ્યો હતો. થેલેસિમિયા દુનિયાના અનેક દેશોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સિંધી, લોહાણા, કચ્છીઅોમાં વધુ જોવા મળે છે. લોહીમાં રક્તકણ તૂટેલા હોય તો એ થેલેસિિમયા મેજરના લક્ષન છે અને પ્રમાણમાં રક્તકણ નાના હોય તો એ થેલેસિમિયા માઇનર કહેવાય છે. મહાપરિષદના પ્રમુખ શ્રી યોગેશભાઇએ કહ્યું કે, "સમાજમાં થેલેસિમિયાનું પ્રમાણ ૩૦% જેટલું છે. અાજે સમાજના ૧૦,૦૦૦ બાળકો થેલેસિમિયાથી પીડાઇ રહ્યા છે. જ્ઞાતિ સંસ્થાઅોમાં ઉપરાંત દુનિયામાં ગમે ત્યાં ટેસ્ટ થાય એનો ખર્ચ શ્રી લોહાણા મહાપરિષદ ભોગવે છે. આ વિષય જાણકારી અને જાગૃતિ વધારવા માટે ઘણો મહત્ત્વપૂર્ણ ગણાયો. આપણી લોહાણા કોમ્યુનિટીમાં આને કોઈ રોગ તરીકે નહિ પરંતુ, જનીનિક મુદ્દા તરીકે સ્વીકારવાનું પણ મહત્ત્વ છે.” ચર્ચાના આધારે એ બાબતે સંમતિ સધાઈ હતી કે તમામ નવજાત બાળકો અને લગ્ન માટેના સંભવિત ઉમેદવારો તેમજ નવપરીણિત યુગલોને થેલેસેમિયા પરીક્ષણ કરાવવા પ્રોત્સાહન આપવું જોઈશે. થેલેસેમિયાને વિશાળ પાયા પર ઘટાડવા અથવા નાબૂદ કરવા માટે આવશ્યક તમામ પગલાંને પ્રાધાન્ય અપાવું જોઈએ.
થેલેસેમિયા માઈનોરને પણ રોગ નહિ પરંતુ, વારસાગત જનીનિક લક્ષણ તરીકે ગણવા અને માન્ય રાખવા પણ ફોરમમાં સંમતિ સધાઈ હતી. આના પરિણામે, થેલેસેમિયાની સાથે સંકળાયેલા કલંકને નાબૂદ કરવામાં મદદ મળશે.
લોહાણા કોમમાં થેલેસેમિયાની જાગૃતિ લાવવા માટે LMP દ્વારા સર્જિત અને નિર્મિત ફિલ્મ "દિકરી લાગણીનો છોડ" ખૂબ હ્દયસ્પર્શી બનાવવામાં અાવી છે એની અાછેરી ઝલક વિડિયો દ્વારા દર્શાવવામાં અાવી. થેલેસિમિયા અંગે આંતરરાષ્ટ્રીય જાગૃતિ કેળવવા માટે તમામ લોહાણા મહાજનોને પહોંચાડવા LMP અને LCUK સંમત થયા હતા. અધિવેશનમાં ડેલીગેટ્સ દ્વારા અપાયેલું ભંડોળ અને ઈવેન્ટનો સંપૂર્ણ નફો પણ ભારતમાં થેલેસેમિક કિડ્સના પ્રોજેક્ટને LCUK દ્વારા દાનમાં અપાયો હતો.
અા ત્રણેય દિવસના ગ્લોબલ લોહાણા કન્વેન્શનના સાક્ષી રહેલા "ગુજરાત સમાચાર" અને Asian Voiceના તંત્રીશ્રી સી.બી. પટેલને યુ.કે.ના લોહાણા અગ્રણીઅોએ "અોનરરી લોહાણા" તરીકે સ્વીકાર્યા છે. સી.બી.એ પોતાનો પ્રતિભાવ અાપતાં જણાવ્યું કે, “લોહાણા મારા માટે મોસાળ જેવું છે. હું સતત ત્રણ દિવસ અહીં રહ્યો. અા મહાપરિષદના બેનર પર "સંનિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિધ્ધિ" મુદ્રાલેખ લોહાણાઅોના હૈયે અંકિત થયલો જોઇ શકાય છે. સત્કાર, સત્કર્મ અને સેવામાં લોહાણાઅોને દાદ દેવી પડે.
