ગુજરાતમાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલી ૯૫૦ બેડની શ્રી ક્રિષ્ણ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી પ્રાઈવેટ ચેરિટેબલ હોસ્પિટલ છે. કોરોના મહામારી દરમિયાન તેને ડેઝિગ્નેટેડ કોવિડ–૧૯ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કરાઈ હતી. આ હોસ્પિટલના વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર (WCCC)માં ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ છે.
આ હોસ્પિટલ યુ.કે સ્થિત ચેરિટેબલ સંસ્થા 'શાન્તા ફાઉન્ડેશન'ની સંપૂર્ણ આર્થિક સહાય સાથે ચાલે છે. તેના સ્થાપકો અગ્રણી એશિયન બિઝનેસમેન અને દાતા વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલે એમનાં સેવાભાવી, પ્રેરણાદાયી પૂજ્ય માતુશ્રી શાન્તાબાના નામે 'શાન્તા ફાઉન્ડેશન'ની સ્થાપના ૪૦ કરતાં વધુ વર્ષ અગાઉ કરી હતી. આ ફાઉન્ડેશન દ્વારા આ બન્ને ભાઇઓએ વાંકાનેરમાં આઇ હોસ્પિટલનું નિર્માણ કરી અસંખ્ય અંધજનોના જીવનમાં અજવાળાં પાથર્યાંં છે, પોલિયો કેમ્પ યોજી અસંખ્ય ગરીબોના જીવનને ઉજાગર કર્યાં છે. પાણી વિના ટળવળતા ગ્રામ્યવિસ્તારોમાં લાયન્સ કલબના માધ્યમ દ્વારા ૨૪ કલાક પાણીની સુવિધા કરી આપી છે. આમ "શાન્તા ફાઉન્ડેશન'ના નેજા હેઠળ વિવિધ પ્રોજેક્ટ દ્વારા નિઃસહાય અને જરૂરતમંદ લોકોને આરોગ્યસેવા, આશ્રય અને શિક્ષણ પૂરું પાડવામાં આ પટેલબંધુઓ અને પરિવાર મદદરૂપ થાય છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. દરેક શહેરોની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. તેથી બીજા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતા ના હતા. સાથે ઓક્સિજનની પણ ખૂબ અછત થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને "શાન્તા ફાઉન્ડેશને" કોરનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂરી તબીબી સાધનો, ઉપકરણો માટે ફંડરેઝિંગની અપીલ કરી હતી. દરેક પેની-પાઇ ખર્ચમાં વપરાતી હોવાથી એમનો સ્વચ્છ વહીવટ જોનારા સૌ કોઇએ એમની અપીલને માન આપીને 'શાન્તા ફાઉન્ડેશન'ને અત્યાર સુધીમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુની રકમનું ડોનેશન મળ્યું છે. વિજયભાઇ અને ભીખુભાઇએ જે ડોનેશન મળે એના જેટલી રકમ પોતે ફાળવશે એવી અપીલ કરી હતી. ‘ગુજરાત સમાચાર'ના મેનજીંગ એડિટર કોકિલા પટેલ સાથે વિજયભાઇએ ફોનમાં વાતચીત કરી માહિતી આપ્યા મુજબ "શાન્તા ફાઉન્ડેશન" "વેમેડ ક્રિટીકલ કેર"માં સારવાર લેનાર કોરોનાગ્રસ્તોની સારવાર માટે પાંચ લાખ પાઉન્ડ સામે એટલી રકમ ઉમેરી કુલ એક મિલિયન (£૧૦,૦૦૦૦૦)નું ડોનેશન કરશે. વિજયભાઇએ ઉદારતા દાખવનાર 'ગુજરાત સમાચાર' અને 'Asian Voice’ના વાંચકોનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો.
ડોનેશન દ્વારા મળેલા નાણાંનો ઉપયોગ કોવિડ દર્દીઓની સારવાર માટેની સુવિધાઓનું એકસ્પાન્શન, વધારાની ઓક્સિજન સ્ટોરેજ ટેંક સાથે સેન્ટ્રલાઈઝ્ડ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ, સાજા થઈ રહેલા દર્દીઓ અને ક્વોરન્ટાઈનની જરૂરિયાતવાળા સ્થિર હાલતના દર્દીઓ માટે કોવિડ કેર ફેસિલીટી ઉભી કરવામાં થશે. કોરોનાની સાથે બ્લેક ફંગસ રોગના કેસોમાં પણ વધારો નોંધાયો હતો. ખાસ કરીને તે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં વધારે જોવા મળ્યો હતો. શ્રી ક્રિષ્ણ હોસ્પિટલમાં બ્લેક ફંગસના દર્દીઓની પણ સારવાર કરવામાં આવે છે.