નવી દિલ્હી, લંડનઃ યુકેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરિને રાજધાની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનું સૌભાગ્ય સાંપડ્યું હતું. આ મુલાકાત ભારત અને બાકીના વિશ્વ વચ્ચે મજબૂત સંબંધો ઘડવાની ભારતીય ડાયસ્પોરાની પ્રતિબદ્ધતાના પુરાવા સ્વરૂપ હતી.
આ મુલાકાત પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસમાં યોજાઈ હતી જ્યાં વડા પ્રધાન મોદીએ મંગલગિરિ અને તેમના પરિવારનું ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યું હતું. તેમણે ભારતના વધી રહેલા વૈશ્વિક અને ખાસ કરીને યુનાઈટેડ કિંગ્ડમમાં પ્રભાવ, બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો, વેપારી સંબંધો અને સાંસ્કૃતિક વિનિમય વિશે વૈચારિક આપલે કરી હતી. આ ઉપરાંત, આર્થિક અરાજકતા, ભૂરાજકીય તણાવો અને પર્યાવરણીય ચિંતા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. પ્રાચીન ડહાપણ અને આધુનિક ગતિશીલતા સાથે ભારત આશાની દીવાદાંડી સ્વરૂપે ખડું હોવા વિશે બંને સહમત થયા હતા.
મંગલગિરિએ મુલાકાત વિશે જણાવ્યું હતું કે ‘નવા ભારત સંદર્ભે વડા પ્રધાનના ઉત્સાહ તેમજ યુકે અને વિશ્વમાં મોદી સરકારના ઈનિશિયેટિવ્ઝને ભારત અને વિદેશમાં પ્રોત્સાહન આપવામાં ભારતીય ડાયસ્પોરાના કાર્યની કદર ખરેખર પ્રેરણાદાયી પળ હતી.’ વડા પ્રધાન મોદીએ મંગલગિરિના બાળકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમના વારસાને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ બેઠક પછી સ્કોટલેન્ડ અને યુકેની ભારતીય ડાયસ્પોરા ટીમ, બીજેપી ઓવરસીઝ કન્વીનર વિજય ચોથાઈવાલા, વિજય મહેતા, વિજય રૂપાણી અને કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર જી. કિશન રેડ્ડી સહિતના અગ્રણીઓએ સુરેશ મંગલગિરિને અભિનંદન પાઠવ્યા હતા.