લંડનઃ લોહાણા સમાજ દ્વારા યુગાન્ડા પછી ગુજરાતના ગાંધીનગરમાં 18થી 24 જાન્યુઆરી દરમિયાન લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) 2024નું આયોજન કરાનાર છે. આ બિઝનેસ પ્રદર્શન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.
લોહાણા કોમ્યુનિટીના સભ્યો તેમના વેપાર, ઉત્પાદનો અને સેવાઓનો યોગ્ય પ્રચાર કરી શકે તે માટે શ્રી લોહાણા મહા પરિષદ દ્વારા LIBFની રચના કરવામાં આવી હતી. આ મુજબ પ્રથમ ગ્લોબલ એક્ઝિબિશનનું સફળ આયોજન માર્ચ 2023માં આફ્રિકાના યુગાન્ડામાં કરાયું હતું, જેમાં 22 દેશમાં રહેતા લોહાણા કોમ્યુનિટીના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, અન્ય કોમ્યુનિટીઓના સભ્યોને પણ સારી તકનો લાભ મળ્યો હતો.
શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘બીજું LIBF ગુજરાતના સૌથી વિશાળ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરસ્થિત હેલિપેટપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે યોજાશે. અમે લોહાણા સમુદાયના તમામ લોકોને સાંકળવા માગીએ છીએ. આ આયોજન પહેલા અમે જામનગરમાં એક બેઠક યોજી હતી જેના મારફત અમે આ બિઝનેસ પ્રદર્શન બાબતે લોહાણા સમાજના દરેક સભ્યને માહિતી પાઠવી હતી.
ગાંધીનગર ખાતે આયોજિત પ્રદર્શનમાં પાંચ ડોમ્સનો ઉપયોગ કરાશે જેમાં વિવિધ પ્રકારના વેપાર, પ્રોડક્ટ્સ અને સર્વિસીસ તેમજ સ્ટાર્ટ- અપ્સ માટે 700થી વધુ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાંથી લોહાણા સમુદાયના સભ્યો આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી ધારણા છે. આ પ્રદર્શનનો હેતુ આપણા જ્ઞાતિસમુદાયના લોકોને તેમના વેપાર, પ્રોડક્ટ્સ અને સર્વિસીસ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પુરું પાડવાનો છે.
સતીશભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું કે,‘અમારું ધ્યેય યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડવાનું અને સમાજના એન્ટ્રેપ્રીન્યોર્સને પ્રોત્સાહિત કરવા સાથે રોજગારી સર્જવાનું છે. LIBF Expo 2024 દ્વારા પાર્ટિસિપેન્ટ્સને તેમના ઉત્પાદનો અને સેવાઓની વૈવિધ્યપૂર્ણ રેન્જ ઈન્ટરનેશનલ ઓડિયન્સ સમક્ષ રજૂ કરવા વિશિષ્ટ પ્લેટફોર્મ ઓફર કરવામાં આવશે. આ માત્ર શોકેસિંગ કરતા પણ વધુ તક છે. સંભવિત પાર્ટનર્સ સાથે મેળમિલાપ કરો, ઊંડાણપૂર્વકના સેમિનારોમાં ઉપસ્થિત રહો તેમજ ઈન્ડસ્ટ્રીઝના માંધાતાઓ અને સરકારના પ્રતિનિધિઓ સાથે ઘનિષ્ઠતા સાધો.’
તેમણે ઉમેર્યું હતું કે,‘આપણા ઓડિયન્સમાં વૈશ્વિક વેપારમાર્ગો અને સઘન નેટવર્કિંગની તલાશ કરતા બિઝનેસ પ્રોફેશનલ્સ, ઈન્ડસ્ટ્રીના અગ્રેસરો, સરકતારી અધિકારીઓ, એકેડેમિક સ્કોલર્સ, નવતર વિચાર ધરાવનારાઓ અને સ્ટાર્ટ અપ્સનું વિશિષ્ટ સંમિશ્રણ હશે.’