લંડનઃ વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. શનિવાર 7 સપ્ટેમ્બરના ગ૯ણેશ ચતુર્થીના દિવસથી મંગળવાર 17 સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસ સુધી શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં ગણપતિ બાપ્પાને સંગીત, વેદિક સ્તોત્રો અને શ્લોકોના ઊચ્ચાર તેમજ બાપ્પાને રોજ સવાર અને સાંજની આરતીઓ અને ભજનો થકી લાડ લડાવાયા હતા.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન, મંદિરના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરાર, ટ્રસ્ટીગણ અને ભક્તજનોએ કુલ 151 કિલોના લાડુ ધરાવ્યા હતા. મંદિરના મહારાજો અને ભક્તજનોએ શ્રી ગણેશ અથર્વશીષમના સતત પાઠ કર્યા હતા.
શ્રી ગણેશ વિસર્જનની ભવ્ય યાત્રામાં હાજરી આપવા વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરના પ્રાંગણમાં એકત્ર થયા હતા. ઘણા ભક્તો તેમના પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ સાથે લઈને ગણપતિ બાપ્પાનું વિસર્જન કરાવવા માટે આવ્યા હતા. ભક્તજનોના નાચગાન, ગણપતિ બાપ્પાના ભક્તિગીતો તેમજ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના ઊચ્ચારો કરી રહ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરી રહી હતી. મંદિરના પરિસરમાં બનાવાયેલા પાણીના તળાવમાં ગણપતિ દેવની મૂર્તિ પધરાવવા સાથે ભક્તોને આશીર્વાદ આપી બાપ્પા નિજધામ પરત ફર્યા હતા.