લંડનઃ બ્રિટિશ શીખ એસોસિયેશન (BSA)ના ચેરમેન લોર્ડ રેમી રેન્જર CBE અને વેસ્ટ બ્રોમવિચના પાર્લામેન્ટના સભ્ય (MP) મિસિસ નિકોલા રિચાર્ડ્સ દ્વારા 20 એપ્રિલની સાંજે કોમન્સ ટેરેસ ખાતે વૈશાખી ઈન પાર્લામેન્ટ રિસેપ્શન 2023 ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ડેપ્યુટી હાઈ કમિશનર મિ. સુજિત ઘોષ, મિનિસ્ટર કો-ઓર્ડિનેશન મિ. દીપક ચૌધરી, સાંસદો થેરેસા વિલિયર્સ, મિ. વીરેન્દ્ર શર્મા, પાર્લામેન્ટ મેમ્બર્સ અને લોર્ડ્ઝ, BSA કમિટીના સભ્યો, આર્મ્ડ ફોર્સીસ અને દૂરસુદૂરથી રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા બ્રિટિશ શીખ કોમ્યુનિટીના અગ્રણી સભ્યોનો સમાવેશ થયો હતો. આ રિસેપ્શનના માસ્ટર ઓફ સેરિમની નાયાઝ કાઝી રહ્યા હતા.
વેસ્ટ બ્રોમવિચના સાંસદ અને સહઆયોજક નિકોલા રિચાર્ડ્સ દ્વારા સ્વાગત સંબોધન કરાયું હતું. તેમણે બ્રિટન અને વિશ્વમાં શીખ સમુદાયના પ્રદાન તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વૈશાખીના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.
બ્રિટિશ શીખ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અને વર્લ્ડ શીખ યુનિવર્સિટીના ચાન્સેલર ડો. સુખબીર એસ. કપૂર OBE દ્વારા વૈશાખીના મહત્ત્વ તેમજ ગુરુ ગોવિંદસિંહના જ્ઞાન, નેતૃત્ત્વ અને માર્ગદર્શન હેઠળ 1699માં ખાલસા પંથની રચના થયા વિશે જણાવ્યું હતું. નિર્બળો પર અત્યાચારના વિરુદ્ધ ખડા રહેવા અને માનવજાતની સેવાની ખાલસા પરંપરા અને માનવસેવાના કર્તવ્યથી શીખ કોમ્યુનિટીની વિશ્વમાં કરાતી કદર વિશે પણ તેમણે જણાવ્યું હતું.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ શીખ ધર્મના પવિત્ર ગુરુઓ દ્વારા માનવજાતને અપાયેલા યોગદાન તેમજ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના પવિત્ર ઉપદેશો તેમજ ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ખાલસા પંથની સ્થાપના કરાઈ તેના વિશે પણ જણાવ્યું હતું. હાઈ કમિશનરે વિશ્વને બહેતર બનાવવામાં ખાલસા અને શીખ સમુદાયના મહત્ત્વપૂર્ણ યોગદાનની પણ વાત કરી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી.પટેલે વૈશાખી સેલિબ્રેશન રિસેપ્શનમાં સંબોધન કરવા બદલ માન અને આનંદની લાગણી દર્શાવવા સાથે શીખ ગુરુઓ અને શીખ કોમ્યુનિટી પ્રત્યે આદરભાવના વ્યક્ત કરી હતી. તેમણે આયોજકો લોર્ડ રેમી રેન્જર અને સાંસદ નિકોલા રિચાર્ડ્સનો આભાર માન્યો હતો.
સાંસદો શ્રી વિરેન્દ્ર શર્મા અને મિસિસ થેરેસા વિલિયર્સે પણ વૈશાખી સેલિબ્રેશન રિસેપ્શન યોજવા બદલ બ્રિટિશ શીખ એસોસિયેશન, લોર્ડ રેમી રેન્જર અને સાંસદ નિકોલા રિચાર્ડ્સનો આભાર માન્યો હતો. શ્રી શર્માએ બ્રિટન અને સમગ્ર વિશ્વમાં શીખ કોમ્યુનિટીના યોગદાન વિશે જણાવ્યું હતું. મિસિસ વિલિયર્સે બ્રિટનને સમૃદ્ધ બનાવવા તેમજ બ્રિટન અને વિશ્વમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ શીખ સમુદાયની સરાહના કરી હતી.
કર્નલ જેફરસને બ્રિટનના લશ્કરી દળોમાં શીખ કોમ્યુનિટીની વીરતા મઅને પરાક્રમ વિશે જણાવી કિંગ અને દેશના મરક્ષણમાં શીખ કોમ્યુનિટીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જણાવ્યું હતું.
લોર્ડ રેમી રેન્જરે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાન વક્તાઓ અને નામાંકિત મહેમાનોનો આભાર માનવા ઉપરાંત, તેમણે બ્રિટિશ શીખ એસોસિયેશન કમિટીના સભ્યોને મંચ પર બોલાવી આભારની વિશેષ લાગણી વ્યક્ત કરી હતી.