'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના વાચકો ઘણી આતુરતાથી જે કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે તે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી સંસ્થાના હોલ ખાતે કરવામાં આવ્યું છે. આપણા માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં અમને ૨૦ જેટલા પરિવારો તરફથી પ્રતિભાવ સાંપડી ચૂક્યા છે.
આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ માતા-પિતા અને વડિલોની ખરા દિલથી સેવા સુશ્રુષા કરતા કેટલાય દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો તેમજ અન્ય સંતાનો બ્રિટનમાં વસતા હશે. વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી અમે સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા કરતા આવા સંતાનોનું સન્માન કરનાર છીએ. અમારો આશય આવા સન્માન થકી અન્ય સંતાનોને પણ પ્રેરણા આપવાનો છે જેથી તેમના માવતરનું જીવન પણ સુંદર બને. આપ જો માતા-પિતાની સેવા કરતા દિકરા-દિકરી, પુત્રવધુ કે સંતાનોને જાણતા હો તો તેની માહિતી અમને મોકલવા નમ્ર વિનંતી છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિવિધ શહેરો-નગરોના સ્થાનિક સંસ્થાઅોના અપ્રતિમ સહકારથી ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં હેરો, ક્રોયડન, લેસ્ટર, પ્રેસ્ટન અને માંચેસ્ટર મળી લગભગ ૫૦૦ જેટલા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સન્માન કરવા બદલ સદ્ભાગી બન્યા છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સરસ શબ્દોમાં આલેખિત સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરના ફોટો સહિતની માહિતી અમને મોકલવા નમ્ર વિનંતી છે.
બન્ને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર પરિવારે કુલ કેટલી વ્યક્તિઅો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે તેની સંખ્યા જણાવવા વિનંતી છે જેથી કેટરીંગ તેમજ અન્ય વ્યવસ્થા સુગમ થઇ પડે.
આપ તમામ માહિતી અમને ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા શ્રી કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૦મી માર્ચ ૨૦૧૬ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે.
વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ – 020 7749 4001.