પેરિસઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાના હિન્દુ ફેલોશિપના નેતાઓએ 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને BAPS દ્વારા પેરિસમાં નિર્માણાધીન નવા હિન્દુ મંદિરની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. પેરિસના બહુધર્મી અને બહુસાંસ્કૃતિક હાર્દ સમાન એસપ્લેનેડ દેસ રીલિજિયન્સ એટ દેસ કલ્ચર્સ ખાતે નિર્માણાધીન આ મંદિર યુરોપમાં પ્રથમ પરંપરાગત મંદિર બની રહેવા સાથે સંસ્કૃતિ, એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપશે તેના વિશે વડા પ્રધાને જાણ્યું હતું.
વિશ્વના સૌથી મહાન સ્મારકો અને સુંદર ઈમારતો ધરાવતા પેરિસમાં BAPS હિન્દુ મંદિર સાથે ફ્રાન્સ ભારતીય સ્થાપત્ય શૈલીને અપનાવી રહ્યું હોવાનું જાણી વડા પ્રધાન મોદી ખુશ થયા હતા. આ હિન્દુ મંદિર વર્તમાન અને ભાવિ પેઢીઓની સાસ્કૃતિક અને ધાર્મિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરશે તેમજ ઈન્ડો-ફ્રાન્સ કોમ્યુનિટીમાં તમામ ધર્મ અને પશ્ચાદભૂ સાથેના લોકો માટે પ્રેરણા, સેવા અને સંવાદિતાની દીવાદાંડી બની રહેશે તેમ પણ સ્વયંસેવકોએ વડા પ્રધાનને સમજાવ્યું હતું.
વડા પ્રધાન મોદી મંદિરની પ્રોજેક્ટ ટીમ અને આર્કિટે્ક્ટ્સને પણ મળ્યા હતા. મંદિરનિર્માણના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દીપ પટેલે જણાવ્યું હતું કે, ‘ફ્રાન્સ અને ભારત વચ્ચે વધતી મૈત્રીનું પ્રતિનિધિત્વકરવા સાથે બંને દેશના લોકોને અરસપરસ નિકટ લાવનારા આ મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રોજેક્ટ વિશે જાણીને વડા પ્રધાન મોદી ખુશ થયા હતા. BAPSના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજના સ્વપ્નને સાકાર કરવામાં સમર્થન આપવા બદલ બંને દેશના નેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કરે છે.’