લેસ્ટરમાં સાઈ બાબા અને શક્તિમાતા મંદિરના નિર્માણમાં ઉદાર યોગદાનની અપેક્ષા

હિન્દુઓ તરીકે આપણી જવાબદારી છે કે લોકોની આસ્થા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દરેક ગામ-શહેરમાં સનાતન હિન્દુ મંદિર હોવું જરૂરી છે

Tuesday 13th June 2023 02:31 EDT
 
 

લેસ્ટરમાં બેલગ્રેવ ખાતે શક્તિમાતા મંદિરમાં સાઈ બાબાના મંદિરનું નિર્માણ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. એમરશામના ટ્રસ્ટી શ્રી રાજ કામેલાના જણાવ્યા અનુસાર સાઈ બાબાના મંદિરના નિર્માણના શુભ આશય સાથે 2009માં ‘SHITAL’ (શિરડીસાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન) ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. ઈલિંગ રોડ-વેમ્બલીમાં સૌપ્રથમ મંદિરનો આરંભ 2010માં કરાયો હતો. આ પછી, 2013માં લેસ્ટરમાં સાઈ બાબાનું મંદિર શરૂ કરવામાં આવ્યુ હતું તેમજ 2017માં મિલ્ટન કિન્સ ખાતે મંદિરનિર્માણ માટે જમીન સિક્યોર કરવામાં આવી છે.

મિલ્ટન કિન્સ મંદિર માટે પ્લાનિંગ પ્રોસેસ ચાલી રહી છે અને 2023ના જુલાઈ મહિનામાં પ્લાનિંગ કમિટી દ્વારા તેની પરમિશન મળી જવાની આશા અને અપેક્ષા છે. અગાઉ, 2021ના ડિસેમ્બરમાં પ્લાનિંગ ઓફિસરની ભલામણ હોવાં છતાં, માત્ર એક સભ્યનો વોટ ઓછો મળવાથી પરમિશન મળી શકી ન હતી. તે સમયે કાઉન્સિલની કમિટીમાં કન્ઝર્વેટિવ્ઝની બહુમતી હતી જેમણે પર્યાવરણ સહિતના મુદ્દાઓ સંદર્ભે પરમિશન આપવા સામે વિરોધ કર્યો હતો. આ વર્ષે લેબર પાર્ટીના સભ્યો વધારે ચૂંટાયા છે અને પ્લાનિંગ ઓફિસરની ભલામણ પણ હોવાથી પરમિશન મળવાની વધુ આશા છે.

રાજ કામેલાએ જણાવ્યું હતું કે લેસ્ટરમાં સાઈ બાબાનું વર્તમાન મંદિર કટલીક સમસ્યાઓ અનુભવી રહ્યું છ. આ લીઝ્ડ પ્રોપર્ટી છે જેની ખરીદી વખતે કાર પાર્કિંગની વ્યવસ્થા હતી પરંતુ, હવે પ્રોપર્ટીના માલિકે પાર્કિંગના સ્થળે અન્ય બાંધકામ કરી દેવાથી આ સવલત બંધ થઈ છે. આના કારણે, ભક્તજનોને અહીં આવવામાં મુશ્કેલી નડી રહી છે. પ્રોપર્ટી લિસ્ટેડ અને હેરિટેજમાં આવતી હોવાથી ત્યાં વધુ સવલતો ઉભી કરી શકાય તેમ નથી. આથી, નવી પ્રોપર્ટીની શોધ 2017થી જ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ, ભાવ વધારે હોવાથી ઘણી સારી પ્રોપર્ટી પણ મળી શકે તેમ નથી.

આ સમયે યુકેમાં 48 વર્ષથી કાર્યરત શક્તિમાતા મંદિરના વેચાણની વાત આવી હતી. લેસ્ટરના બેલગ્રેવમાં આવેલા અને યુકેમાં બીજા ક્રમના મંદિરની પ્રોપર્ટી ખરીદવા 378 એપ્લિકેશન્સ આવી હતી. જોકે, તેના ટ્રસ્ટીઓ-માલિકો સાથે વાટાઘાટો થવાથી તેઓ સાઈ બાબાના મંદિરના નિર્માણ માટે શક્તિમાતા મંદિર વેચાણ આપવા તૈયાર થયા છે. સાઈ બાબા ઓર્ગેનાઈઝેશનની મુખ્ય ઓફર એ હતી કે આ મંદિર આપણી સંસ્થાને અપાશે તો વર્તમાન શક્તિમાતા મંદિરમાં પૂજાપાઠ, આરતી સહિતના કાર્યો યથાવત રહેશે અને સાથે સાઈ બાબાના મંદિરનું પણ નિર્માણ કરાશે.

