વસો નાગરિક મંડળ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંચમી નવેમ્બરે ટૂટિંગ બ્રોડવેમાં આવેલા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલમાં સરદાર પટેલ જન્મ જયંતી અને દિવાળી પર્વની ઉજવણી માટે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો અને આમંત્રિત મહાનુભાવો દ્વારા સરદાર પટેલની તસવીરને પુષ્પાંજલિ અર્પિત કરાઇ હતી. સમગ્ર હોલને સરદાર પટેલની તસવીરો અને દિવાળી ડેકોરેશનથી સજાવાયો હતો.
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને વસો નાગરિક મંડળના પ્રમુખ પ્રવીણભાઇ અમીને સહુ મહેમાનોને આવકાર્યા હતા અને સરદાર પટેલને અંજલિ અર્પતા તેમનું જીવનકવન દર્શાવતા પ્રસંગો રજૂ કર્યા હતા.
ભારતથી આવેલા એક મ્યુઝિક ગ્રૂપે કાર્યક્રમના પ્રારંભે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા તો બાદમાં બોલિવૂડ ગીતો રજૂ કરીને દિવાળી ઉજવણીનો માહોલ જમાવ્યો હતો.
કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, છ ગામ નાગરિક મંડળના ચેરમેન તથા ભાદરણ બંધુ સમાજના જયરાજ ભાદરણવાલા, ધર્મજ સોસાયટીના પ્રમુખ મુકુંદભાઇ અને નડિયાદ નાગરિક મંડળના પ્રમુખ જયશ્રીબહેન પટેલ અને સોજિત્રા સમાજના પ્રમુખ ભદ્રેશભાઇ પટેલે સરદાર પટેલનો પોટ્રેટને ફૂલહાર કરીને દીપ પ્રાગટ્ય કર્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કાઉન્સિલર અને લંડન બરો ઓફ વોન્ડસવર્થના ભૂતપૂર્વ લીડર રવિ ગોવિંદિયા - સીબીઇએ સરદાર પટેલને શાનદાર અંજલિ અર્પતા તેમને ભારતના ઘડવૈયા ગણાવ્યા હતા.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ અને ભૂતપૂર્વ હાઇવે એન્જિનિયર તૃપ્તિબહેન પટેલે સરદાર પટેલના ગુજરાતની સરદાર પટેલ યુનિવર્સિટી સાથેના સંબંધ અંગે વાત કરી હતી. તો સાથે સાથે જ તેમણે સ્વૈચ્છિક સંસ્થાઓનું મુખ્ય સંગઠન હિન્દુ ફોરમ ઓફ બ્રિટન કઇ રીતે ધાર્મિક બાબતોમાં સમુદાયની સેવા કરી રહ્યું છે તેની પણ વિગતે વાત કરી હતી.
કાઉન્સિલર પોલ વ્હાઇટે નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને છ ગામ સમાજની તમામ સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર ઓફ કોઓર્ડિનેશનના સેક્રેટરી સંજય કુમારે આમંત્રિતોને દિવાળીની શુભકામનાઓ આપવાની સાથે સાથે જ સરદાર પટેલે સ્વાતંત્ર્ય બાદ કઇ રીતે 562 રજવાડાંઓ સાથે વાટાઘાટ કરીને તેમને ભારતમાં ભેળવ્યા હતા તેની વાત કરી હતી.