તમે અહીં વતનમાં મિલકતો, OCIતેમજ મહિલાઅો, યુવાનોના પ્રશ્નો, લગ્નસંબંધ વિષયક પ્રશ્નો ઉપરાંત અારોગ્ય, શિક્ષણ ઇત્યાદિની રસપ્રદ ચર્ચાઅો કરી એ અંગે સર્વાનુમતે ઠરાવો પસાર કર્યા. તમે ખરેખર સમાજની careકરો છો. ૧૯૮૪માં થેલેસિમિયા માટે સેમિનાર યોજાયો ત્યારે લોર્ડ પોપટે બહુ મદદ કરી હતી. યુ.કે.માં અા ઐતિહાસિક લોહાણા મહાપરિષદ વ્યવસ્થિત અાયોજન સાથે સફળતાપૂર્વક યોજાઇ એ બદલ LCUKના પ્રમુખ શ્રી હેમુભાઇને ધન્યવાદ પાઠવ્યા. બ્રિટનમાં હિન્દુઅોની અોળખ ઉભી કરવા પાછળ લોર્ડ ડોલર પોપટે ખૂબ સહકાર અાપ્યો છે. કન્ઝર્વેટીવપક્ષે પહેલો હિન્દુ ગુજરાતી લોર્ડ બનવાનો યશ લોર્ડ પોપટેને જાય છે.”
અધિવેશનનું સમાપન સત્ર
ત્રીજા દિવસની બપોર પછી ધ ગ્લોબલ કન્વેન્શનનું સમાપન કરાયું હતું. ડેલીગેટ્સને તેમના ફીડબેક આપવા જણાવાયું હતું તેમજ અધિવેશમાં મળેવાં પ્રતિભાવોની ચર્ચા થઈ હતી. વિવિધ લોહાણા કોમ્યુનિટીના વર્કર્સ, અગ્રણી લોહાણા બિઝનેસમેન અને સફળ લોહાણા પ્રોફેશનલ્સને તેમની હાંસલ સિદ્ધિઓ અને લોહાણા કોમ્યુનિટીની સેવાની કદરરુપે કાઠિયાવાડી પાઘડી પહેરાવી એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, અધિવેશનના તમામ વોલન્ટીઅર્સને સ્મૃતિચિહ્નો એનાયત કરાયા હતા.
તમામ ડેલીગેટ્સ અને વોલન્ટીઅર્સે ફાળવેલા અમૂલ્ય સમય અને પ્રયાસો બદલ શ્રી લોહાણા મહાપરિષદ અને લોહાણા કોમ્યુિનટી-યુ.કેના પ્રમુખોએ તેમનો આભાર માન્યો હતો. અા મહાપરિષદમાં ભાગ લેવા દેશવિદેશથી લોહાણા સંસ્થાઅોના પ્રતિનિધિઅો અાવ્યા હતા. જેમાં યુગાન્ડા-કંપાલાથી યુવાન બીઝનેસમેન શ્રી સંજયભાઇ ઠક્કર, કેન્યા-કિસુમુ અને સરોટીથી શ્રી સંજયભાઇ ચંદારાણા, દુબઇથી શ્રેષ્ઠી શ્રી કાન્તિભાઇ ઠક્કર (જેઅોએ અાવતા વર્ષે દુબઇમાં મહાપરિષદ યોજવા યોગેશભાઇને અામંત્રણ પાઠવ્યું હતું.) સોનુ માણેક લોસએન્જલસથી, મહેશભાઇ પૂજારા મુંબઇથી, કચ્છ ગુજરાતથી મનસુખભાઇ કોડરાણી, અમદાવાદથી શ્રી દીપકભાઇ સહિત યુ.કેભરમાંથી લોહાણા પ્રતિનિધિઅો પરિષદમાં ભાગ લેવા અાવ્યા હતા. યોગેશભાઈ લાખાણીએ ભારતમાં LMP માટે અદભૂત પ્રયાસો કરવા બદલ LMPના કન્વીનર હિમાંશુભાઈ ઠક્કરનો વિશેષ આભાર માન્યો હતો. સાથે સાથે લેસ્ટર લોહાણા મહાજન અને નીતિબેન ઘીવાલા સેન્ટરનો પણ સહ્દય અાભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સમાપન કરતા જણાવ્યું હતું કે સામાજિક જાગરુકતા આ યુગની તેજસ્વી નિશાની છે અને કોમ્યુનિટી પ્રત્યે ફરજ બજાવવા દરમિયાન દરેકે તટસ્થ રહેવું જોઈએ. આ માટે સમર્પિતતા, વિશાળ યથાર્થદર્શન અને વ્યાપક દૃષ્ટિની આવશ્યકતા રહે છે. અધિવેશનમાં ઉપસ્થિત તમામ સભ્યોના મનમાં એકતા, સંપ અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવનાના સર્જન કરી શકાયું હોવાથી આપણે આ અધિવેશનને સફળ ગણાવી શકીએ છીએ.
