લેસ્ટરઃ રામભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ઊજવણી આઠ દિવસના ઉત્સવ પછી લેસ્ટરના શ્રી હનુમાન ટેમ્પલમાં કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તો સામેલ થયા હતા. રુશિ ફિલ્ડ્સ નજીક મેલ્ટન રોડ પર આવેલા હનુમાનજીના મંદિરમાં કરાયેલી ઊજવણીમાં સમગ્ર વિસ્તારમાંથી આવેલા ભક્તોની સાથે મહાનુભાવો પણ સામેલ થયા હતા. શ્રી હનુમાનજીની મૂર્તિ સમક્ષ દિવસભર નિયમિત ભજનો અને પાઠ કરાવા સાથે પ્રસાદ ધરાવાયો હતો અને તેનું વિતરણ ભક્તોને કરાયું હતું.
શ્રી હનુમાન ટેમ્પલના સેક્રેટરી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘ઊજવણીઓના ઉત્સવનું સમાપન શનિવારે શ્રી હનુમાનજીના જન્મોત્સવ સાથે થયું હતું જ્યારે અમે અમારા મંદિરમાં વિક્રમી સંખ્યામાં ભક્તોને આવકાર્યા હતા. જન્મોત્સવની ઊજવણીના ભાગરૂપે પરંપરાગત ભારતીય મીઠાઈઓના અન્નકૂટનું અદ્ભૂત પ્રદર્શન સહિત વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિક્રમી સંખ્યામાંમ ભક્તો પ્રભુની પ્રાર્થના કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા રાહ જોઈ રહ્યા હતા. શ્રી હનુમાનજીના અવિરત સમર્પણ, શક્તિ અને દયાભાવ પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા હજારો લોકોએ પ્રાર્થનાઓ, ભજનો અને કોમ્યુનિટી માટે ખાસ પ્રસંગ બની રહેલી આનંદસભર ઊજવણીઓમાં ભાગ લીધો હતો.’
લેસ્ટરની ચેરિટી દ્વારા 2007માં લેસ્ટરમાં અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું પરંતુ, ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2016માં કરાઈ હતી. પાંચ વર્ષ પછી ટ્રસ્ટ્રીઓએ મેલ્ટન રોડ પર પૂર્વ પોલીસ સ્ટેશન ખરીદી તેને કોમ્યુનિટીની જરૂરિયાતો પૂર્ણ કરવા નવી સજાવટ સાથે 2021માં મંદિરની સ્થાપના સાથે ખુલ્લું મૂક્યું હતું.