લંડનઃ વિશ્વ કાવ્ય દિન અને વિશ્વ જળ દિન નિમિત્તે હાઉસ ઓફ લોર્ડ્સમાં જલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતા અને કળાના સંગમ સ્વરૂપે ભારત અને સાઉથ એશિયાની 20 ભાષાઓમાં ભાષાકીય અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકીઆના યજમાનપદે આ જોશીલા ઈવેન્ટનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા કરાયું હતું. આ સંસ્થા યુકેમાં કળાવારસા અને પરફોર્મિંગ આર્ટ્સની રજૂઆત અને જાળવણીમાં મોખરે રહે છે.
લોર્ડ ધોળકીઆએ પોતાના વક્તવ્યમાં સંસ્કૃતિના વિવિધ પાસાઓની ઉજવણી અને જાળવણીના મહત્ત્વનો પુનરુચ્ચાર કર્યો હતો. સંસ્કૃતિ સેન્ટરના સ્થાપક રાગસુધા વિન્જામુરીએ વિચારનોંધ રજૂ કર્યાં પછી યુવા કળાકારો મીરા, શ્રાવણી, સાઈ સમૃદ્ધિ, સુચેતા અને યોશિતાએ સંસ્કૃત ગીતો પરના નૃત્યની રજૂઆત કરી હતી. બેંગલોર યુનિવર્સિટીમાંથી નૃત્ય વિષયના પોસ્ટ ગ્રેજ્યુએટ મેધાવિનીએ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ વરસાવવાની વિનંતી કરતી રચના અમૃતવર્ષિણી પર નૃત્ય રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં રસપ્રદ અને વિચારપ્રેરક રજૂઆતો કરવામાં આવી હતી જેમાં, ગીતા કોક્સ (આસામી), શ્રેયાશી દેવ રોય (બંગાળી-રવિન્દ્ર નૃત્ય), ઈસરા અબ્દુલ્લા (દિવેહી-માલ્દિવીઅન), યાશા ભાણ (ડોગરી), વિભૂતિ શાહ (ગુજરાતી ગરબા), ડો. કૃષ્ણા પટેલ (ગુજરાતી કવિતા), રિચા જૈન (હિન્દી), વિરેન્દર ચૌધરી (હિમાચલી), યશાસ આયંગર (કન્નડ), ડો. બર્નાડેટ્ટે પરેરા (કોંકણી- ઘૂમોટ પર લીઓનાર્ડો અને ગિટાર પર પાઉલોની સંગત), કાઉન્સિલર શરદ કુમાર ઝા (મૈથિલી), લક્ષ્મી પિલ્લાઈ (મલયાલમ), સ્વપ્નિલ જગતાપ (મરાઠી), લેઈના મોઈરંગથેમ (મેઈતેઈ), આચાર્ય દુર્ગા પોખરેલ (નેપાળી), ભાગ્યશ્રી સિંહ (ઓડિઆ), મનપ્રીત માયકોક (મેજર મુનીશ ચૌહાણ દ્વારા લિખિત પંજાબી કવિતા), સુશીલ રપટવાર (સંસ્કૃત), રેણુ ગીડુમલ (સિંધી), ડો. ચંદીરા ગુણાવર્દેના (સિંહાલી) અને રાગસુધા વિન્જામુરી (તેલુગુ), દ્વારા પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો.