વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - CIC UK દ્વારા હાથ ધરાયું બ્રાઇટન બીચ સફાઈ અભિયાન

Wednesday 28th August 2024 06:16 EDT
 
 

સહેલાણીઓમાં આગવી લોકપ્રિયતા ધરાવતા બ્રાઇટન બીચના મનમોહક કિનારા સ્વચ્છતાથી દીપી ઉઠ્યા છે. આ શાનદાર બીચનો નજારો બદલવાનો યશ જાય છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોને. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ 24 ઓગસ્ટે બીચ સફાઈ અભિયાન હાથ ધરીને સહુ કોઇ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને બ્રાઇટનના કિનારાના કુદરતી સૌંદર્યને જાળવી રાખવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમુદાયના લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
સામાજિક અને સમુદાયની કલ્યાણ માટેની નિષ્ઠા માટે જાણીતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - સીઆઇસી - યુકેએ તેના પર્યાવરણીય યોગદાનના હિસ્સારૂપે આ સફાઈ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં 100 થી વધુ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેમાં પરિવારો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયના અગ્રણીઓનો સમાવેશ થાય છે. સહુ કોઇનો ઉદ્દેશ એક જ હતો, બ્રાઇટન બીચને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવો.
સવારના સુમસામ સમયમાં, સ્વયંસેવકોએ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા સાધનો, કચરો એકત્ર કરવા માટેના થેલાં અને અન્ય સ્વચ્છતાના સાધનો સાથે કામ શરૂ કર્યું. તેઓએ બીચની સુંદરતાની જાળવણી માટે પ્લાસ્ટિકની બોટલ્સ, ફેંકાયેલા માછીમારી સાધનો અને અન્ય કચરાની સાફસૂફી કરીને મોટા પ્રમાણમાં કચરો એકત્ર કર્યો હતો, જે સમુદ્રી જીવસૃષ્ટિ માટે નુકસાનકારક બની શકે તેમ હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - સીઆઇસી - યુકેના પ્રવક્તાએ સમુદાયના ઉદાર સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું, ‘આ મહત્ત્વના કાર્યમાં સહુ કોઇનો સહયોગ જોઈને અમને ખૂબ ખુશી થઈ છે. બ્રાઇટન બીચ અમારા સમુદાયનો પ્રેમાળ ભાગ છે અને તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની જવાબદારી અમારી છે એ વાત સહુએ માની છે. જો સ્વયંસેવકો સહિત સહુ કોઇએ અંતઃકરણપૂર્વક યોગદાન ના આપ્યું હોત તો આજની સફળતા શક્ય નહોતી.’ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા બીચ પર આવેલા લોકોને મળીને કચરો ફેંકવાથી થતી પર્યાવરણીય અસર અને ટકાઉ પ્રક્રિયાઓના મહત્ત્વ વિશે જાણકારી આપી હતી. બીચ પર માહિતી કેન્દ્રો પણ બનાવાયા હતા, જેમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઓછો કરવાની અને રિસાયકલ કરવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પેઇન દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દર્શાવ્યું છે કે સમુદાયના સહિયારા પ્રયાસો કેવી રીતે અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકાય છે. આ સ્વચ્છતા અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ સ્વયંસેવકોએ ભવિષ્યમાં પણ બ્રાઇટન બીચની સ્વચ્છતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અન્ય સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું આયોજન થઇ રહ્યું છે, જે અન્ય સમુદાયોને પણ પર્યાવરણના જતનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ અને તેના ભાવિ અભિયાન વિશે વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ vishvumiyafoundation.org અથવા ઇમેઇલ કરોઃ દીપક પટેલ - યુકે કન્વીનર [email protected] અથવા સંપર્ક કરો ફોનઃ +44 7726 777 333.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter