બ્રિટનમાં પ્રાકૃતિક સૌંદર્યથી તરબતર સમરની શરૂઆત થાય ત્યાં જ બ્રિટનવાસી લોકહૈયામાં જાણે આનંદે હિલાળે છે. આપના આ લોકપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર તથા Asian Voice" દ્વારા છેલ્લા આઠેક વર્ષથી "આનંદ મેળા"નું આયોજન કરી આહલાદક વાતાવરણ વચ્ચે આબાલવૃધ્ધ સૌ કોઇ એમાં હરખભેર સામેલ થઇ શકે એવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. લંડન અને લંડન બહાર ઘણા સમર મેળા-આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે પણ ગુજરાત સમાચાર તથા Asian Voice દ્વારા યોજાતા આનંદ મેળામાં સૌ સહપરિવાર મોજમસ્તીથી હરીફરી શકે, મનગમતા વેડીંગ અને પાર્ટીવેર પોશાક, સાડીઓ, જ્વેલરી, ઘરસજાવટની ચીજવસ્તુઓ સાથે સાથે વિવિધ જાતનાં અથાણા અને ચટપટા, દુનિયાભરની સહેલગાહ કરાવે એવી ટ્રાવેલ-ટુરીઝમની લેટેસ્ટ ઓફરો સાથે ટ્રાવેલ એજન્ટો, આરોગ્યલક્ષી માર્ગદર્શન આપતા વિવિધ જાતના હેલ્થસ્ટોર્સ સાથે નિષ્ણાત તબીબોની ટીમ આનંદમેળામાં ઉપસ્થિત હતા. આ બધાય સાથે આપને ભાતીગળ મેળાની યાદ અપાવે એવા Koli's Kitchenના ગરમા ગરમ ક્રિસ્પી ભજીયાં, કચોરી, સમોસા સાથે સ્વાદિષ્ટ ભોજન અને આ..હા..હા.. મધમીઠો શેરડીનો રસ અને રસસભર બરફના આઇસ ગોલાની રંગત માણતાં માણતાં સૌને ભારતીય નૃત્યકલા દર્શાવતા ધમાકેદાર સ્ટેજ શો દ્વારા મનોરંજન માણવા મળ્યું.
આનંદ મેળામાં ભાગ લેવા આ વર્ષે સુરત, વડોદરા અને લંડન-લેસ્ટરથી વિવિધ આઇટમો અને સાડી-પોશાક ને ઘરેણાં લઇ ઘણા દુકાનદારો આવ્યા હતા. અમદાવાદ, જયપુર, ચંડીગઢ તથા કોલકત્તાથી નિષ્ણાત તબીબોની ટીમ આવી હતી તેઓએ સ્ટેજ પરથી ભારતના આ શહેરોની હોસ્પિટલોમાં કેવી લેટેસ્ટ ટેકનોલોજીથી ઓપરેશન કરી શકે છે એની સવલતો વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“ગુજરાત સમાચાર અને Asian Voice”યોજિત આનંદ મેળામાં ભારતના વિવિધ પ્રાંતના નિપૂણ કલાકારો હોંશભેર એમની પ્રાદેશિક કલાનું સુંદર પ્રદર્શન કરી સૌને આનંદ કરાવે છે. શનિવારે (૯ જૂને) સવારે ભારતીય પરંપરા મુજબ સ્ટેજ પર દીપ પ્રગટાવી આનંદ મેળાનો શુભારંભ થયો હતો. એ વેળાએ હેરો, બ્રેન્ટ, બાર્નેટ તથા ઇલીંગના કાઉન્સિલરો સહિત હેરો ઇસ્ટના કન્ઝર્વેટીવ MPબોબ બ્લેકમેન, હેરોના મેયર કાઉન્સિલર કરીના મારીકર તેમજ બેંક ઓફ બરોડાના શ્રી ભાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
આપણા આ સાપ્તાહિકો દ્વારા યોજાતા આનંદ મેળામાં દર વર્ષે જુદી જુદી ચેરિટી સંસ્થાઓને સ્પોન્સર કરવામાં આવે છે. આનંદ મેળા દરમિયાન એકત્ર કરાતી પ્રવેશ ફી (ટિકિટ)ની તમામ આવક ચેરિટીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે Help a Poor Child (ગરીબ બાળકોને મદદ કરો) ચેરિટીને સહાયરૂપ બનવા અમે નિમિત્ત બન્યા છીએ.
“ગુજરાત સમાચાર-Asian Voice” યોજિત આનંદ મેળામાં અન્ય મેળાઓની જેમ એકાદ કલાક કોઇ સિરિયલની ટી.વી સ્ટારની ઝલક બતાવી આકર્ષણ જમાવવાની પ્રથા નથી. અમારા આ મેળામાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ સતત સ્ટેજ પર ચાલતા સાંસ્કૃતિક કાર્યક્રમોને હકડેઠઠ્ઠ લોકો હર્ષભેર વધાવી આનંદ માણે છે. યુવાનોમાં ખ્યાતનામ ઇન્ડો બ્રિટીશ ગાયક નવીન કુન્દ્રાને સાંભળવા હેરો લેઝર સેન્ટરનો હોલ ભરચક બની જાય છે.
શનિવારે સવારે દીપ પ્રગટાવી વિધિવત આનંદ મેળાના શ્રીગણેશ મંડાયા કે તરત જ ગુજરાતી કોમેડીયન લલીત મહેતાએ રમૂજી ટૂચકાથી કાર્યક્રમ શરૂ કર્યો હતો. એ દિવસે A K Danceએકેડેમીના નાના ભૂલકાઓએ બોલીવુડ ડાન્સ, રંજીની ભટ્ટાચાર્ય તથા આહનાએ ફિલ્મીગીત પર ડાન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત દક્ષિણાયન કિડ્સના બાળકોએ મધુર કંઠે યાદગાર જૂના ફિલ્મી ગીતો અને બંગાળી નૃત્ય કર્યા હતા. બ્રિટનમાં જન્મેલા ગુજરાતી યુવાન કિશન અમીને મુકેશ અને કિશોર કુમારના લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતાં. રવિવારે પુજા ત્રિવેદીએ બોલીવુડ ફયુઝન ડાન્સ, રાજશ્રી શેઠે નૃત્ય પાયલ બાસુ અને શ્રુતિ શર્માએ ઘૂમ્મર ડાન્સ રજૂ કર્યા હતા. મીરા ડાન્સ એકેડેમીના નાના બાળ કલાકારોએ શાસ્ત્રીય સંગીત સાથે સુંદર નૃત્ય રજૂ કર્યા હતાં. યુવાન ગાયિકા ધ્રુમલ શાહે ફિલ્મી ગીતો સાથે સાથે ગુજરાતી ગરબાની રમઝટ બોલાવતાં હોલમાં સૌ મનમૂકી ગરબે ઘૂમ્યા હતાં. ખ્યાતનામ નવીન કુન્દ્રાએ સતત અડધો કલાક ફિલ્મી ગીતો રજૂ કરતાં યુવાન-યુવતીઓ ડાન્સ સાથે ઝુમી ઉઠ્યાં હતાં.