વિશ્વ ઉમિયા ધામમાં ટ્રસ્ટીઓ - દાતાઓ અને કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું

Friday 22nd December 2023 08:14 EST
 
 

અમદાવાદ: અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વ ઉમિયા ધામ મંદિર પરિસરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ દેશવિદેશમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા.
સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ધામના વૈશ્વિક સંગઠનને મજબૂત બનાવવા અને પાટીદાર સહિત તમામ વર્ગના લોકો સુધી સંસ્થાની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો. અમેરિકાથી પધારેલા NRI મિત્રોએ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓને વિદેશોમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.
દાતા સમયસર દાન આપેઃ પ્રમુખની ટકોર
આ પ્રસંગે સંબોધન કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે દાતાઓને પણ માર્મિક ટકોર કરી હતી અને કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચૂકવી દેવી જોઈએ. વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે તેમણે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ
બેઠેલા તમામને સુનિશ્ચિત કરાવ્યું હતું કે દીકરીઓને પરિવારના સભ્યો પૂરતો સમય આપે અને દીકરીઓને ઘરમાં જ લાગણી અને
હુંફ આપો કે જેથી તે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter