બર્મિંગહામના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે શનિવારે રંગેચંગે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. બે દિવસની શાનદાર ઉજવણી દરમિયાન ભારતના કોન્સલ જનરલ - બર્મિંગહામ ડો. શશાંક વિક્રમ, બર્મિંગહામના લોર્ડ મેયર - કાઉન્સિલર ચમન લાલ, હિંદુ સ્વયંસેવક સંઘના પ્રમુખ ધીરજભાઈ શાહ, ગુજરાત સમાચાર - એશિયન વોઈસના એડિટર સી.બી. પટેલ સહિત સ્થાનિક અને રાષ્ટ્રીય સંગઠનો અને મંદિરોના મહાનુભાવોની ઉપસ્થિતિથી આ પ્રસંગ ખરા અર્થમાં વિવિધતામાં એકતાના પ્રતીક તરીકે દીપી ઉઠ્યો હતો. આ પ્રસંગે બર્મિંગહામ ઉપરાંત આસપાસના વિસ્તારોના 1,800થી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.
સંકુલના આગળ ભાગનું નવનિર્માણ કરીને તેને સનાતન ધર્મના મંદિરને અનુરૂપ ઓપ આપવા માટે આજથી દસ વર્ષ પહેલા રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ યોજના આજે સાકાર થઇ છે!
શનિવારે સવારે ગણેશજી અને શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની મહાપૂજા સાથે ઉત્સવનો આરંભ થયો હતો. ત્યારબાદ મંદિરના શાસ્ત્રીજી મયુરભાઈ જોષીએ હવન કરાવ્યો હતો, જેમાં 80 યજમાનો જોડાયા હતા. સ્વાદિષ્ટ મહાપ્રસાદ બાદ, ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા કાર્યક્રમો રજૂ થયા હતા. જેમાં ત્રણથી 80 વર્ષની વયના 140 થી વધુ કલાકારોએ 20થી વધુ કૃતિઓ રજૂ કરીને લોકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
આ કાર્યક્રમ ખરા અર્થમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિઓની ઝલક રજૂ કરતો હતો. આમાં કર્ણાટકની કન્નડ ભાષામાં ભરત નાટ્યમ્ રજૂ થયું હતું તો ગુજરાતમાંથી કવિતાઓ - લોકનૃત્યો અને કૃષ્ણ-સુદામા મિલન નાટક રજૂ થયા હતા. આંધ્ર પ્રદેશનું કુચીપુડી નૃત્ય રજૂ થયું હતું તો તેલુગુમાં બથુકામા, નાટુ-નાટુ ડાન્સ અને દેશભક્તિના ગીતો રજૂ થયા હતા. રાજસ્થાનના લોકનૃત્યોએ રંગ જમાવ્યો હતો તો મહારાષ્ટ્રના લાવણી, જોગવા અને પાવડા નૃત્યની પણ લોકોએ મજા માણી હતી. પંજાબના ભાંગડા નૃત્ય અને કચ્છી લોકનૃત્યે પણ દર્શકોના મન મોહ્યા હતા. સૌથી પ્રેરણાદાયી બાબત બાલ ગોકુલમના બાળકો દ્વારા રજૂ થયેલા મંત્રોચ્ચાર અને સૂર્ય નમસ્કાર હતા. બાળકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયના શ્લોકો રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોને ભક્તિ યોગનો અનુભવ કરાવ્યો હતો.
સમગ્ર આયોજન ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, વેશભૂષા અને બોલીઓથી ઓપતું હતું. જે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના હિન્દુ કોમ્યુનિટી સેન્ટરની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ રજૂ કરતું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન રેડિયો પ્રેઝન્ટ અને મિમિક્રી આર્ટિસ્ટ દેવ પરમારે કર્યું હતું.
રવિવારે સવારે, નજીકમાં જ આવેલા ટાયસ્લે લોકોમોટિવ વર્ક્સથી મંદિર સુધી ભક્તિભાવપૂર્ણ અને ધર્મમય વાતાવરણમાં રથયાત્રા યોજાઇ હતી. શ્રદ્ધાળુઓએ ઇસ્કોન-કોવેન્ટ્રીના સંગાથે મંત્રોચ્ચાર અને ભજન-કીર્તનની રમઝટ સાથે મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. મંદિરમાં ભક્તિ - ગૌરવ - ભવ્યતાની ભાવના સાથે ત્રણ શિખર ધ્વજ ઉભા કરાયા હતા અને મંદિરની પ્રદક્ષિણા પૂર્ણ થઈ હતી. સમારંભ બાદ શ્રી પ્રજાપતિ એસોસિએશન-યુકેના પબ્લિક રિલેશન ઓફિસર પીયૂષ મિસ્ત્રીએ આભારવિધિ કરી હતી.
હિન્દુ કોમ્યુનિટી સેન્ટર અને લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ મુકેશભાઈ લાડવાએ સભાજનોને સંબોધતા શિખર પ્રોજેક્ટની રૂપરેખા ઘડાઇ ત્યારથી લઈને આ વર્ષે તેની ફળદાયી પૂર્ણાહુતિ સુધીની 10 વર્ષની સફરની ઝાંખી રજૂ કરી હતી. આ રજૂઆતમાં પ્રોજેક્ટ સાકાર કરવા માટેની મુકેશભાઈ, મંદિર કમિટી તેમજ મુખ્ય કોન્ટ્રાક્ટર વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટ્સ લિમિટેડ, તેના પ્રેરણાદાયી સહ-સ્થાપક શશીભાઈ વેકરિયા, પેટા-કોન્ટ્રાક્ટર્સ, આર્કિટેક્ટ્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ, સાઇટ મેનેજર અને લાઇટીંગ એન્જિનિયર્સની બનેલી પ્રોજેક્ટ ટીમની પ્રતિબદ્ધતા ઝળકતી હતી
આ પ્રસંગે બકિંગહામશાયર સ્થિત રામકૃષ્ણ વેદાંત કેન્દ્રના પ્રભારી મંત્રી સ્વામી સર્વસ્થાનંદજીએ શ્રોતાઓને સંબોધતાં મંદિરોનું મહત્ત્વ સમજાવ્યું હતું અને યુવા પેઢીને આપણા ધર્મને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પછી, મંદિરની કાયાપલટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનવામાં આવ્યા હતા. બાદમાં સામૂહિક ધૂન સાથે કાર્યક્રમનું પૂર્ણાહૂતિ થઇ હતી.
બપોરના ભોજન પછી, ઇસ્કોન કોવેન્ટ્રી દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો અને ભક્તો ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર તેમાં જોડાયા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ધાર્મિક સમિતિ અને મહોત્સવ કો-ઓર્ડિનેટર શ્રી ભગુભાઈ ચુડાસમાના નેતૃત્વમાં 120 થી વધુ સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સેવાભાવી સ્વયંસેવકોએ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવાથી માંડીને બેઠક વ્યવસ્થા, મહાપ્રસાદ, સાફસફાઇ, કારપાર્ક, શટલ બસ સર્વીસ સહિતની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન સમગ્ર આયોજન વિનાવિઘ્ને પાર પાડ્યું હતું.
સૌથી પ્રશંસનીય બાબત તો એ હતી કે બર્મિંગહામ, લ્યુટન, લેમિંગ્ટન સ્પા અને કોવેન્ટ્રીના અનેક મંદિરોએ ‘સંગઠનમેં શક્તિ હૈ’ની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં મંદિર મહોત્સવને સફળ બનાવવા એકસંપ થઇને સંપૂર્ણ સાથસહકાર આપ્યો હતો.