વિશ્વખ્યાત અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરમાં રામનવમી - સ્વામિનારાયણ જયંતીની ઉજવણી

Wednesday 09th April 2025 06:12 EDT
 
 

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્નસમાન, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર - અબુ ધાબીમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામના જન્મોત્સવની અને સ્વામિનારાયણ જયંતીની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસે સવારે નવથી બપોરે 12 વાગ્યા સુધી રામ જન્મોત્સવને વધાવતા ભજનકીર્તન યોજાયા હતા તો બાદમાં જન્મોત્સવ આરતી થઇ હતી, જેનો લાભ હજારો ભાવિકોએ લીધો હતો. સાંજના સમયે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટ પર બીએપીએસના કલાકાર યુવા-યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય, પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશેષ સાંધ્ય સભામાં ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ હતી અને બાદમાં શ્રી હરિ જન્મોત્સવની આરતી યોજાઇ હતી.
અબુ ધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે રામનવમી નિમિત્તે સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઊમટ્યા હતા.
યુએઈમાં વસતાં હજારો ભક્તો-ભાવિકો માટે આ અણમોલ અવસર હતો, જેમાં તેમણે મંદિરમાં શ્રી રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ જયંતીની ઉજવણીનો લ્હાવો લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter