"બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજવાલા…" ના સૂરોએ અઢાર મહિનાના લોકડાઉન /બંદીવાસની બેડીઓ તોડી. આંગણે ઉમંગનો અવસર આવ્યો. નવનાતીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મેગા મેળાનું આયોજન કરી શાનદાર રીતે ઉજવ્યો. ૨૨ ઓગષ્ટ, રવિવારના રોજ યોજાયેલ મેળામાં સૂરજદેવની મહેર પણ ઉતરી. આ મેળો ૧૫૦૦ જેટલા ભાઇ-બહેનો-ભૂલકાંઓએ મન ભરી માણ્યો. વિવિધ સ્ટોલ્સ, કીડ્સ ઝોન, બોલીવુડ સંગીત, રાસ-ગરબા વગેરે જાતજાતના મનોરંજને સૌ ઉપસ્થિતોના મન બહેલાવ્યા. બાળકોને સમાજના પ્રેસિડેન્ટ દિલિપભાઇ મીઠાણી તરફથી રમકડાં અને ગેમ્સની ભેટ મળી. મટકી તોડથી સ્વાદિષ્ટ પ્રસાદની સુધીની મીઠાશ દિવસભર માણી સૌ વિખરાયાં.