વડીલો માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી બહુ જ અગત્યની હોય છે. એકલતા અનુભવતા વડીલો જ્યારે એક-બીજાને મળે અને ચર્ચા કરે તો નવી ઊર્જા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને 2007માં મિલન ગ્રૂપ - વોલિંગ્ટનની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં 10-15 સભ્યો દર બુધવારે સવારના 11થી બપોરના 2 સુધી મળતા હતા. અત્યારે 90 સભ્યો છે, આમાંથી 50થી 60 જેટલા સભ્યો દર બુધવારે ઉત્સાહ સાથે આવે છે.
ધી સેંટર, મિલ્ટન રોડ, વોલિંગટનમાં યોગા, કસરત, ભજન, ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જુદી જુદી રમતગમતની પ્રવૃત્તિઓ પણ થાય છે. શારીરિક સક્રિયતા, હાસ-પરિહાસ અને આનંદની પળો, પરસ્પર મુલાકાત, વિચારોની આપ-લેથી એકલતા અને પીડામાં રાહત મળે છે. આ દરમિયાન ચા-નાસ્તો અને પછી લંચની વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રૂપ દ્વારા નવરાત્રિ સેલિબ્રેશન, કોમ્પ્યુટર ક્લાસીસ, ડાયબિટિક ઇંફોર્મેશન, કેંસર સેમિનાર, યોગા ક્લાસીસનું આયોજન થાય છે. એટલું જ નહીં પર્યટન અને વિવિધ સેમિનારમાં પણ સભ્યો જોડાય છે.
કમ્યુનિટીની સેવા કરવાની ભાવના સાથે શરૂ કરાયેલા આ ગ્રૂપની પ્રગતિમાં સ્વ. કાંતિભાઇ ગણાત્રા, સ્વ. ઘનશ્યામભાઇ, વિનોદભાઇ, કનુભાઇ, કંચનલાલ, મહેંદ્રભાઇ, ભુપેંદ્રભાઇ, સુરેશભાઇ, ભગુભાઇ, વનિતાબેન, મિનાક્ષીબેન, ઉષાબેન, ભારતીબેન, ભાનુબેન, પ્રવીણભાઇ સહિતનો અગત્યનો ફાળો છે.
6 એપ્રિલ - બુધવારે ‘ગુજરાત સમાચાર’ના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા પણ ગ્રૂપના સભ્યોને મળ્યા અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતી વિશે બધાને માહિતગાર કર્યા હતા અને સેવાયજ્ઞ - જ્ઞાનયજ્ઞની સાથે સાથે ભાષાયજ્ઞમાં સક્રિય રીતે જોડાવવા સહુને અનુરોધ કર્યો હતો.