વડતાલ મંદિરે ગણેશ પૂજન અને સ્થાપન

Wednesday 11th September 2024 05:58 EDT
 
 

વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે. શનિવારે વડતાલ પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ગણપતિદાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી. સાથે સાથે જ મંદિર પરિસરમાં પણ વિઘ્નહર્તાનું આન-બાન અને શાન સાથે સ્થાપન કરાયું હતું. આચાર્ય મહારાજે પૂજન વિધિ કરી દાદાની આરતી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, 93મી રવિસભામાં સંસ્થાએ 200 ઇકો ફ્રેન્ડલી - ગોમયમાંથી બનાવેલી ગણેશ પ્રતિમાઓ અર્પણ કરી હતી.
મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં ભાદરવા સુદ ચતુર્થીએ શ્રી ગણપતિદાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં ગજાનન ગણપતિનું સ્થાપન થતું આવ્યું છે. શ્રીજી મહારાજના સમયથી આ પરંપરા ચાલે છે. શ્રીજી મહારાજે વિષ્ણુ, શિવ, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એમ પાંચ દેવોની પૂજનઅર્ચના કરવા અનુયાયીઓને આજ્ઞા કરી છે. ગણપતિ પૂજન સમયે કોઠારી સ્વામી, બ્રહ્મચારી પ્રભાનંદજી, વલ્લભસ્વામી, સૂર્યપ્રકાશ દાસજી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું પાર્ષદ ઘનશ્યામ ભગત તથા રાહુલ ભગતે પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter