૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલું શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી કંડારેલ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનું અર્ચાસ્વરૂપ ધરાવતું મંદિર છે. આ પ્રસંગે શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજી ઉપરાંત અમદાવાદ અને ભૂજથી આશરે ૫૦ સંતો હાજરી આપશે. મહોત્સવ દરમિયાન મેયર ઓફ લંડન સાદિક ખાન, બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડિનર, બ્રેન્ટ સેન્ટ્રલના સાંસદ ડોન બટલર, મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર એઝેઆજુઘ, ભૂતપૂર્વ મેયર કાઉન્સિલર પરવેઝ એહમદ, લીડર ઓફ બ્રેન્ટ કાઉન્સિલ મુહમ્મદ બટ્ટ સહિત ઘણાં મહાનુભાવો પણ પધારશે.
આ મહોત્સવ દરમિયાન ૧૩ જુલાઈને શનિવારે રીજનરેશન પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે. જેમાં ધર્મભક્તિ કેરહોમ, અંડરગ્રાઉન્ડ કાર પાર્ક, નવીનીકરણ થયેલા લગ્ન હોલનો સમાવેશ થાય છે.
વડીલો માટે મંદિર તરફથી એેટેચ્ડ બાથરૂમ અને નાના કીચનની સુવિધાવાળા ૧૯ બેડરૂમના ‘ધર્મભક્તિ કેરહોમ’ નું નિર્માણ કરાયું છે. તેમાં સામૂહિક બેઠક ખંડ, ડાઈનિંગ હોલના નિર્માણ સાથે સવાર અને સાંજનું ભોજન સાપ્તાહિક શારીરિક તપાસ સહિતની વિવિધ સુવિધા બિલકુલ વ્યાજબી ભાડેથી ઉપલબ્ધ થશે.
વધતી ગાડીઓના કારણે મંદિરે આવતા હરિભક્તોને પડતી પાર્કિંગની તકલીફને મહદઅંશે દૂર કરવા માટે બે માળનું ૧૦૦થી પણ વધુ ગાડી પાર્ક કરી શકાય તેવું અંડરગ્રાઉન્ડ કાર પાર્ક બાંધવામાં આવ્યું છે.
મંદિરમાં આધુનિક સગવડો ઉભી કરવાની જરૂર જણાતા તાજેતરમાં લગ્ન હોલનુંનવીનીકરણ કરવામાં આવ્યું છે. ૮૦૦ લોકો સમાઈ શકે તેવો વિશાળ હોલ, ડાઈનિંગ હોલ અને આધુનિક વિશાળ રસોડું લગ્નપ્રસંગે પધારતા મહેમાનોની સુવિધામાં ઉમેરો કરશે. વધુમાં, અદ્યતન લાઈબ્રેરી, સંતો માટે રહેવાના નવા રૂમો, માતાઓ અને શિશુઓ માટે અલાયદો રૂમનો સમાવેશ થાય છે.
આ મહોત્સવમાં ભાગ લેવા ભૂજ, અમદાવાદ, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે મંદિરોથી ટ્રસ્ટીગણ સહિત અનેક હરિભક્તો પધારશે. ભૂજના શ્રી સ્વામીનારાયણ કન્યા છાત્રાલયથી ૨૫ વિદ્યાર્થીનીઓ પધારશે જે ૧૪ જુલાઈને રવિવારે તેમની કલાની પ્રસ્તુતિ કરશે. મંદિરમાં ૧૨ જુલાઈની સાંજે ડો. જગદીશ ત્રિવેદીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તા.૧૩થી તા. ૨૧ દરમિયાન સવારે ભક્ત ચિંતામણી અને સાંજે હનુમાન ચાલીસા નવાહ પારાયણની કથા થશે. મહોત્સવ દરમિયાન સવારે અને સાંજે કથા બાદ પ્રસાદ ભોજનની તથા સૌ મહેમાનો માટે ૩૦૦ કારની વધારાના પાર્કિંગની વ્યવસ્થા છે.
મંદિર દ્વારા વિવિધ ચેરિટી માટે ૧૫૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. મંદિર દ્વારા ગુજરાતી શાળા, યુવાનો માટે એકેડમી અને વચનામૃત ક્લાસીસ પણ ચાલે છે.