અમદાવાદ: વૈશ્વિક સંગઠન વિશ્વ ઉમિયાધામ સંકુલ - જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં યુએસએ, કેનેડા, આફ્રિકા, યુકે સહિત વિશ્વના અન્ય દેશોમાં રહેતા એનઆરઆઈ પાટીદાર પરિવારોનો સ્નેહમિલન અને અભિવાદન સમારંભ સોમવારે યોજાયો હતો. જેમાં 500થી વધુ એનઆરઆઈ પરિવારો ઉમંગભેર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, કથાકાર જીગ્નેશ દાદા, સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ સહિત વિશ્વ ઉમિયાધામના વિદેશમાં વસતાં દાતાઓ, ટ્રસ્ટીઓ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ તમામ એનઆરઆઈ પરિવારોએ જગત જનની મા ઉમિયાની પુજા-અર્ચના કર્યા બાદ મહાઆરતી કરી હતી.
આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, હવેથી દર વર્ષે વિશ્વના તમામ દેશો કે જ્યાં પાટીદારો વસે છે ત્યાં મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે. તેની સાથે જ હવેથી દર શનિવારે સાંજે આઠથી નવ વાગ્યા સુધી એક સાથે વિશ્વભરમાં પાટીદારો જગત જનની મા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે.