વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ હોલ (રમણભાઇ ગોકલ હોલ)માં ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં હોલી 'રસિયા અને વચનામૃત'ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૫૦૦થી વધુ વૈષ્ણવોએ હર્ષોલ્લાસ સાથે હોળી રસિયાનો લાભ લીધો અને શ્રધ્ધાભેર જેજેશ્રીના વચનામૃતનું રસપાન કર્યું.
VYO નોર્થ લંડનનાં પ્રેસિડન્ટ પ્રતિભાબેન લાખાણીએ સૌનું સ્વાગત કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે જેજેશ્રી પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીનું પુષ્પમાલાથી અભિવાદન કરાયું હતું.
નરેન્દ્રભાઇ ઠકરારે જણાવ્યું કે કોરોનાકાળ પછી સનાતન મંદિરના હોલમાં સૌ પ્રથમ જેજેશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીનું આગમન થયું છે. ૨૦૧૩માં જીજી પૂ. ઇન્દિરાબેટીજી સાથે જેજેશ્રી પધાર્યા ત્યારે ૨૫ વર્ષના યુવાન હતા. એ વખતે વલ્લભનિધિ ટ્સ્ટના લાભાર્થે જીજીએ યુવાન જેજેશ્રીને કથા કરવાનું કહ્યું ત્યારે મને મનમા ખૂબ ચિંતા થતી હતી ત્યારે આપશ્રીએ "બહુ સરસ થશે તમે બિલકુલ ચિંતા ના કરતા એમ કહ્યું હતું. એ કથા વખતે ચોખ્ખા £૩,૫૦,૦૦૦નું ભંડોળ એકત્ર થયું હતું જે અમે સાચવી રાખ્યા હતા. આજે આપણે જે હોલમાં બેઠા છીએ એ બેન્કવેટીંગ હોલમાં એ પૈશા વપરાયા છે.
વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી (જેેજેશ્રી) સમક્ષ VYO નોર્થ સંચાલિત સ્કૂલના ૪૦ જેટલા બાળકોએ શુધ્ધ શ્લોકોચ્ચાર સાથે ગાન કરી નૃત્ય રજૂ કર્યું. એ જોઇ જેજેશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ કહ્યું કે, VYO લંડન અને લેસ્ટરમાં ખૂબ અગ્રેસર રીતે આગળ વધી રહ્યું છે એ જોઇને જીજીને પણ ખૂબ આનંદ થતો હશે. હોળી રસિયાના કાર્યક્રમમાં હોળી રસિયાના ગીતોથી ખૂબ આનંદનો માહોલ સર્જાય છે. રસિયા વખતે આપણને વ્રજ ભૂમિમાં હોય એવી અનુભૂતિ થાય છે. ૪૦ દિવસ સુધી કૃષ્ણએ જે હોળી રસિયાનો ઉત્સવ કર્યો હતો એ કોણ કહે છે ૫૦૦૦ વર્ષ પૂર્વે થયો હતો? કૃષ્ણ ભૂતકાળ નથી એ વર્તમાન છે. કેટલાકને સવાલ થાય છે કે શું ભગવાન, ઇશ્વર છે ખરો? વ્રજભૂમિમાં આજેય કૃષ્ણની લીલા થાય છે. નિધિવનમાં કૃષ્ણ ભગવાનની દિવ્ય અનુભૂતિઓ થાય છે. જે કોઇને પ્રશ્ન હોય એ સેવાકુંજમાં રાત રોકાઇ આવે તો પ્રમાણ મળે. નિધિવન અને સેવાકુંજમાં રાત રોકાનાર જીવિત પાછો આવતો નથી. ગિરિરાજની શિલા ઉપર હજુ સિંદૂર નીકળે છે, વર્ષો પૂર્વે નાગર બ્રાહ્મણ નરસિંહને પણ ભગવાન કૃષ્ણનો સાાત્કાર થયો હતો. ભારતના મોટા સંશોધકો, વૈજ્ઞાનિકો પણ આ વાતનો સ્વીકાર કરે છે, એવા બુધ્ધિ જીવીઓ પણ અહીં રોજ નિત્યક્રમ કરી ઠાકોરજીનું ધ્યાન કરે છે, પૂજા કરે છે. અંતમાં જેજેશ્રીએ યુ.કે. ખાસ પધારવા પાછળનું પ્રયોજન પરમ દાનવીર પ્રદિપભાઇ ધામેચાના સુપુત્ર આનંદની સગાઇમાં હાજરી આપવાનું જાહેર કરતાં સૌએ પ્રદિપભાઇને તાળીઓથી વધાવી લીધા હતા.
જેજેશ્રીના આશીર્વચન પછી હોળી રસિયાનો કાર્યક્રમ થયો હતો એમાં રંગોત્સવને બદલે રંગબેરંગી પુષ્પોની પાંખડીઓ વડે રસિયા ખેલ્યા હતા. નોર્થલંડન VYO ના પ્રેસિડેન્ટ પ્રતિભાબેન, ચેરમેન કંતેશભાઇ પોપટ, યુકે પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિયા, મધુબેન સોમાણી, દેવ્યાનીબેન જયેશભાઇ પટેલ તેમજ વલ્લભનિધિ ટ્રસ્ટના સૌ કાર્યકરોએ રંગીન, તાજાં પુષ્પ પાંખડીઓના ટોપલા ભરી ભરીને રાખ્યા હતા એના વડે જેજેશ્રી સૌ વૈષ્ણવો સાથે હોળી ખેલ્યા હતા.