ગાંધીનગર: વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવા તેમજ અરસપરસના વિચોરોનું આદાન-પ્રદાન થાય તે હેતુસર સ્નેહમિલન યોજાયું હતું. તેમાં 1500થી વધુ પરિવારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાની મૂર્તિ માટે 50 તોલા સોનાની અને 40 કિલો ચાંદીના દાનની જાહેરાત થઇ હતી. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે મહિલાઓએ 5 કરોડનું દાન જાહેર કર્યું હતું.
આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છેવાડાના તેમજ જરૂરિયાતમંદ પરિવારો સુધી સરળતાથી પહોંચી શકે તેવા ઉદ્દેશ સાથે એક નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાઇ હતી. જેનાથી સંસ્થાની અનેક યોજનાઓનો લાભ લઈ શકાશે. આ એપ્લિકેશનમાં વિશ્વ ઉમિયા ધામની વિવિધ પ્રવૃત્તિઓની સાથે અમેરિકા, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં સ્થાપિત હેલ્પલાઇનની માહિતી અને ધામ દ્વારા શરૂ કરાયેલી તમામ યોજનાઓની વિગત સરળતાથી ઉપલબ્ધ છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે મા ઉમિયાના મંદિર નિર્માણમાં મહિલા શક્તિનું આર્થિક યોગદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત શાંતાબેન પ્રહલાદભાઈ પટેલ (કામેશ્વર) દ્વારા માતાજીના મંદિર નિર્માણ માટે રૂ. 1.25 કરોડનું યોગદાન જાહેર કરાયું છે, તેમજ એક અન્ય મહિલા દાતાએ પાતાનું નામ ગુપ્ત રાખવાની શરતે રૂ. 1 કરોડનું દાન મા ઉમિયાના ચરણોમાં અર્પિત કર્યું છે. આ ઉપરાંત અન્ય પાંચ મહિલા દાતાઓએ રૂ. 25 લાખ, રૂ. 11 લાખ યોગદાન જાહેર કર્યું હતું.