વિશ્વ સંવાદિતા યજ્ઞઃ વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ છલકાયો

Wednesday 14th February 2024 04:31 EST
 
 

અબુ ધાબીઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) દ્વારા અબુ ધાબીની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનો રવિવારે - 11 ફેબ્રુઆરીથી વિશ્વ સંવાદિતા યજ્ઞ સાથે પ્રારંભ થઇ ગયો છે. પ.પૂ. મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વસંત પંચમી પર્વે ખુલ્લા મૂકાનારા આ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત પ્રેરણાદાયી કાર્યક્રમોની હારમાળા યોજાઇ છે, જે 21 ફેબ્રુઆરી સુધી ચાલશે.
મિડલ ઇસ્ટના દેશોમાં પ્રથમવાર કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેક મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે યોજાયેલા વિશ્વ સંવાદિતા યજ્ઞમાં 1000 કરતાં વધુ ભક્તો ભાવિકો જોડાયા હતા. પૂજારીઓની સાથે સાથે 200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.
પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે. મિડલ ઇસ્ટ દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ અને સ્થાનિક સમુદાયના અગ્રણીઓએ જોડાઈને યુએઇ અને સમગ્ર વિશ્વમાં સૌની
શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.
યજ્ઞ થકી વૈશ્વિક એકતાને અંજલિ
પ.પૂ. મહંત સ્વામીના માર્ગદર્શનમાં મંદિરના નિર્માણ કાર્યનું સંચાલન કરી રહેલા સંત બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દૃઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશાને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે. આ યજ્ઞ થકી અનુભવેલી શાંતિ અને સહઅસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દૃઢ કરાવ્યા કરશે.’
વરસાદે કાર્યક્રમને યાદગાર બનાવ્યોઃ હરિભક્ત જયશ્રીબહેન
યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નહોતી. આ યજ્ઞમાં જોડાવા ખાસ લંડનથી આવેલ હરિભક્ત જયશ્રીબહેન ઇનામદારે જણાવ્યું, ‘વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું, વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.
મોદીના હસ્તે શિલાન્યાસ, અને હવે ઉદ્ઘાટન
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, ગુરુહરિ, પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઐતિહાસિક ઉદઘાટન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવિશેષ ઉપસ્થિત રહેશે. ખાસ વાત એ છે કે આ મંદિરનો શિલાન્યાસ પણ તેમણે જ 2018માં કર્યો હતો. BAPS દ્વારા વર્ષ 2015માં આ
ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિર નિર્માણ માટે જરૂરી મંજૂરી મેળવવામાં તેમની નિર્ણાયક ભૂમિકા છે.
યુએઇમાં મળેલો પ્રેમ અવિશ્વસનીય અને અવર્ણનીયઃ બ્રહ્મવિહારીદાસજી
પશ્ચિમ એશિયાના સૌથી મોટા મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વનાં અનેક દેશોમાં મંદિરોનું નિર્માણ થયું છે, પરંતુ યુએઇમાં અમને જે પ્રેમ, સમર્થન અને સ્નેહ મળ્યો છે, તે અવિશ્વસનીય અને તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. અહીં ‘સહિષ્ણુતા’ એ માત્ર શબ્દ કે મૂલ્ય નથી, પરંતુ એ આચરણ દ્વારા જીવંત જોવા મળે છે. સહિષ્ણુતા અને ઉદારતા અહીંના શાસકોમાં જ નહીં, પરંતુ પ્રત્યેક હૃદયમાં જોવા મળી રહી છે. જ્યારે આવી નિઃસ્વાર્થ ઉદારતા, સહિષ્ણુતા હોય ત્યારે જરૂર છે, આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની. જેમણે આ મંદિર-નિર્માણમાં સહયોગ, સેવા આપી છે, તે સૌ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે આ પ્રસંગે મારે હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પ્રત્યે ખાસ આભાર પ્રગટ કરવો છે, કહો કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. તેમણે આ પ્રકારના સહિષ્ણુતાના પ્રતીકરૂપ બીએપીએસ હિન્દુ મંદિરને નિર્માણ કરવા માટેની પરવાનગી આપી અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી. આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ભાવના સાથે જ આ બીએપીએસ હિન્દુ મંદિરમાં સાત શિખર રાખવામાં આવ્યા છે, જે અહીંના સાત એમિરેટ્સનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આની સાથોસાથ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની અહીંના ઉદાર શાસકો સાથેની સ્નેહપૂર્ણ મૈત્રીને કારણે આ બીએપીએસ હિન્દુ મંદિર અહીં નિર્માણ પામી શક્યું છે. આ તમામ મહાનુભાવો પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે આયોજિત વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો લેવામાં આવ્યા હતા. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી.
મિડલ ઇસ્ટમાં હિન્દુ મંદિર બનવું એ કોઇ ચમત્કારથી ઓછું નથીઃ ભારતીય સમુદાય
યુએઇની ધરતી પર સાકાર થયેલા બીએપીએસ હિન્દુ મંદિરનું વસંત પંચમીએ લોકાર્પણ થઇ રહ્યું છે તે પ્રસંગે યુએઇમાં વસતાં ભારતીય સમુદાયનું માનવું છે કે મિડલ ઇસ્ટમાં હિન્દુ મંદિર બનવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી. ઈન્ડિયન પીપલ્સ ફોરમ (આઇપીએફ)ના જિતેન્દ્ર વૈદ્યે જણાવ્યું હતું કે, યુએઈમાં પરંપરાગત હિન્દુ મંદિર હોવું એ ચમત્કાર છે. આખા વિશ્વ માટે સંવાદિતાનો સંદેશ આપતા મંદિરની ચમત્કૃતિ કરતાં બીજો ક્યો મોટો પુરાવો જોઈએ?
આ મંદિર સંવાદિતાનું વૈશ્વિક પ્રતીક
ઇન્ડિયન વીમેન ઈન દુબઈ (આઈડબ્લ્યુડી)નાં સ્થાપક રીમા મહાજને જણાવ્યું કે, આ દેશમાં અમે 60 હજારથી વધુ મહિલાઓ સાથેનો સૌથી મોટો ભારતીય મહિલા સમુદાય છીએ. મને લાગે છે કે મધ્ય પૂર્વમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદઘાટન કોઈ ચમત્કારથી ઓછું નથી. તે સંવાદિતાનું વૈશ્વિક પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો એકસાથે આવી રહ્યા છે, ભારતીય તરીકે આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે.
મંદિર સૌને જોડતી કડી બનશે
દાઉદી વહોરા મુસ્લિમ સમુદાયના ડોક્ટર મુસ્તફા સાસાએ જણાવ્યું કે, આ મંદિર સૌને જોડતું કેન્દ્ર બનશે, કારણ કે હું જોઉં છું કે અહીં વિવિધ ધર્મના લોકો મુલાકાતે આવ્યા છે અને દરેકે ઈંટ મૂકી છે અને મને પણ ત્યાં ઈંટ મૂકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

ફેસ્ટિવલ ઓફ હાર્મનીઃ દસ દિવસની ઉજવણી
• 14 ફેબ્રુઆરી - પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
• 15 ફેબ્રુઆરી - સંધ્યા સભાઃ સંવાદિતા દિન
• 16 ફેબ્રુઆરી - સંધ્યા સભા: સભ્યતા દિન
• 17 ફેબ્રુઆરી - સંધ્યા સભા: શાંતિ દિન
• 18 ફેબ્રુઆરી - મંદિરમાં દર્શન અને સંધ્યા સભા - કૃતજ્ઞતા દિન
• 19ફેબ્રુઆરી - સંધ્યા સભા: મૂલ્યોનો દિન
• 20 ફેબ્રુઆરી - કીર્તન આરાધના
• 21 ફેબ્રુઆરી - પ્રેરણાદિન - મહિલા સભા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter