વિશ્વ હિન્દુ કોંગ્રેસઃ મનની એકતા, વિરાસતની ઉજવણી અને તેજસ્વી ભવિષ્યનું ઘડતર

બેંગકોકમાં 24 નવેમ્બરથી વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2023નું આયોજન

Tuesday 10th October 2023 00:23 EDT
 
 

લંડનઃ થાઈલેન્ડના બેંગકોક ખાતે 24 થી 26 નવેમ્બરના ગાળામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસ (WHC) 2023નું આયોજન થઈ રહ્યું છે જેનું વિષયવસ્તુ ‘જયસ્યા આયાતાનામ ધર્મઃ ’ એટલે કે ધર્મ જ વિજયનું નિવાસસ્થાન છે. હિન્દુઓના મૂલ્યો, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને તેમની સંપૂર્ણ તેજસ્વિતા અને ગૌરવ સાથે દર્શાવતી સાત સમાંતર વિષય આધારિત કોન્ફરન્સીસ આ વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં જોવા મળશે.

આ કોન્ફરન્સીસ વિશ્વભરના હિન્દુઓ સમક્ષની તકો અને પડકારો તેમજ તેમનો હિંમતપૂર્વક સામનો કેવી રીતે કરવો તેના વિશે ચર્ચા અને વાર્તાલાપો માટે સ્થળ પુરું પાડશે. આ કોન્ફરન્સીસ હિન્દુઓ માટે વ્યૂહાત્મક મહત્ત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને હિન્દુ પુનરુત્થાન માટે હિન્દુ નેતાઓ, કર્મશીલો અને વિચારકો માટે સહકારના માર્ગો પણ પૂરાં પાડશે.

વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ WHC વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે,‘WHCનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં હિન્દુઓ વચ્ચે સહભાગી વિઝન અને ઉદ્દેશના સર્જનની તેની ક્ષમતામાં રહેલું છે. વ્યક્તિઓ, સંસ્થા-સંગઠનો અને નેતાઓને એક છત્ર હેઠળ એકસંપ કરીને કોંગ્રેસ ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી આપનારા અર્થપૂર્ણ સંવાદ, નવતર વિચારો અને વ્યૂહાત્મક સહયોગને આસાન બનાવશે.’

સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે, હિન્દુઓ 1.2 બિલિયનની વસ્તી સાથે મજબૂત સમુદાય છે જે 21મી સદીમાં આશરે 200 દેશમાં હાજરી સાથે વિશ્વની વસ્તીમાં 16 ટકાનો હિસ્સો ધરાવે છે. વિશ્વભરમાં હિન્દુઓ બિઝનેસ, ઈકોનોમી, શિક્ષણ, વહીવટ, મીડિયા, ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત માનવીય પ્રયાસોના તમામ ક્ષેત્રોમાં અગ્રણીઓ અને ઉદ્દીપકો રહ્યા છે. એક સભ્યતા તરીકે આપણે હંમેશાં ધાર્મિક વિશ્વની ખેવના રાખીએ છીએ જે સમૃદ્ધ, ન્યાયી અને શાંતિપૂર્ણ હોય. જોકે, આવી મહેચ્છાઓ ત્યારે જ વાસ્તવિક બની શકે જ્યારે હિન્દુ નેતાગીરી સમગ્ર રાષ્ટ્રો, સમાજો અને સભ્યતાઓમાં પ્રસરે- વૈશ્વિક કલ્યાણ અર્થે આયોજનો કરવા આગળ આવે અને પોતાની શક્તિ-ઊર્જાઓનો સમન્વય સાધે.

તેમણે કહ્યું હતું કે,‘WHC તમામ હિન્દુ નેતાઓ, કર્મશીલો, વિચારકો અને પ્રભાવકારીઓને એક સાથે આગળ આવવા અને સમાન લક્ષ્ય તરફ કાર્ય કરવા સક્ષમ બનાવશે. તે હિન્દુઓને સંબંધો સ્થાપવા, વિચારોની સહભાગિતા અને મહાન સમાન કલ્યાણ માટે અરસપરસને પ્રેરિત કરવાનું પ્લેટફોર્મ પુરું પાડશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter