અમદાવાદ: સમસ્ત રાજપૂત સમાજના આરાધ્ય દેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામમાં શરૂ કરાયું છે. સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સમાજને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર થઈ રહેલા રાજપૂત સમાજના આ પ્રથમ મંદિરમાં મા ભવાનીની પ્રતિમા સાથે હનુમાનજી તેમજ ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરાશે. લગભગ 32 એકર વિસ્તારમાં તૈયાર થનાર આ મંદિરમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ સંપૂર્ણ મંદિર લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે 8500 ટન મકરાણાના આરસપહાણમાંથી તૈયાર કરાશે. આ ભવાની ધામનું નિર્માણકાર્ય બે વર્ષમાં પૂર્ણ થઇ જશે.
આ વિશે માહિતી આપતા પૂર્વ ગવર્નર અને ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી વજુભાઈ વાળાએ જણાવ્યું કે, લગભગ પાંચ વર્ષ પહેલા સમાજને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે ભવાની ધામ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. સમસ્ત રાજપૂત સમાજ તેની શૌર્ય અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે ભવાની માતાનું સાંનિધ્ય ખુબ જ મહત્વનું બની રહેશે. મા ભવાનીના શરણે સમગ્ર સમાજ એકત્ર થઈ સારા સંસ્કાર મેળવે અને કુરિવાજો તેમજ વ્યસનથી દૂર થાય તે માટે વાળાએ સમાજને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મા ભવાનીના ભવ્ય મંદિરની સાથે મંદિર પરિસરમાં લોક કલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજન શાળા, સંસ્કાર ધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવાશે.
ભવાની ધામના નિર્માણમાં સમાજનો ગરીબ પરિવાર પણ ફાળો આપી શકે તે માટે સમાજ દ્વારા આગામી દિવસોમાં ગામેગામ યાત્રા યોજાશે. જેમાં તમામ રાજપૂતો પોતાની યથાશક્તિ દાન આપી મંદિરમાં પોતે સહભાગી બની શકશે.