સાતમા ગ્લોબલ લોહાણા કન્વેન્શનને સત્તાવારપણે સમાપ્ત જાહેર કરવા LCUKના માનદ સેક્રેટરી જનરલ અને જોઈન્ટ માસ્ટર ઓફ સેરેમનીઝ શ્રી સુનીલભાઈ મજિઠિયા દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ગ્લોબલ કન્વેન્શન માસ્ટર ઓફ સેરેમનીઝ શ્રી અજય જોબનપુત્રાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.
૨૦૧૫ ગ્લોબલ કન્વેન્શન માટે ૬૮ પાનાનું માહિતીપ્રદ સોવિનિયર મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે માટે યુકેના વડા પ્રધાન ડેવિડ કેમરન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, હેરોના લોર્ડ ડોલર પોપટ, ગુજરાતના મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલ તરફથી લેખિત શુભેચ્છા સંદેશા પ્રાપ્ત થયાં હતાં. કાર્યક્રમના મુખ્ય મહેમાન લોર્ડ ડોલર પોપટ શ્રીમતી લેડી સંધ્યાબહેન પોપટ સાથે ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં ધામેચા ગ્રૂપના શ્રી પ્રદીપભાઈ ધામેચા, પિયુષભાઇ ચોટાઇ અને અમદાવાદના ઈસ્કોન ગ્રૂપના શ્રી પ્રવીણભાઈ કોટક અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. અધિવેશનમાં ઉપસ્થિત અન્ય માનવંતા મહાનુભાવોમાં લેસ્ટરના પ્રોફેસર સર નીલેશભાઈ સામાણી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી કિથ વાઝ, લેસ્ટરના ડેપ્યુટી મેયર શ્રીમતી સૂદ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી શ્રી સી.બી. પટેલનો સમાવેશ થતો હતો.
LCUKના પ્રેસિડેન્ટ શ્રી હેમુભાઈ ચંદારાણા, LMPના પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ લાખાણી અને લેસ્ટર લોહાણા મહાજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચેતનભાઈ અમલાણીના હસ્તે માનવંતા મહેમાનો અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં સ્વાગત અને ઉદ્ઘાટનની ઔપચારિકતા પછી પ્રથમ દિવસની સવારે સુધારાત્મક અને પ્રેરણાદાયી સંબોધનો કરાયાં હતાં, જેના ચાવીરૂપ મુદ્દાઓ નીચે મુજબના હતાઃ
LMPદ્વારા હાથ ધરાયેલી નોંધપાત્ર પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ
LMPએ ગત થોડાં વર્ષોમાં વિવિધ પ્રોજેક્ટ્સ અને કોમ્યુનિટીમાં સમગ્રતયા સંવાદ જાળવવામાં સહાયરૂપ પ્રવૃત્તિઓ તથા ભારત અને વિશ્વમાં ઘણા પ્રાદેશિક મહાજનો સાથે કોમ્યુનિકેશન સુધારવાની ઘણી વર્તમાન પ્રવૃત્તિઓ હાથ ધરી છે. કોમ્યુનિટી માટે ગૌરવ વધે, કોમ્યુનિટીના સાથી સભ્યોની સિદ્ધિઓની કદર તેમજ કોમ્યુનિટીમાં જરૂરિયાતમંદોને સહાય, પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ માટે મુખ્ય પરિબળો બની રહ્યાં છેઃ
• કોમ્યુિનટીના ગૌરવને અર્થબદ્ધ કરવા "રઘુવંશી ધ્વજવંદન ગીત”ને સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે. આ હેતુસર કોમ્યુનિટી માટે વિશેષ ધ્વજ ડિઝાઈન કરી તૈયાર કરવામાં આવ્યો છે.
• સમગ્ર વિશ્વમાં કોમ્યુનિટીની બ્રાન્ડ પ્રસ્થાપિત કરવા રંગીન માસિક સામયિક શ્રી રઘુકૂળ વિશ્વ પ્રસિદ્ધ કરાય છે.
• LMP ની વેબસાઈટ (www.LohanaMahaparishad.com) સુધારવામાં આવી છે અને કોમ્યુનિટીના તમામ સમાચાર અને નોંધપાત્ર કાર્યક્રમોથી નિયમિત અપડેટ કરવામાં આવે છે.
• યોગ્ય વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા સ્વર્ગસ્થ રોનક પ્રતાપભાઈ દત્તાણી એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના.
• આર્થિક દૃષ્ટિએ જરુરિયાતમંદ/ શારીરિક અક્ષમને નાણાકીય મદદ કરવા અને સમાજને વધુ સ્વસ્થ બનાવવા સ્વર્ગસ્થ શ્રી તલકશીભાઈ દલછારામ કોટક મેડિકલ ફાઉન્ડેશનની સ્થાપના.
• કોમ્યુનિટીમાંથી થેલેસેમિયા મેજરને નાબૂદ કરવાનું અભિયાન. LMP દ્વારા સ્પોન્સર કાર્યક્રમમાં હજારો લોહાણા યુવાનોએ આ હેતુસર પરીક્ષણોમાં સામેલ થયાં હતાં. આ મુદ્દે ફિલ્મના નિર્માણથી સમગ્ર ભારત અને વિશ્વમાં વ્યાપકપણે જાગૃતિ ઉભી થઈ છે.
• ૨૩ વર્ષના લાંબા સમયગાળા પછી જાન્યુઆરી ૨૦૧૩માં અમદાવાદમાં છઠ્ઠા ગ્લોબલ લોહાણા કન્વેન્શનની ભવ્ય ઉજવણી.
• વર્ષ ૨૦૧૨ને ડાયમન્ડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવાયું હતું હતું અને આ નિમિત્તે લોહાણા હિસ્ટરી (લોહાણાનો ઈતિહાસ) વિશે છ ગ્રંથનો સમૂહ પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં આશરે ૨૦૦૦ વર્ષમાં લોહાણા મહાનુભાવોની વિસ્તૃત વિગતો આવરી લેવાઈ હતી.
૨૭ એપ્રિલે લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા સાઉથ હેરોસ્થિત ભવ્ય ધામેચા લોહાણા સેન્ટરમાં "નેટવર્કંિગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોહાણા કોમ્યુિનટી નોર્થ લંડનના પ્રમુખ અને અગ્રણીઅોએ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી યોગેશભાઇ લાખાણી અને LCUKના પ્રમુખ શ્રી હેમુભાઇ ચંદારાણાનું સ્મૃિતભેટ અાપી સન્માન કર્યું હતું. શ્રી લોહાણા મહાપરિષદ તરફથી લોહાણા કોમ્યુિનટી નોર્થ લંડનને સૌથી અદ્યતન મોટા સેન્ટર તરીકે સન્માનિત કર્યા હતા.