અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠન દ્વારા રાજ્યમાં આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL-3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં કરાયું છે. VPL-3નો શનિવારે સાંજે એક સાથે પાંચ શહેરમાં ભવ્ય શુભારંભ કરાયો હતો, જેમાં 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટ મુકામે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ તથા ઉમિયાધામ-સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર 4800 ખેલાડીઓ ભાગ લેશે. જેના ભાગ રૂપે 320 વધુ ક્રિકેટ ટીમ રમશે અને ફાઈનલ દુબઈમાં રમાડવામાં આવશે.