વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ તેમજ રેખા નાટ્ય એકેડેમીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઈવેન્ટના યજમાનપદે વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર એલુનેડ મોર્ગન MS હતાં.
ફર્સ્ટ મિનિસ્ટરે દિવાળીની શુભેચ્છા પાઠવી કરુણા, સમૃદ્ધિ તેમજ ભારત અને વેલ્સ વચ્ચે સહભાગી મૂલ્યો વિશે જણાવવાં સાથે વેલ્સમાં ભારતીય કોમ્યુનિટીનાં યોગદાનને બિરદાવ્યું હતું. હાઈ કમિશનર દોરાઈસ્વામીએ ભારત અને વેલ્સ વચ્ચે મજબૂત સંબંધોની વાત કરી હતી. વેલ્સ ખાતે ભારતના ઓનરરી કોન્સલ રાજ અગ્રવાલે વેલ્સની શૈક્ષણિક સંસ્થાઓ અને બિઝનેસીસ માટે ગ્લોબલ ઈકોનોમીના ચાવીરૂપ ખેલાડી ભારતમાં ભાગીદારી અને વિસ્તરણની અપાર તક હોવાં વિશે જણાવ્યું હતું. લોર્ડ લેફ્ટનન્ટ ઓફ વેસ્ટ ગ્લેમોર્ગન, લોર્ડ મેયર ઓફ સ્વાનસી લહિતના મહાનુભાવો, એર ફોર્સ, આર્મી, નૌકાદળ અને પોલીસદળોના પ્રતિનિધિઓ, વિવિધ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, કોમ્યુનિટીના સભ્યો, વેલ્સ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ શાકાહારી અને બિનશાકાહારી ભારતીય વ્યંજનોનો રસાસ્વાદ માણ્યો હતો.