વડતાલધામ: સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા ઉત્સવ દરમિયાન અંદાજે 30 લાખથી વધારે ભકતજનો આ સમૈયાના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની નવ દિવસ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સાતમી નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં દૈનિક દોઢ લાખથી વધુ હરિભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂર્ણાહુતિ પ્રસંગે પ.પૂ. આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ અન્ય સાધુ, સંતો અને યજમાનો હાજર રહ્યા હતા.
મહોત્સવના સમાપન દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખાસ હાજરી આપી હતી. તેમની સાથે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, હસમુખભાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ મહોત્સવ દરમિયાન વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે તો, મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય ગૃહમંત્રી સહિતના અગ્રણીઓ સહભાગી થયા હતા. શુક્રવારે પૂનમના રોજ છેલ્લા દિવસે પણ હરિભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. મહોત્સવમાં સાંસ્કૃતિક પ્રદર્શન સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
આ પહેલા સભામંડપમાં કિર્તન-ભક્તિ વેદમંત્રો ઉચ્ચારણ, કથા અને વ્યાખ્યાન યોજાયું હતું. જે બાદ ઉપસ્થિત રહેલા સત્સંગી યજમાન અને સાધુ, સંતોએ પ્રવચન કરી આ મહોત્સવની પૂર્ણાહૂતિ કરી હતી. સાંજે મંદિર પરિસરમાં ભક્તિમાતાનો જન્મોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. તો સભામંડપમાં સ્વયંસેવકોનું ખાસ સન્માન કરાયું હતું.
મહત્વનું છે કે, કાર્તિકી સમૈયાના છેલ્લા દિવસે લાખો હરિભક્તો ઉમટ્યા હતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી હરિભક્તો ઉમટી પડ્યા હતા. સહુ કોઇએ કથા, મહાપૂજા, મહાયાગ અને પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
કેસર અભિષેક નિહાળવા માનવમહેરાણ ઉમટ્યો
દ્વિશતાબ્દી મહોત્સવના કેન્દ્રસમા શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજનો કેસર જળથી થતા અભિષેકના દર્શન કરવા ભક્તોનો સમંદર જાણે હિલોળે ચડ્યો હતો. સવારે મંગળા આરતી વખતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ભગવાન શ્રી સ્વામીનારાયણનું સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ નમાવવા દોઢ લાખ હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ સમયે જે દ્રશ્ય સર્જાયા એ અવર્ણનીય, અલૌકિક અને ઐતિહાસિક હતા. મંગળા આરતી બાદ મંદિરના ભૂદેવ ધિરેનભાઈ ભટ્ટે અભિષેક વિધિનો પ્રારંભ કરાવ્યો હતો. મંદિરના દેરામાં યજમાન પરિવારના સભ્યો તથા સંતો બિરાજ્યા હતા. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે આ દિવસ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે... આ દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર નથી પણ સંપ્રદાયના સુવર્ણયુગનું ખાતમહુર્ત છે.
શ્રીહરિને અતિ પ્રિય હતું વડતાલધામઃ સંત સ્વામી
200મા વાર્ષિક પાટોત્સવની માહિતી આપતા મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી હરિને વડતાલધામ ખૂબ પ્રિય હતું જેથી ગામના પાટીદારોની માગણીને લઈને વડતાલમાં નિજ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો જે મંદિરનું બાંધકામ કરવાનું કામ બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યું હતું. મૂર્તિઓની સ્થાપના કરી ત્યારે શ્રી હરિએ કહ્યું હતું કે કોઈ પણ ભક્ત ચાર ધામની યાત્રા પગપાળા કરે અને જે ફળ મળે તે ફળ માત્ર લક્ષ્મીનારાયણદેવના દર્શન કરવા માત્રથી મળે. કોઈ પણ મનુષ્ય મને કે કમને લક્ષ્મીનારાયણદેવના દર્શન કરશે તો તેના સકામ અને નિષ્કામ મનોરથો શ્રી લક્ષ્મીનારાયણદેવ પૂર્ણ કરશે ઉપરાંત શ્રી હરિએ પોતાના આશ્રિતોને વડતાલમાં પૂનમ ભરવાની આજ્ઞા કરી છે.