શક્તિમાતા મંદિર 4.8 એકરની વિશાળ જગ્યામાં છે જેમાં, લાંબા હોલના બે ભાગ પાડી માતાજી અને બાબાજીના, એમ બે નવા મંદિરની યોજના છે. આ ઉપરાંત, કોમ્યુનિટી હોલ, વૃદ્ધોના કલ્યાણ માટે દોસ્તી ક્લબ બાંધવાની પણ યોજના છે. ભવિષ્યમાં આ સ્થળે બાળકોને નૃત્ય, આર્ટ્સ સહિતના શિક્ષણ અને તાલીમ તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે ટેકનોલોજી અને તેમને નોકરીઓમાં સીનિયર પોઝિશન્સ મેળવી શકે તેવી તાલીમ આપી શકાય તેવી સોશિયલ સર્વિસીસની સવલતો પણ ઉભી કરવાનો વિચાર છે.

રાજભાઈએ જણાવ્યું હતું કે શક્તિમાતા મંદિરની પ્રોપર્ટી ખરીદવાની કિંમત 1.35 મિલિયન પાઉન્ડ છે જ્યારે હાલ પૂરતી સવલતો સહિતના પ્રોજેક્ટ પાછળ કુલ 1.53 મિલિયન ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ ઓર્ગેનાઈઝેશનના બજેટની બહાર છે તેવા સંજોગોમાં આપણા હિન્દુધર્મીઓ ઉદાર હાથે ફાળો આપે તેવી અમારી આશા અને અપેક્ષા છે. મંદિરના નિર્માણમાં સહુ ધર્મપ્રેમી લોકો યોગદાન આપી શકે તે માટે ‘ઈંટદાન – DONATE A BRICK’ની યોજના પણ છે જેના પાંચ પ્રકાર રખાયા છે. સૌપહેલા અનામી દાતા માટે 101 પાઉન્ડના મૂલ્યની રેડ ઈંટ છે જેના માટે માત્ર 4,001 ઈંટ પ્રાપ્ય છે. બીજી 251 પાઉન્ડના મૂલ્યની બ્રોન્ઝ ઈંટ છે જેની પ્રાપ્યતા માત્ર 3001 ઈંટની છે. 1,001 પાઉન્ડના મૂલ્યની સિલ્વર ઈંટ (પ્રાપ્યતા માત્ર 151 ઈંટ), 10,001 પાઉન્ડના મૂલ્યની ગોલ્ડ ઈંટ (પ્રાપ્યતા માત્ર 51 ઈંટ), 100,001 પાઉન્ડના મૂલ્યની પ્લેટિનમ ઈંટ (પ્રાપ્યતા માત્ર 2 ઈંટ) છે. આ ઉપરાંત, ભૂમિના પ્રતિ સ્ક્વેર ફીટ 501 પાઉન્ડનું યોગદાન પણ આપી શકાય છે. આ માટે 8,172 સ્ક્વેર ફીટ ભૂમિની જગ્યા ખાલી છે.

સંસ્થા મોર્ગેજ સહિતના અન્ય વિકલ્પો પણ ચકાસી રહી છે પરંતુ, મોર્ગેજ મેળવવા માટ પણ 35 ટકા ફંડ આવશ્યક હોય છે જે આપણી પાસે 10થી 12 ટકા જેટલું જ છે. આ શક્તિમાતા મંદિર હિન્દુ મંદિર છે અને આપણે તે ગુમાવવું ન જોઈએ. આ સ્થળ ગુજરાતી, તામિલિયન સહિત એશિયન હિન્દુ કોમ્યુનિટીની મધ્ય- ગોલ્ડન માઈલની અંદર આવેલું હોવાથી હિન્દુ ભાવિકો તેનો સરળતાથી લાભ લઈ શકે તેમ છે. હિન્દુઓ તરીકે આપણી જવાબદારી છે કે દરેક ગામ-શહેરમાં સનાતન હિન્દુ મંદિર હોવું જરૂરી છે જેથી લોકોની આસ્થા અને ભારતીય સંસ્કૃતિ જળવાય. આપણે સંપ રાખીશું તો આ શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter